National

“હું લડતી નથી, પરંતુ જો મારા પર હુમલો થાય તો…”, કંગના રનૌતે આપી ચેતવણી

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election 2024) માટે ભારતીય જનતા પાર્ટીએ (Bharatiya Janata Party) હિમાચલ પ્રદેશની મંડી લોકસભા સીટ પરથી અભિનેત્રી કંગના રનૌતને (Kangana Ranaut) ટિકિટ આપી છે. ત્યારે કંગનાએ ગઇકાલે મંગળવારે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. કંગનાએ નોમિનેશન પછી એક ઈન્ટરવ્યુ પણ આપ્યું હતું.

ઇન્ટરવ્યુ દરમિયાન કંગનાએ કહ્યું કે મંડી લોકસભા સીટ પરથી તેણીની જીત તેણીના જીવનનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે. ઈન્ટરવ્યુમાં કંગનાએ મંડી સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર વિક્રમાદિત્ય સિંહ પર પણ તીખી ટિપ્પણી કરી હતી. કંગનાએ વિક્રમાદિત્યને ઈશારા દ્વારા ચેતવણી પણ આપી હતી.

અસલમાં કંગના રનૌત મંડી સીટ પરથી તેણીના વિરોધી વિક્રમાદિત્ય સિંહના નિવેદનોનો ઉલ્લેખ કરી રહી હતી. આ સરમિયાન વિક્રમાદિત્ય પર નિશાન સાધતા કંગનાએ કહ્યું કે તેમણે બોટના મુદ્દાઓ સામે લડવું જોઈએ. પરંતુ જો તેઓ અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરે તો તેમણે તે જ પ્રકારની ભાષા સાંભળવા માટે તૈયાર રહેવું જોઈએ. કંગનાએ કહ્યું મારો ભૂતકાળનો રેકોર્ડ જુઓ, હું કોઈને પણ પડકાર આપી શકું છું.

હું લડતી નથી, પણ…
કંગના રનૌતે વિક્રમાદિત્ય સિંહને ઈશારામાં ચેતવણી આપતા કહ્યું હતું કે ‘હું ઝઘડામાં નથી પડતી, પરંતુ જો મારા પર હુમલો થશે તો હું એ લોકોમાંથી નથી જે આવા હુલાઓને ચૂપચાપ સહન કરશે. જો તમે મને એક વાર મારશો તો ઘણી વાર મારાથી માર ખાવા પણ તૈયાર રહો.’ જ્યારથી કંગનાને મંડી લોકસભા સીટથી ઉમેદવાર બનાવવામાં આવી છે, ત્યારથી જ તેમની અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે શબ્દ યુદ્ધ શરૂ થઇ ગયું હતું.

કંગના પાસે છે આટલી સંપત્તિ:
ઉમેદવારી પત્રો સાથે દાખલ કરેલ સોગંદનામામાં કંગનાએ માહિતી આપી હતી કે તેણીની પાસે કુલ 91 કરોડ 50 લાખ રૂપિયાની જંગમ અને અચલ સંપત્તિ છે. તેણીની પાસે રૂ. 28.73 કરોડની કુલ જંગમ મિલકતો અને રૂ. 62.92 કરોડની સ્થાવર મિલકતો છે.

કંગનાએ LICની 50 પોલિસી લીધી છે. કંગનાએ 4 જૂન 2008ના રોજ 10 લાખ રૂપિયાની આ પોલિસી લીધી હતી. જેમાં 10 લાખ રૂપિયાની 49 પોલિસી અને 5 લાખ રૂપિયાની એક પોલિસીનો સમાવેશ થાય છે. આ સાથે જ કંગનાએ 1.20 કરોડનું મૂડી રોકાણ પણ કર્યું છે.

કંગના પાસે કરોડો રૂપિયાના હીરા અને સોનું છે
કંગનાએ તેના ચૂંટણી એફિડેવિટમાં જણાવ્યું છે કે તેણી પાસે સોના-ચાંદીના દાગીના પણ છે. હાલમાં તેણી પાસે 6 કિલોથી વધુ સોનું છે. આ સોનાની કિંમત 5 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. કંગના પાસે 3 કરોડ રૂપિયાના હીરા પણ છે. આ સિવાય તેની પાસે 50 લાખ રૂપિયાની 60 કિલો ચાંદી પણ છે.

કંગનાને મોંઘી કારનો પણ શોખ છે. હાલમાં તેણી પાસે બે મર્સિડીઝ કાર છે. તેણી પાસે રૂ. 58 લાખની મર્સિડીઝ બેન્ઝ અને રૂ. 3.91 કરોડની મર્સિડીઝ મેબેચ છે. આ સિવાય તેણી પાસે 98 લાખ રૂપિયાની BMW કાર અને 53 હજાર રૂપિયાની વેસ્પા સ્કૂટર પણ છે. એટલું જ નહીં કંગનાએ પોતાના સંબંધીઓને કરોડો રૂપિયાની લોન પણ આપી છે.

હિમાચલમાં ચૂંટણી ક્યારે?
હિમાચલ પ્રદેશમાં લોકસભાની કુલ 4 બેઠકો છે. લોકસભા ચૂંટણીના 7મા અને છેલ્લા તબક્કામાં 1 જૂને આ તમામ બેઠકો પર એક સાથે મતદાન થશે. આ પછી દેશની તમામ બેઠકો સાથે આ બેઠકોના પરિણામ 4 જૂને જાહેર કરવામાં આવશે. કોંગ્રેસે મંડી સીટ પરથી કંગના સામે વિક્રમાદિત્ય સિંહને પોતાના ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે.

Most Popular

To Top