
વડોદરા મહાનગરપાલિકા દ્વારા અગ્નિશમન અને તાત્કાલિક સેવા વિભાગમાં નવી સીધી ભરતી કરવામાં આવી છે. જેમાં કુલ 92 ઉમેદવારોને સૈનિક ફાયરમેન અને સબ ફાયર ઓફિસર તરીકે પસંદગી મળી છે. આ તમામ ઉમેદવારોને બુધવારે, પાલિકાની વડી કચેરી ખાતે આવેલા કોન્ફરન્સ હોલમાં, મેયર પિન્કીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ ડૉ. શીતલ મિસ્ત્રી અને મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ ભરતીથી વડોદરાની ફાયર બ્રિગેડ અને તાત્કાલિક સેવા વિભાગ વધુ મજબૂત બનશે. નગરજનોને તાત્કાલિક અને ઝડપી સેવાનો લાભ મળશે. મેયર પિન્કીબેન સોનીએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે “વડોદરા મહાનગરપાલિકા શહેરના નાગરિકોની સુરક્ષા માટે હંમેશા પ્રતિબદ્ધ છે. નવી ભરતી દ્વારા ફાયર બ્રિગેડની કામગીરી વધુ અસરકારક બની રહેશે.”
મહાનગરપાલિકા દ્વારા પસંદગી પામેલા તમામ 92 ઉમેદવારોને વિશેષ તાલીમ આપવામાં આવશે જેથી તેઓ આપત્તિની ક્ષણે ઝડપભેર અને વ્યાવસાયિક રીતે કામગીરી બજાવી શકે. ફાયર વિભાગ શહેરમાં અનેક સજ્જતાઓ સાથે જાણમાલની સુરક્ષા માટે મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. આ કાર્યક્રમમાં મ્યુનિસિપલ કમિશનર, ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ, અને સૈનિક ફાયરમેન તથા સબ ફાયર ઓફિસર પદે પસંદગી પામેલા ઉમેદવારોએ હાજરી આપી હતી.
