Charotar

નડિયાદના 3 પોલીસ ઇન્સ્પેક્ટરની મહેફિલકાંડની શાહી સુકાઇ નથી ત્યાં ખાખી જમીનના કજીયામાં પડ્યાનો આક્ષેપ


*નડિયાદ પોલીસ જમીનના કબજા મેટરમાં સંડોવાઇ !
*નડિયાદમાં મોકાની જગ્યા માટે રાત્રિના સમયે પોલીસે જમીન માલિકને ધમકાવ્યાનો આરોપ
*પોલીસ અધિકારી અને ચાર કોન્સ્ટેબલ સામે જિલ્લા પોલીસ વડાને રજૂઆત


ખેડા જિલ્લામાં ખાખીવર્ધી કલકિંત થવાનો દૌર શરૂ થયો છે. સિવિલ રોડ સ્થિત એક જમીન માલિકે જિલ્લા પોલીસ અધિક્ષકને ફરીયાદ આપી છે. જેમાં 4 તારીખે જમીનની અંગત બાબતમાં એક વ્યક્તિએ માથાકૂટ કરી અને તે રાત્રે 4 કોન્સ્ટેબલો અને 1 પોલીસ અધિકારીએ સ્થળ પર પહોંચી જમીન માલિકને ગર્ભિત ધમકી આપી હોવાની વિગતો સામે આવી છે. ત્યારે આ પોલીસ કર્મચારીઓ કોણ છે તે અંગે તપાસ કરવા અને આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે અરજદારે માગ કરી છે

.
નડિયાદ સિવિલ રોડ પર સર્વે નં. 1186/1માં કનુભાઈ ઠાકોર પોતાના વડીલોપાર્જીત જમીન ધરાવે છે. જે જમીન પડાવી લેવા માટે હિતેષ પરસ્સોત્તમદાસ પરમાર દ્વારા કાવતરા કરવામાં આવી રહ્યા છે. જે અન્વયે 4 માર્ચે હિતેશના કહેવાથી સન્ની રાવળ નામનો ઈસમ આ કનુભાઈની ઉપરોક્ત જમીનમાં તેમની પાસે ગયો હતો અને બેફામ ગાળો બોલ્યો હતો. તેમજ તે વીજ વિભાગના કર્મચારીઓને લઈને ગયો હતો અને ત્યાં કનુભાઈ વીજ ચોરી કરતા હોવાની અરજી કરી તપાસ કરાવી હતી. જો કે, આ તપાસમાં કનુભાઈ કોઈપણ પ્રકારની વીજચોરી ન કરતા હોવાનું ખુલ્યુ હતુ. આ દરમિયાન બોલાચારી અને ઝપાઝપી થઈ હતી. જ્યાં સન્ની રાવળ પોતાનું બાઈક મુકી ચાલ્યો ગયો હતો. જેથી આ સમગ્ર બાબતે કનુભાઈએ તત્કાલ નડિયાદ ટાઉન પોલીસ મથકે ફરીયાદ આપી હતી. આ બિના બાદ તે જ દિવસે મોડી રાત્રે 12 વાગ્યાના અરસામાં એક પોલીસ અધિકારી અને 4 કોન્સ્ટેબલ આ સ્થળ પર પહોંચ્યા હતા. તેમજ કનુભાઈને બાઈક અંગે પૂછપરછ કરી એક કોન્સ્ટેબલ પોતાના ખિસ્સામાંથી ચાવી કાઢી બાઈક લઈ ગયો હતો. જો કે, આ દરમિયાન ત્યાં આવેલા પોલીસ અધિકારી દ્વારા કનુભાઈને જમીન છોડી ચાલ્યા જવા માટે ગર્ભિત ધમકીઓ આપવામાં આવી હતી. જ્યાં કનુભાઈએ પોલીસને જ આ જમીન પચાવી પાડવા માટે હિતેશ પરમાર દ્વારા બનાવટી દસ્તાવેજો ઉભા કર્યા હોવાનું જણાવ્યુ હતુ. જો કે, આ સમગ્ર મામલે આ પોલીસ અધિકારી અને કોન્સ્ટેબલ કોણ હતા? તેમજ બાઈક કેમ લઈ ગયા અને આ જમીન ખાલી કરવા ધમકીઓ કેમ આપી? તે અંગે નિષ્પક્ષ તપાસ કરાવવા માટે અરજદાર કનુભાઈ સોમાભાઈ ઠાકોરે જિલ્લા પોલીસ અધિક્ષકને લેખિત રજૂઆત કરી માંગણી કરી છે.

આરોપીઓ મામલતદાર કચેરીના ફોલ્ડરીયા
આ સમગ્ર મામલે મળતી માહિતી મુજબ જમીન માલિકને ધમકી આપી જમીન પડાવી લેવા સક્રિય થયેલા હિતેષ પરમાર અને સન્ની રાવળ બંને નડિયાદ મામલતદાર કચેરીના ફોલ્ડરીયા છે. બંને આખો દિવસ કચેરીની બહાર રહી લોકોના કામ પતાવી આપવાના બહાને વહીવટ કરે છે. ઉપરાંત તેમને પોલીસ વિભાગમાં પણ મેળાપીપણુ હોય, તાજેતરમાં તેમણે મામલતદાર કચેરીમાં તેમની મેલી મુરાદ પૂરી ન થતા સોગઠુ ગોઠવી એક કર્મચારીનો ખેલ પડાવી દીધો હોવાની પણ માહિતી મળી છે.

બોગસ દસ્તાવેજ બનાવવા મામલે પકડાયા હતા
આરોપી હિતેષ પરમાર અને સન્ની રાવળ બંને સામે અગાઉ બોગસ દસ્તાવેજો બનાવ્યા હોવા મામલે ફરીયાદ નોંધાઈ હતી. તેમજ હિતેષે નડિયાદના એક સિનિયર કાઉન્સિલર સામે એટ્રોસીટીની પણ ફરીયાદ નોંધાવી હતી. તેમજ બંને ઈસમો આ પ્રકારના બોગસ દસ્તાવેજો ઉભા કરવાના માસ્ટર માઈન્ડ હોવાની ચર્ચા છે. તો સાથે જ કનુભાઈ ઠાકોરની જમીન પચાવી પાડવા માટે પણ ડે.કલેક્ટરની કચેરીમાંથી સરકારી કર્મીઓના સહી વાળા ખોટા દસ્તાવેજો બનાવ્યા હોવાના આરોપ ઉઠ્યા છે.

Most Popular

To Top