Charotar

તારાપુરમાં બે કાર સામસામે અથડાતા એકનું મોત


તારાપુરમાં વૃદ્ધ આણંદ આવવા મિત્ર – વેવાઇ સાથે નિકળ્યાં હતાં
તારાપુરની મોટી ચોકડી પર પુરપાટ ઝડપે જતી બે કાર સામસામે અથડાતાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. આ અંગે અકસ્માત સર્જનાર કાર ચાલક સામે ગુનો નોંધ્યો હતો.
તારાપુરના તુલસી વિલા સોસાયટી ખાતે રહેતા મનુભાઈ ધુળાભાઇ શિયોરા એલઆઈસી એજન્ટ તરીકે કામ કરે છે. મનુભાઈ 13મી માર્ચના રોજ નગરા ગામે રહેતા તેમના મિત્ર હસમુખભાઈ ઉર્ફે ડાબર અંબાલાલ પટેલ (રહે.નગરા) તથા વેવાઇ ઘનશ્યામભાઈ ડાહ્યાભાઈ શિરોયા (રહે. મોતીપુરા, તા. ખંભાત) સાથે કાર નં.જીજે 23 સીઇ 6338 લઇ ખંભાત ગયાં હતાં. મનુભાઈને ખભાનું ઓપરેશન કરાવ્યું હોવાથી દવાખાને જવાનું હોવાથી આણંદ જવા નિકળ્યાં હતાં. આ સમયે કાર હસમુખભાઈ પટેલ ચલાવતાં હતાં. તેઓ નવેક વાગ્યાના સુમારે તારાપુર મોટી ચોકડી પર સીએનજી પંપમાં ગેસ પુરાવવા ગયાં હતાં. પરંતુ લાંબી લાઇન હોવાથી તેઓ રોડ ક્રોસ કરી આણંદ તરફ નિકળ્યાં હતાં. તે વખતે ધર્મજ બાજુથી અન્ય એક કાર પુરપાટ ઝડપે ધસી આવી હતી અને સીધી જ મનુભાઈની ગાડી સાથે ડ્રાઇવર સાઇડ ધડાકાભેર અથડાઇ હતી. આ અકસ્માત એટલો જબરજસ્ત હતો કે, મનુભાઈની ગાડી ચકરડી ફરી ગઇ હતી અને બાજુમાં ફેંકાઇ ગઇ હતી. જ્યારે ગાડી ચલાવતા હસમુખભાઈ અને ઘનશ્યામભાઈને ગંભીર ઇજા પહોંચતાં તેઓ બેભાન થઇ ગયાં હતાં. આ અકસ્માતના પગલે આસપાસના લોકો દોડી આવ્યાં હતાં. આ અકસ્માત ગાડી નં.એમએચ 19 સીએક્સ 0737એ સર્જી દીધો હતો. જ્યારે અકસ્માતમાં ઘવાયેલા ત્રણેયને સારવાર માટે ખંભાત જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં હસમુખભાઈને વધુ સારવાર માટે કરમસદ ખસેડ્યાં હતાં. પરંતુ ફરજ પરના ડોક્ટરે તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યાં હતાં. આ અંગે મનુભાઈએ તારાપુર પોલીસ મથકે ગાડી નં.એમએચ 19 સીએક્સ 0737ના ચાલક સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top