Madhya Gujarat

કઠલાલના બદરપુર ગામમાં ગેરકાયદેસર રીતે બાયો ડિઝલ બનાવતી ફેક્ટરી ઝડપાઈ

નડિયાદ: કઠલાલ તાલુકાના બદરપુર ગામની સીમમાં આવેલ એક ફેક્ટરીમાં ગેરકાયદેસર રીતે જ્વલનશીલ પ્રવાહીનું ઉત્પાદન તેમજ વેચાણ કરવામાં આવતું હોવાની શંકાને આધારે સ્થાનિક પોલીસે એફ.એસ.એલ, પુરવઠા વિભાગ, જીપીસીબીની ટીમને સાથે રાખી દરોડો પાડ્યો હતો. ફેક્ટરીની તલાશી લેતાં તેમાંથી રૂ.૨,૭૫,૦૦૦ કિંમતનું ૫૫૦૦ લિટર જ્વલનશી પ્રવાહી મળી આવ્યું હતું. પોલીસે જ્વલનશીલ પ્રવાહી, તેના સંગ્રહ માટેના બે ટાંકા, રો-મટીરીયલ્સ મળી કુલ રૂ.૬,૦૮,૦૦૦ નો મુદ્દામાલ સીઝ કરી ફેક્ટરીના બે માલિક તેમજ મેનેજર વિરૂધ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

કઠલાલ તાલુકાના બદરપુર ગામની સીમમાં સર્વે નં ૩૮૭ નંબરવાળી જમીનમાં ઉભી કરાયેલી એક ફેક્ટરીમાં કોઈ શંકાસ્પદ ઓઈલ ફ્યુલ બનાવવામાં આવતું હોવાના શકને આધારે કઠલાલ પોલીસની ટીમે મંગળવારના રોજ રાત્રીના સમયે દરોડો પાડ્યો હતો. તે વખતે ફેક્ટરીમાં કામકાજ બંધ હતું અને એકમાત્ર નાઈટ વોચમેન જ હાજર હતો.

જેથી પોલીસે ફેક્ટરીના વોચમેન પાસેથી પ્રાથમિક માહિતી મેળવ્યાં બાદ અમદાવાદ રહેતાં ફેક્ટરીના માલિકને બોલાવ્યાં હતાં. એકાદ કલાક બાદ ફેક્ટરીના માલિક જતીનભાઈ અરવિંદભાઈ બ્રહ્મભટ્ટ (રહે.ખોડીયારનગર, થલતેજ, અમદાવાદ) અને ફેક્ટરીના મેનેજર પ્રતિક વિનોદભાઈ મોદી (રહે.નરોડા, અમદાવાદ) આવ્યાં હતાં. પોલીસે આ બંનેને સાથે રાખી ફેક્ટરીની તલાશી લેતાં તેમાં હજારો લિટર શંકાસ્પદ પ્રવાહી ભરેલાં બે મોટા ટાંકા, અંડરગ્રાઉન્ડ ટાંકી, જ્વલનશીલ પદાર્થ બનાવવા માટે ઉપયોગી રો-મટીરીયલ્સ તેમજ વિવિધ મશીનો નજરે પડ્યાં હતાં. રાત્રીનો સમય હોવાથી પોલીસે જે તે વખતે ફેક્ટરી સીલ મારી દીધા બાદ આગળની કાર્યવાહી બીજા દિવસે સવારે કરવાનું નક્કી કર્યુ હતું.

જે મુજબ બીજા દિવસે એટલે કે બુધવારના રોજ સવારના સમયે નાયબ મામલતદાર, એફ.એસ.એલ ટીમ, પુરવઠા વિભાગની ટીમ, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (જીપીસીબી) ની ટીમને સાથે રાખી કઠલાલ પોલીસની ટીમ ફેક્ટરીએ પહોંચી હતી. જ્યાં ફેક્ટરીના માલિક હાર્દિકભાઈ રામચંદ્રભાઈ બ્રહ્મભટ્ટ (રહે.વાડજ, અમદાવાદ), જતીનભાઈ બ્રહ્મભટ્ટ અને મેનેજર પ્રતિક મોદીને સાથે રાખી ફેક્ટરીમાં મુકવામાં આવેલ બે મોટા ટાંકા ખોલાવી તલાશી લેવામાં આવી હતી. જેમાં એક ટાંકામાં કાળા કલરનું અંદાજે ૧૫૦૦ લિટર જ્વલનશીલ પ્રવાહી તેમજ બીજા ટાંકામાં લાઈટ બ્રાઉન કલરનું અંદાજે ૪૦૦૦ લિટર જ્વલનશીલ પ્રવાહી મળી આવ્યું હતું.

જે બાદ પ્લાન્ટની બાજુમાં આવેલ ગોડાઉનની તલાશી લેતા તેમાંથી જ્વલનશીલ પદાર્થ બનાવવા માટે ઉપયોગમાં લેવાતાં રો-મટીરીયલ્સની ૫૪ થેલીઓ મળી આવી હતી. ફેક્ટરીના માલિક પાસે જ્વલનશીલ પ્રવાહી બનાવી તેનું વેચાણ કરવા માટેની સક્ષમ અધિકારીની પરવાનગી કે મંજુરી પણ ન હતી. જેથી પોલીસે ફેક્ટરીમાં સ્ટોર કરવામાં આવેલ રૂ.૭૫,૦૦૦ કિંમતનું ૧૫૦૦ લિટર કાળા કલરનું જ્વલનશીલ પ્રવાહી, ૪૦૦૦ લિટર બ્રાઉન કલરનું જ્વલનશીલ પ્રવાહી કિંમત રૂ.૨,૦૦,૦૦૦, બે મોટા ટાંકા કિંમત રૂ.૩,૦૦,૦૦૦, રો-મટીરીયલ્સ કિંમત રૂ.૩૩,૦૦૦ મળી કુલ રૂ.૬,૦૮,૦૦૦ નો મુદ્દામાલ સીઝ કર્યો હતો.

આસપાસના વિસ્તારના લોકોની શારીરીક સલામતી જોખમાય તે રીતનું હવાનું પ્રદુષણ ફેલાવી ગેરકાયદેસર રીતે એક જ્વલનશીલ પ્રવાહીમાંથી બીજુ જ્વલનશીલ પ્રવાહી બનાવી તેનો વેપાર કરનાર ફેક્ટરીના માલિક હાર્દિકભાઈ રામચંદ્રભાઈ બ્રહ્મભટ્ટ, જતીનભાઈ અરવિંદભાઈ બ્રહ્મભટ્ટ અને ફેક્ટરીના મેનેજર પ્રતિક વિનોદભાઈ મોદી વિરૂધ્ધ કઠલાલ પોલીસે આઈપીસી કલમ ૨૭૮, ૨૮૫, ૩૩૬, ૧૧૪, આવશ્યક ચીજવસ્ત ધારાની કલમ ૩, ૭, ૧૧ તેમજ પેટ્રોલીયમ અધિનિયમ ૨૩(૧)(એ) મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top