Columns

ગુજરાતમાં આ રોગચાળો ફેલાય તો?!

નરેન્દ્ર જોશી

સાહેબ, તમે કહો તેના સોગંદ ખાઈને કહું છું: મેં એક ટીપું પણ દારૂ પીધો નથી. આજે જ નહીં ક્યારેય પણ પીધો નથી. દારૂ પીને વાહન ચલાવવાનો મારા માટે પ્રશ્ન જ નથી’ ‘બધાને મૂર્ખ સમજે છે? આ તારાં લોહીની તપાસમાં આલ્કોહોલનું પ્રમાણ કેટલું આવ્યું છે તે બતાવે છે કે તે કેટલો પીધો છે!’ આશ્ચર્યજનક વાત તો એ છે કે દારૂ પીને વાહન ચલાવવાનો આરોપી તદ્દન સાચો હતો. તેણે ક્યારેય દારૂ નથી પીધો. તેને પકડનાર પોલીસ તંત્ર પણ સાચું છે. આરોપીના લોહીની તપાસ પણ ખોટું નથી બોલતી. તે મક્કમપણે કહે છે કે આરોપી ચિક્કાર પીધેલો છે.
સાચી વાત તો એ છે કે ખરો અપરાધી આરોપીના પેટમાં ભરાયો છે અને એ અપરાધીએ આરોપીને પકડાવી દીધો પણ અપરાધી આરોપીની સાથે રહેતો આવ્યો છે અને મોટે ભાગે રહેશે.
આરોપીએ પોતાની બેગમાંથી એક કાગળ કઢી પોલીસને બતાવ્યો. પોલીસે આરોપીને કહ્યું કે તું સાચો છે. આ અપરાધી બહુ ઓછો દેખાય છે પણ તારામાં દેખાયો. તું જઈ શકે છે.
આરોપીએ પોલીસને ચલણી નોટના કાગળ નહોતા બતાવ્યા. તેણે તબીબી પ્રમાણપત્ર બતાવ્યું હતું તેમાં અપરાધીનું નામ હતું: ઓટો બ્રુઅરી સિન્ડ્રોમ!
હા, આ એક જવલ્લે જ જોવા મળતી બીમારી છે ,જેનો દર્દી દારૂનો એક છાંટો લીધા વગર પણ તબીબી તપાસમાં ચિક્કાર પીધેલો સાબિત થાય છે! આ બીમારી ગટ ફર્મેન્ટેશન સિન્ડ્રોમ અને એન્ડોજેનેસ ઇથેનોલ ફર્મેન્ટેશન તરીકે પણ ઓળખાય છે.
આ વિચિત્ર રોગ બેક્ટેરિયા કે ફૂગને કારણે થાય છે. કાર્બોદિત ખોરાક આતરડામાં હોય ત્યારે આ બેક્ટેરિયા કે ફૂગ ખોરાકમાં આથો લાવવાનું કામ કરે છે જેને કારણે ઇથેનોલનો નશો પાચનતંત્રમાં પેદા થાય છે. જુદા જુદા છ પ્રકારના આથો અને બેક્ટેરિયા દર્દીના પેટમાં લાગ મળે ત્યારે પોતાનો ધંધો કરી લેતા હોય છે
. આ તત્વો લેક્ટિક એસિડ આથો કે મિશ્ર એસિડ આથાનો ઉપયોગ કરી ઇથેનોલ પેદા કરે છે અને આ ઇથેનોલ નાના આંતરડામાં શોષાઈ જાય છે અને તેને પરિણામે દર્દીને લોહીમાં આલ્કોહોલનું પ્રમાણ વધી જાય છે અને તે દારૂનો એક છાંટો પણ નહીં લેતો હોય તો પણ તબીબી દ્રષ્ટિએ ચિક્કાર પીધેલો પુરવાર થઈ શકે અને તે ‘પીધ્ધડ’જેવાં લક્ષણ બતાવી શકે.
તબીબી સંશોધકો કહે છે કે આ બીમારી આપોઆપ થતી હોવાનું લોકો માને છે પણ તેની પાછળ કેટલાક કારણો જવાબદાર છે એવું અમને જણાયું છે. તેમાં એન્ટિબાયોટિક દવાઓનો લાંબો સમય સુધી ઉપયોગ, અપૂરતું પોષણ અને/અથવા વધુ પડતો કાર્બોદિત ખોરાક, ડાયાબિટીસ અને જનીન તત્વોમાં ગણનાપાત્ર ફેરફાર વગેરે જેવાં કારણથી કલેજાની ઉત્સેચક પ્રવૃત્તિ ખોરવાય ત્યારે આ રોગ થાય.
તેમણે કહ્યું કે જઠરમાં રાસાયણિક પ્રક્રિયામાં ઉથલપાથલ થાય તો આંતરડામાં ઇથેનોલ વધે અને આથો ચડે .આ બધાં કારણો નહીં પણ કોઈ એક -બે કારણ પણ દર્દીને વગર પીધે નશો કરાવવા સક્ષમ છે. મૂત્રાશયમાં પણ આથો આવવાથી આ રોગ થઈ શકે.
આ રોગના દર્દી નશો નહીં કરતો હોય તો પણ તે બોલવામાં થોથવાય ,શરીરની સમતુલા જાળવી ન શકે,હાલતા- ચાલતા ડોલવા માંડે ,ચક્કર આવે ,ઓડકાર આવે -એવા બધા પીધેલાનાં લક્ષણ દેખાય તો ખાસ કરીને તેની સાથે રહેનાર અને રોગીની દારૂ નહીં પીવાની વૃત્તિને જાણતા લોકોએ સાવચેત થઈ સારવારનું વિચારવું જોઈએ.
ઘણી વાર દર્દીનો મિજાજ વારંવાર બદલાતો રહે
અને હાથ ધ્રૂજે એવા લક્ષણ પણ જણાય છે. અમેરિકામાં દારૂ પીને વાહન ચલાવવાના આરોપીઓ આ રોગના પોતે દર્દી હોવાનું પ્રમાણપત્ર સાથે રાખીને ફરતા હોય છે.
તબીબી સંશોધન કહે છે કે આ રોગ બહુ ઓછા પ્રમાણમાં લોકોને થાય છે અને તેથી ચણા- મમરાની જેમ તેનાં પ્રમાણપત્રો અપાતા હોય તો ઊંડી તપાસ થવી જોઈએ.
કોઈએ નશો કર્યો છે કે નહીં તે જાણવા માટે લોહી કે શ્વાસની તપાસ થાય છે લોહી અને શ્વાસના નમૂના ગરમ કરવામાં આવે તો વરાળ કે લોહીમાં રહેલા જુદા જુદા ઘટક તત્ત્વો છૂટા પડે છે અને આલ્કોહોલનું પ્રમાણ પણ જણાય છે.
આ રોગનો હુમલો કેટલીક વાર ઘરમાં પણ આવે છે.


દર્દી લોહી અને શ્વાસની તપાસ ઘરે પણ કરતો હોય છે .લોહીમાં આલ્કોહોલનું પ્રમાણ કેટલું માન્ય છે તેનું માપ જુદા જુદા દેશોમાં જુદું જુદું હોઈ શકે પણ લોહીમાં દારૂ અને શર્કરાનું પ્રમાણ સ્થાપિત કરવા દર્દીને ઉપવાસ પણ કરવો પડે.
તબીબો આ રોગની તપાસ, નિદાન અને સારવાર માટે અનેક પદ્ધતિ અપનાવી રહ્યા છે પણ આ રોગને કારણે ધાવણાં બાળકો ઓચિંતા મરી જતા હતા, ત્યારે મૃત્યુનું કારણ સમજવામાં ખૂબ તકલીફ પડતી હતી. ઑટો બ્રુઅરી સિન્ડ્રોમ થયો હોય તેવા દર્દીઓને પ્રથમ તો દારૂના નશાને નિયંત્રણમાં લાવવાની સારવાર અપાય છે. પછી તેમનાં આંતરડાંમાં આથો લાવનાર ફૂગ કે બેક્ટેરિયા જણાય તો તેનો નાશ કરવા માટે અને યોગ્ય બેક્ટેરિયા આંતરડામાં રહે તેવી પ્રોબાયોટિક્સ દવા આપી વધુ પ્રોટીન અને ઓછો કાર્બોદિત ખોરાક આપીને આ રોગના નિયંત્રણમાં લાવવાની કોશિશ થાય છે અને દવા તેમજ ખોરાકની સારવાર સંયુક્તપણે અપનાવાય છે.
દારૂનો છોછ નથી, ત્યાં પણ દારૂ પીધા વગર ચડતા નશાને કાબુમાં લેવાની કોશિશ થાય છે તો દારૂબંધી વાળા ગુજરાતમાં આ રોગચાળો ફાટી નીકળે તો?!
+++++++++++++++++++++++++++


+++++++++++++++++++++++++++


+++++++++++++++++++++++++++

Most Popular

To Top