નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ
વડોદરા: વડોદરા શહેરમાં આજે બપોરથી ધોધમાર વરસાદ શરૂ થતાં દોઢ ઇંચ જેટલા વરસાદમાં જ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ છે.
ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદના પાણી ભરાઈ જતા નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ચાર દરવાજા, રાવપુરા, માંડવી અને ન્યાય મંદિર જેવા વિસ્તારોમાં ભારે પાણી ભરાવવાના દ્રશ્યો જોવા મળ્યો હતો. રાવપુરાની દુકાનોમાં પાણી પ્રવેશ્યા હતા જ્યારે રાબેતા મુજબ અલકાપુરી ગરનાળું બંધ કરી દેવાયું હતું. હરણી વિસ્તારમાં સિગ્નસ સ્કૂલ પાસે પાણી ભરાયા હતાં.
શહેરમાં અનેક જગ્યાએ વાહનચાલકો રસ્તામાં અટવાઈ ગયા હતા અને ટ્રાફિકજામની પરિસ્થિતિ સર્જાઈ હતી. દર વર્ષે વરસાદી મોસમ પહેલાં વચન આપતી પાલિકા આ વર્ષે પણ બેદરકાર દેખાઈ હતી.
પાલિકા દ્વારા દર વર્ષે પ્રી-મોન્સૂન કામગીરીના દાવા કરવામાં આવે છે છતાં, પાણી ભરાવાની સ્થિતિએ એ દાવાઓની વાસ્તવિકતા સામે સવાલ ઉભા થાય છે. વિશેષરૂપે ચિંતાજનક બાબત એ છે કે, જે જગ્યાઓ દર વર્ષે પાણી ભરાવાના હોટસ્પોટ તરીકે ઓળખાય છે, ત્યાં આ વર્ષે પણ ફરી પાણી ભરાઈ ગયાનું જોવા મળ્યું છે.
