શાંતિપૂર્ણ માહોલમાં ભગવાન જગન્નાથજીની શોભાયાત્રા સંપન્ન થાય તેવા પ્રયાસ
પ્રતિનિધિ વડોદરા તા.20
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં ઇસ્કોન મંદિરેથી અષાઢી બીજના દિવસે નીકળનારી ભગવાન જગન્નાથજીની ભવ્ય શોભાયાત્રાના રૂટ પર નાયબ પોલીસ કમિશનર, ડીસીપી તથા એસીપી કક્ષાના અધિકારીઓની હાજરીમાં નિરીક્ષણ કરાયું હતું. ઉપરાંત પાલિકા તેમજ વીજ કંપનીની ટીમ પણ હાજર રહી હતી. પોલીસ તંત્ર દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા સંપન્ન થાય તેવા પ્રયાસ કરવામા આવી રહ્યા છે.
વડોદરા શહેરના અષાઢી બીજના પવિત્ર દિવસે ગોત્રી વિસ્તારમાં આવેલા ઇસ્કોન મંદિરેથી ભગવાન જગન્નાથજીની ધામધૂમથી રથયાત્રા કાઢવામાં આવનારી છે. પરંપરાગત રીતે નીકળનારી આ રથયાત્રામાં મોટી સંખ્યામાં મહેરામણ ઉમટતુ હોય છે. આસ્થાભેર થનારી ઉજવણી દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ના બને તેના માટે પોલીસ વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પૂરજોશમાં કરવામાં આવી રહી છે. ત્યારે રથાયાત્રાના રૂટ પર કોઇ ક્ષતિ ન સર્જાય તેના માટે નાયબ પોલીસ કમિશનર ડો. લીના પાટીલ, ડીસીપી, એસીપી તથા પીઆઇ તથા ટ્રાફિકના સહિતના અધિકારીઓના હાજરીમાં સમગ્ર રુટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જે રૂટ પરથી રથયાત્રા પસાર થવાની છે તે રૂટ પર આવતા પોલીસ સ્ટેશનના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. ઉપરાંત પાલિકાના અધિકારીઓ, વીજ કંપની તથા મંદિરના અનુયાયીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. તંત્ર દ્વારા રથયાત્રા નીકળવાથી લઇને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
