Charotar

આજે ખંભાત ખરીદ વેચાણ સંઘની ચૂંટણીનું મતદાન,વિરોધ વંટોળના ઉચાટ વચ્ચે ભાજપ દ્વારા ડેમેજ કંટ્રોલ

ખંભાતમાં કમઠાણ : ભાજપનો જુથવાદ ચરમસીમા પર

આગામી લોકસભાની અને સંભવત ખંભાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે જ જૂથવાદ વકરતાં અસંમજસ જેવી સ્થિતિ


ખંભાત તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણી માટે 14મી માર્ચે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. ખરીદ વેચાણ સંઘની ચૂંટણી વ્યક્તિ વિભાગ અને મંડળી વિભાગમાં યોજાવા જઈ રહી છે ત્યારે વ્યક્તિ વિભાગની ચૂંટણીમાં ખંભાતના પૂર્વ ધારાસભ્ય મયુરભાઈ રાવલ બિનહરીફ ચૂંટાયા છે.જો કે ત્યારબાદ ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા અપાયેલા મેન્ડેડ બાબતે અનાદરનો મામલો સામે આવ્યો હતો. જેમાં તાલુકા ભાજપા સંગઠનની જૂથબંધી પણ બહાર આવી હતી.ભાજપા દ્વારા 15 ઉમેદવારોના મેન્ડેડ જાહેર કરતા એક નવી વિકાસ પેનલ ઊભી કરી ચૂંટણી લડી લેવાની યાદી સહિત જાહેરાતો પણ જાહેર કરવામાં આવી હતી.જેને લઇ રાજકારણ ગરમાયું હતું.નોંધનીય છે કે, હવે વિકાસ પેનલ ઉભી કરનાર અને અન્ય અસંતોષી ઉમેદવારો, ટેકેદારો, સમર્થકો પાણીમાં બેસી ગયા છે. ચૂંટણી પૂર્વે પ્રદેશ અધ્યક્ષ ભાજપાના મેન્ડેડની વિષયે જૂથબંધીઓ જાહેર થતાં જ ભાજપા દ્વારા ડેમેજ કંટ્રોલ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં જિલ્લા પ્રમુખ રાજેશભાઈ પટેલ, સાંસદ મિતેષભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય સંજયભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલ સહિત ઉમેદવારો વચ્ચે સંકલન બેઠક મળી હતી.જેમાં સમાધાન બાદ સી.આર. પાટીલે આપેલ મેન્ડેડ યાદી અનુસાર ઉમેદવારો ચૂંટણી લડશે તેવો નિર્ણય લેવાયો છે. ઉપરાંત સોશિયલ મીડિયાના માધ્યમથી મતદારોને રીઝવવા પ્રચાર કરવામાં આવી રહ્યું છે.

મળતી માહિતીનુસાર, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા અજીતસિંહ હરિસિંહ વણાર, અશોકભાઈ રમણલાલ વ્યાસ, ઈશ્વરભાઈ રણછોડભાઈ પટેલ, કલ્પેશ કમલકિશોર પંડિત, કિશોરભાઈ નટવરલાલ રાણા ઘનશ્યામસિંહ વજેસંગ પરમાર, ચિરાગભાઈ સોમાભાઈ પટેલ, જગદીશભાઈ રાવજીભાઈ પટેલ, જશવંતસિંહ કહળસંગ પરમાર, જીલુભા પરબતસિંહ સિંધા, મનહરભાઈ છોટાભાઈ પટેલ, મુકેશભાઈ પરસોતમભાઈ પટેલ, વિષ્ણુભાઈ ભીખાભાઈ રબારી, સરદારસિંહ ભગવતસિંહ ચૌહાણ,હરકિશનભાઈ જેઠાલાલ પટેલ મેન્ડેડ આપવામાં આવ્યા હતા. જો કે અજીતસિંહ સિંધા, રમણલાલ ઠકકર, વિપુલભાઈ પટેલ, હર્ષદસિંહ સિંધા, નરેન્દ્રભાઇ ઠાકોર આ 5 ઉમેદવારોને મેન્ડેડ આપવામાં આવ્યા ન હતા.નોંધનીય છે કે, પાર્ટી દ્વારા મેન્ડેડ આપેલ ઈશ્વરભાઈ પટેલ, ઘનશ્યામભાઈ પરમાર, જીલુભા સિંધા, કિશોરભાઈ રાણા, જગદીશભાઈ પટેલ નામોનો અનાદર કરી મેન્ડેડ વગરના 5 અને મેન્ડેડ વાળા 10 ઉમેદવારોની વિકાસ પેનલ બનાવી હતી.જેથી રાજકારણ ગરમાયું હતું.
ચુંટણી દરમિયાન મતદાન મામલે હજુ પણ ઉકળતા ચરુ જેવી સ્થિતિની સંભાવના ખભાત તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં ઉમેદવારી મામલે ખૂબ જ ચિંતાજનક સ્થિતિ સર્જાઈ હતી . જોકે મોડે મોડે ચૂંટણી પૂર્વ ભાજપ દ્વારા ડેમેજ કંટ્રોલ કરી દેવામાં આવ્યું છે. પરંતુ મતદાન હજુ બાકી છે ત્યારે આ મામલે હજુ ઉકળતા ચરુ સમાન પરિસ્થિતિ જોવા મળે તો નવાઈ નહીં. 14મી માર્ચે સવારે 9 કલાકથી બપોરના 3 કલાક સુધી પાવરહાઉસ રોડ પર આવેલ ખરીદ વેચાણ સંઘના કાર્યાલય ખાતે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.મંડળી વિભાગની 15 બેઠકો માટે ચૂંટણી યોજાશે.

Most Popular

To Top