Business

ગણેશોત્સવની મળી પરમિશન, સુરતીઓએ શરૂ કર્યું ઉજવણીનું મિશન

ગણેશ ઉત્સવની પરમિશન મળતાની સાથે જ સુરતીઓએ ફરી એક વખત સેવા કાર્યની શરૂઆત કરી દીધી છે. ગયા વર્ષે કોરોનાને કારણે ગણેશોત્વનો કાર્યક્રમ રદ્દ કરાયો હતો પણ આ વર્ષે સુરતીઓ તહેવારની ઉજવણીની સાથે સોશ્યલ એક્ટિવીટીમાં પણ ભાગ લઇ રહ્યાા છે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને આ વખતે ગણપતિમાં અનેક એક્ટિવીટીઓ યોજાશે, તો જાણો ઉત્સવ સાથે સુરતીઓના સોશ્યલ એક્ટીવીટીના અવનવા આઈડિયા વિશે..

  • કોવિડ 19 સેન્ટરની થીમ

છેલ્લાં બે વર્ષથી તો કોરોના સંક્રમણને લીધે ખમણ લોચાની દુકાને લાઇન લગાવતા સુરતીઓ કોવડ સેન્ટર પર લાઇનમાં ઊભા રહેતા નજરે ચડતા હતા, પરિસ્થિતિ જ એવી હતી કે સૌ કોઈ લાચાર હતા, એ મહામારીમાં પણ રાત દિવસ એક કરી પરિવારની ચિંતા કર્યા વિના સેવા આપતા ડોકટરોને ભગવાનના રૂપ જ માનવામાં આવતા હતા. ત્યારે આ વર્ષે વિધ્નહર્તા ગણેશજી કોવિડ 19 સેન્ટર પર ડોકટર તરીકે દર્દીઓની સેવા કરતાં નજરે ચડશે.

ગણેશજીના મેવા સાથે સુરતીઓ કરશે સામાજીક સેવા

  • લોકો પાસે દાનને બદલે વધારાની પસ્તી આપવા કહીશું : વિકી રાજપૂત

વિકી રાજપૂત જણાવે છે કે, આ વર્ષે અમે એવું વિચારી રહ્યાં છીએ કે, ‘’અમે દર્શનાર્થે આવતા લોકો પાસે દાનને બદલે ઘરે ભેગી થયેલી વધારાની પસ્તી આપવા કહીશું અને આ 10 દિવસ જેટલી પણ પસ્તી ભેગી થાય તેને અમે વિસર્જન બાદ એ પસ્તીમાંથી ભેગા થયેલા પૈસાને ગરીબ બાળકોના એજ્યુકેશનમાં આપવાનું વિચારી રહ્યાં છીએ, જેથી આવા ગરીબ બાળકો પણ એજ્યુકેશન થકી આગળ આવી શકે.’

  • ભક્તોને પ્રસાદમાં અમે વૃક્ષો આપવાના છીએ : મયુર પ્રજાપતિ

મયુર પ્રજાપતિ જણાવે છે કે, ‘’અમારા મંડળ શ્રી સુખાનંદ વ્યાયામ શાળા દ્વારા આ વર્ષે અમે વિચાર્યું છે કે જેટલા પણ ભક્તો દર્શને આવશે તેમને અમે પ્રસાદમાં વૃક્ષો આપવાના છીએ, જેથી કરી લોકો પ્રસાદને માન આપીને જે તે વુક્ષ કે છોડને પ્રસાદ તરીકે આપીએ તેની જાળવણી ચોક્કસ કરશે અને પર્યાવરણ બચાવવામાં મદદરૂપ થઈ શકશે. બીજું અમે એ પણ કરવાના છીએ કે જે ભક્તોએ વેક્સિન મુકાવેલી હશે તેમને અમે ડાયરેકટ દર્શનનો લાભ આપીશું,  એટલે કે તેમને લાઇનમાં ઊભા રહેવું નહીં પડે. જેનાથી લોકોમાં જાગૃતિ પણ આવશે અને જે લોકોએ વેક્સિન નહીં મુકાવી હોય તેમને અમે નજીકના હેલ્થસેન્ટર પર વેક્સિનનું અરેંજમેન્ટ પણ કરાવી આપીશું અને ખાસ આ વર્ષે અમે ચરણ સ્પર્શ કરી વિસર્જન કરવાના છીએ. એટલે કે પહેલેથી અમે ગણપતિની પાદુકામાં એવું સેન્સર મુકાવ્યું છે કે એને સ્પર્શ કરીએ એટલે ઉપરથી ઓટોમેટિક પાણી આવે અને જાતે જ વિસર્જન થઈ જાય. આ ઉપરાંત અમારા ગ્રૂપમાં 400 થી 500 સભ્યો છે તો અમે બધા બ્લડ ડોનેટ કરવાના છીએ.’

  • સુરતીઓનું યુનિક થીમ તરફ આકર્ષણ સૌથી વધારે હોય : નિરવ ઓઝા, મૂર્તિકાર

નિરવ ઓઝા ઇલેક્ટ્રીક એન્જીનિયર છે. તેઓ કોલેજ ટાઈમમાં સોસાયટીમાં ગણેશ મંડપમાં ડેકોરેશન કરતાં હતા ત્યારે તેમને વિચાર આવ્યો તેમનું ડ્રોઈંગ અને ક્રિએટિવિટી પણ સારી છે. આથી એક પ્રયોગ ખાતર 25 શણગારેલી ગણેશ પ્રતિમા લઈ વેચાણ માટે બેસી ગયા અને 2 જ દિવસમાં બધી મુર્તિ વેચાઈ ગઈ. આથી તેમનો આત્મવિશ્વાસ વધુ મજબૂત બન્યો અને શરૂ કર્યો આ ક્ષેત્રે પોતાનો વ્યવસાય. તેઓ જણાવે છે કે, ‘’ હું છેલ્લાં 14 વર્ષથી ગણપતિની મૂર્તિઓ તૈયાર કરું છું અને મારા ક્રિએટિવ આઇડિયાઝથી અલગ અલગ મુર્તિઓ બનાવું છું, જેને હું 4 થી 5 મહિના અગાઉથી જ મારા આઇડિયા મુજબ નવી નવી મૂર્તિઓ તૈયાર કરું છું. કેમ કે લોકોને નવું નવું જ લેવાનું ગમે અને આવી યુનિક થીમ તરફ આકર્ષણ સૌથી વધારે હોય છે. આથી હું સોશ્યલ મેસેજ આપે એવી પ્રતિમા વધારે તૈયાર કરું છું. આ વર્ષે ટાઉટે થીમ ગણેશ, કોવિડ 19 સેન્ટર જેવી થીમ તૈયાર કરી છે.’

  • 12 દિવસ મંડપ સાથે કોવિડ19 વેક્સિનેશન સેન્ટરનું પણ આયોજન કરીશું : જિગ્નેશ દૂધાણે

જિગ્નેશ દૂધાણે જણાવે છે કે, ‘’સાર્વજનિક મોટા મંદિર યુવક મંડળ દ્વારા આમ તો અમે દર વર્ષે અલગ અલગ સોશ્યલ એક્ટિવિટી કરીએ છીએ. ધર્માંગ દલાલ અને અમારા ગ્રુપ દ્વારા અમે આ વર્ષે કોરોનાને ધ્યાને લઈને ખાસ 12 દિવસ ગણેશ મંડપ સાથે કોવિડ 19 વેક્સિનેશન સેન્ટરનું પણ આયોજન કરવાના છીએ. જેથી કરીને દર્શનાર્થે આવતા લોકોને વેક્સિનેશન માટે જાગૃત કરીને ત્યાં જ વેક્સિન આપી શકાય એવી વ્યવસ્થા કરીશું. આ ઉપરાંત રક્તદાન શિબિર અને મેડિકલ કેમ્પનું પણ આયોજન કરીશું અને જો શકય હશે તો RTPCR ટેસ્ટ એ સમય કોરોનાની સ્થિતિને ધ્યાને લઈ સમય અને સંજોગોને આધીન ગોઠવીશું.’’

  • લોકડાઉનમાં થતી ટેરેસ પાર્ટી

કોરોનાનું સંક્રમણ અટકાવવા લોકડાઉનની સ્થિતિ પણ સુરતીઓ ભોગવી ચૂક્યા છે. 24 ક્લાક ધમધમતા રસ્તાઓ સૂમસામ પણ બન્યા હતા, ત્યારે આ વર્ષે સુરતના એક મુર્તિકારે ખાસ લોકડાઉનમાં સુરતીઓ દ્વારા થતી હોમ પાર્ટી અને ટેરેસ પાર્ટીની થીમ પર ગણેશજી તૈયાર કર્યા છે. જેમાં દર્શાવવામાં આવ્યું છે કે સુરતના મોટા મોલ, ટેક્સટાઈલ માર્કેટ, હીરા બજાર, કોફી શોપ, સ્કૂલ બધુ જ બંધ છે. પોલીસ જનતા પાસે કર્ફયુનું પાલન કરાવવા પર છે. રસ્તા પર એમ્યુલન્સ દોડી રહી છે અને લોકો પોતાની ફેમિલી સામે ઘરમાં બેઠા હોય છે. કોઈ આફતને અવસરમાં બદલી ફેમિલી ટાઈમને વધારે ગોલ્ડન બનાવવા પાર્ટી પણ કરતાં હોય છે.

  • TOUTE CYCLONE થીમ ગણેશજી

કોરોના મહામારી ઓછી હતી એમાં ગુજરાતે વધુ એક મુસીબતનો સામનો કરવો પડયો. અને આ તાઉટે સાયકલોને દક્ષિણ ગુજરાતને ધમરોળી નાખ્યું અને લાખો રૂપિયાનું નુકશાન વેઠવાનો વારો આવ્યો. ત્યારે આ વખતે જે પરિસ્થિતિનો ગુજરાતે સામનો કર્યો તે જ થીમ પર ગણેશજી પણ જોવા મળશે.

  • મહારાષ્ટ્રમાં આભ ફાટયું તેના માટે ફંડ તેમજ અનાજ ભેગું કરવાના છીએ : હર્ષ મહેતા

હર્ષ મહેતા જણાવે છે કે, ‘’અમારા ગાર્ડન ગ્રુપ દ્વારા અમે ખાસ આ વર્ષે ગણેશોત્સવમાં મહારાષ્ટ્રમાં આભ ફાટયું અને જે જાનહાનિ કે માલહાની થઈ તેના માટે ફંડ તેમજ અનાજ ભેગું કરવાના છીએ, અને જે પણ ભંડોળ એકઠું થાય તેને અમે મહારાષ્ટ્રમાં જઈ જરૂરિયાતમંદને અનાજ અને જરૂરી વસ્તુઓ પહોચાડીશું. આ ઉપરાંત બ્લડ ડોનેશન કેમ્પ થકી સુરતના વિવિધ મંડળોને જોડીને 500 યુનિટ બ્લડ એકઠું કરવાનો અમારો ટાર્ગેટ છે કેમ કે કોરોના મહામારીમાં બ્લડની ખૂબ જ અછત સર્જાઈ છે.  લોકોમાં હેલ્થ અવેરનેસ આવે જેના માટે પણ અમે એક દિવસ માટે રોડ પર હાથમાં બેનર લઈને પ્રોગ્રામ ગોઠવીશું.’’

Most Popular

To Top