Madhya Gujarat

આણંદના 10 હજાર પરિવારે છ મહિનાથી સરકારી અનાજ લીધું જ નથી

આણંદ : આણંદ જિલ્લા પુરવઠા વિભાગે છેલ્લા છ મહિના અને 12 મહિના સુધી સરકારી અનાજનો જથ્થો ઉપાડ્યો ન હોય તેવા દસ હજાર જેટલા એનએફએસએ રેશનકાર્ડ બ્લોક કર્યાં છે. આ પરિવારોને હવે અનાજ લેવા માટે કેવાયસીની પ્રકિયા પૂર્ણ કરવી પડશે. જેના માટે મામલતદાર કચેરી અથવા ઝોનલ કચેરીનો સંપર્ક કરવાનો રહેશે. રાજ્ય સરકાર દ્વારા 1લી એપ્રિલ,2016થી રાષ્ટ્રી અન્ન સલામતી કાયદા હેઠળ એનએફએસએ રેશનકાર્ડ ધારકોને સરકારી અનાજનો જથ્થો પુરો પાડવામાં આવી રહ્યો છે.

જોકે, વર્ષ 2020-21 તથા વર્ષ 2021-22માં કોરોનાની વિષમ પરિસ્થિતિમાં છેલ્લા છ અને 12 મહિના દરમિયાન જે કાર્ડધારકોએ રાહત દરના રેશન તથા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળના વિના મૂલ્યેના રેશનનો લાભ લીધો નથી. તેવા રેશનકાર્ડ ધારકોની ખરાઇ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આથી, એનએફએસએ રેશનકાર્ડ ધારકોએ 6 માસ કે 12 માસ કે તેથી વધુ સમયથી પોતાને મળવાપાત્ર રેશનીંગ જથ્થો કોઇ પણ વિકલ્પ દ્વારા ઉપાડતા નથી તેવા રેશનકાર્ડ ધારકોને ઓનલાઇન પીડીએસ સીસ્ટમમાં સાઇલન્ટ રેશન કાર્ડ તરીકે જાહેર કરવામાં આવ્યાં છે.

આવા રેશનકાર્ડ ધારકોને હાલ પુરતા એનઆઈસી દ્વારા પીડીએસમાંથી બ્લોક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આણંદ જિલ્લામાં છ માસથી વધુ સમયથી રેશન ન લેનારા 8583 રેશનકાર્ડ ધારકો છે અને 12 મહિનાથી વધુ સમયથી વધુ સમયથી રેશન ન લેનારા 1816 પરિવાર છે. આ તમામની ખરાઇ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ બ્લોક રેશનકાર્ડ ધારકો 31મી ઓગષ્ટ પહેલા કેવાયસી અપડેટ નહીં કરાવે તો 1લી સપ્ટેમ્બરથી તમામ કાર્ડ રદ કરી તેને ઓન એનએફએસએ જાહેર કરવામાં આવશે.

  • કયા તાલુકામાં કેટલા રેશનકાર્ડ બ્લોક ?
  • તાલુકો    6 માસથી 12માસથી
  • સાયલેન્ટ સાયલેન્ટ
  • આણંદ-શહેર 171    32
  • આણંદ-ગ્રામ્ય 1910   211
  • ઉમરેઠ    645       159
  • બોરસદ  2274      746
  • આંકલાવ 574       102
  • પેટલાદ   922       199
  • સોજિત્રા  257       48
  • ખંભાત    1001      104
  • તારાપુર   829       215
  • કુલ         8583       1816
  • રેશનકાર્ડ એક્ટીવ કરાવવા શું કરવું પડશે ?

જિલ્લામાં બ્લોક થયેલા એનએફએસએ રેશનકાર્ડના તમામ સભ્યોના આધારકાર્ડ નંબરની વિગતો સાથે મામલતદાર કચેરી, ઝોનલ કચેરીનો તાત્કાલિક સંપર્ક કરી ઈ-કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. રેશનકાર્ડ ધારક દ્વારા સંબંધિત મામલતદાર કચેરીમાં અરજી કર્યેથી કાર્ડધારકની પાત્રતાની ચકાસણી કરી, રેશનકાર્ડમાં સમાવિષ્ટ તમામ સભ્યોના નામ, હયાતી, આધારકાર્ડ નંબર, બેંક ખાતા નંબર, મોબાઇલ નંબર જેવા જરૂરી આધાર, પુરાવા મેળવી રેશનકાર્ડને પુનઃ એક્ટિવ કરવા માટે સંબંધિત મામલતદાર દ્વારા જિલ્લા પુરવઠા અધિકારીને ઓનલાઇન ભલામણ કરવાની રહેશે. જિલ્લા પુરવઠા અધિકારીની મંજુરી મળ્યા બાદ તે રેશનકાર્ડધારકને તે માસ દરમિયાન મળવાપાત્ર જથ્થાનું વિતરણ થશે.

Most Popular

To Top