Comments

ઝેલેન્સકીની ૧૦ મુદ્દાની શાંતિયોજના

આજના આધુનિક સમયમાં ટેકનોલોજી દરેક ક્ષેત્રે ઘૂસી ગઈ છે. યુદ્ધ માટે પણ આ વાત એટલી જ સાચી છે. કોઈ પણ યુદ્ધ જે પ્રકારનાં આધુનિક ટેકનોલોજી અને સ્ટેટ-ઓફ-ધ-આર્ટ શસ્ત્રો દ્વારા લડાય છે તેને કારણે થનાર તબાહીની સંખ્યા પણ બહુ મોટી હોય છે. યુનાઈટેડ નેશન્સ પાસેથી ઉપલબ્ધ વિગતો અનુસાર યુક્રેન યુદ્ધમાં અંદાજે ૭૦૦૦ નાગરિકો માર્યા ગયાં છે અને બીજાં લગભગ ૧૧૦૦૦ ઘવાયાં છે. આ ખુવારી અટકે તે માટે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી તેમની દસ મુદ્દાની શાંતિયોજનાને સક્રિયપણે પ્રોત્સાહન આપી રહ્યા છે. તેઓ અમેરિકન પ્રમુખ સહિત અન્ય લોકો સાથે આ અંગે ચર્ચા કરી રહ્યા છે અને તેના આધારે વૈશ્વિક શાંતિ સમિટ યોજવા વિશ્વનેતાઓને વિનંતી કરી રહ્યા છે. ઝેલેન્સકીએ સૌ પ્રથમ નવેમ્બરમાં જી૨૦ સમિટમાં તેમની શાંતિ યોજનાની જાહેરાત કરી હતી. તેમની આ દસ મુદ્દાની શાંતિયોજના શું છે?

પહેલો મુદ્દો કિરણોત્સર્ગ અને પરમાણુ સલામતી, જે યુક્રેનના ઝાપોરિઝ્ઝિયામાં આવેલા યુરોપના સૌથી મોટા પરમાણુ પાવર પ્લાન્ટની આસપાસ સુરક્ષા પુનઃસ્થાપિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જે હવે રશિયાના કબજામાં છે. બીજો મુદ્દો વિશ્વના ગરીબ દેશોમાં યુક્રેનના અનાજની સુરક્ષિત નિકાસની ખાતરી સહિત ખાદ્યસુરક્ષાને લાગતો છે. ત્રીજો મુદ્દો ઊર્જા સુરક્ષાનો છે, જેમાં રશિયન ઊર્જા સંસાધનો પર ભાવ નિયંત્રણો તેમજ રશિયન હુમલાઓ દ્વારા નુકસાન પામેલા યુક્રેનના પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પુનઃસ્થાપિત કરવામાં સહાયતાની વાત છે.

ચોથો મુદ્દો યુક્રેનિયન યુદ્ધ કેદીઓ અને રશિયા દ્વારા બળજબરીથી નિર્વાસિત કરાયેલાં બાળકો સહિત તમામ કેદીઓની મુક્તિનો છે. પાંચમા મુદ્દામાં ઝેલેન્સકીએ યુક્રેનની પ્રાદેશિક અખંડિતતાને પુનઃસ્થાપિત કરવાની વાત કહી છે જેમાં તેઓ કોઈ બાંધછોડ કરવા તૈયાર નથી. છઠ્ઠા મુદ્દામાં તેઓ રશિયન સૈનિકો પાછા ખેંચી સંઘર્ષનો અંત લાવી રશિયા-યુક્રેનની સરહદોની પુનઃસ્થાપનાની વાત કરે છે. સાતમા મુદ્દામાં રશિયન યુદ્ધ અપરાધોની કાર્યવાહી માટે વિશેષ ટ્રિબ્યુનલની સ્થાપના સહિત ન્યાયની માંગ તેઓ કરે છે.

જ્યારે આઠમા મુદ્દામાં જળ શુદ્ધિકરણ સુવિધાઓના પુનઃસ્થાપન અને સુરંગો હટાવવાની કાર્યવાહી પર ધ્યાન કેન્દ્રિત કરીને પર્યાવરણની સુરક્ષાની વાત કરવામાં આવી છે. નવમા મુદ્દામાં યુરો-એટલાન્ટિક વિસ્તારમાં સુરક્ષા આર્કિટેક્ચરના બાંધકામ અટકાવવા અને યુક્રેન માટેની બાંયધરીનો સમાવેશ થાય છે અને છેલ્લા મુદ્દામાં સામેલ પક્ષો દ્વારા હસ્તાક્ષર કરાયેલ દસ્તાવેજ સાથે યુદ્ધના અંતની જાહેરાતની વાત છે. ડિસેમ્બરમાં ઝેલેન્સકીએ જી૭ રાષ્ટ્રોના નેતાઓને વૈશ્વિક શાંતિ સમિટ માટે તેમના વિચારને સમર્થન આપવા વિનંતી કરી હતી. આ અંગે વિશ્વની પ્રતિક્રિયા જોઈએ તો સ્વાભાવિક રીતે જ રશિયાએ ઝેલેન્સકીની શાંતિ દરખાસ્તને નકારી કાઢતાં કહ્યું હતું કે તે પોતે જીતેલો કોઈ પણ પ્રદેશ છોડશે નહીં. રશિયાના દાવા પ્રમાણે આવો પ્રદેશ યુક્રેનના પાંચમા ભાગ જેટલો છે.

બિડેન, ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન અને નરેન્દ્ર મોદી સહિતના નેતાઓ સમક્ષ ઝેલેન્સકી પોતાની યોજના રજૂ કરવા રાજદ્વારી માર્ગે છે. વોશિંગ્ટનની આગેવાનીમાં પશ્ચિમી વિશ્વ યુક્રેનને અબજો ડોલરનું સૈન્ય સમર્થન કરી રહ્યું છે અને તેઓ યુક્રેનને ડિ-માઈનિંગ અને પાવર ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ઠીક કરવામાં મદદ કરી રહ્યા છે. પરંતુ ઝેલેન્સકીની શાંતિયોજના અને પ્રસ્તાવિત શાંતિ સમિટ માટે પ્રતિસાદ આપવામાં તેઓ સાવધાની રાખી રહ્યા છે. ઝેલેન્સકીની વોશિંગ્ટનની મુલાકાત દરમિયાન બિડેને જાહેર ટિપ્પણીમાં ફક્ત એટલું જ કહ્યું હતું કે તે અને ઝેલેન્સકી શાંતિ માટે સમાન દૃષ્ટિકોણ ધરાવે છે અને યુક્રેન પોતાનો બચાવ કરી શકે તે સુનિશ્ચિત કરવા અમેરિકા પ્રતિબદ્ધ છે. જી૭ નેતાઓએ કહ્યું છે કે તેઓ યુએન ચાર્ટરમાં સમાવિષ્ટ તેના અધિકારોને અનુરૂપ યુક્રેનમાં શાંતિ લાવવા માટે પ્રતિબદ્ધ છે. જો કે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે તાજેતરમાં જ કહ્યું છે કે લશ્કરી કાર્યવાહી ચાલુ રહેશે અને શાંતિ માટેની ગંભીર વાટાઘાટો માટે આપણે હજુ ઘણી રાહ જોવી પડશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top