ઓડ પેટ્રોલ પંપ નજીક પુરપાટ ઝડપે જતાં ડમ્પરની ટક્કરે ટેમ્પી ચાલક યુવકના મોતથી ગ્રામજનો ઉશ્કેરાયાં
(પ્રતિનિધિ) ઉમરેઠ તા.16
ઉમરેઠ નજીક ઓડ પેટ્રોલ પંપથી થોડે દુર ગુરૂવારની રાત્રે પુરપાટ ઝડપે જતાં ડમ્પરે સામેથી આવતી ટેમ્પીને હડફેટે ચડાવી હતી. આ અકસ્માતમાં ટેમ્પીનો બુકડો વળી ગયો હતો અને તેમાં સવાર બે યુવકમાંથી એકનું મોત નિપજ્યું હતું. આ ઘટનાથી દોડી આવેલા આસપાસના ગ્રામજનોમાં ભારે રોષની લાગણી જન્મી હતી અને ડમ્પર જ સળગાવી દીધું હતું. જેના પગલે અફડા તફડી મચી ગઈ હતી. આ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી બેફામ ઝડપે દોડતાં ઓવરલોડ ડમ્પરથી સતત અકસ્માતનો ભય રહેતો હોવા છતાં પોલીસ મુક બની રહેતાં વધુ રોષ ફેલાયો હતો.
આણંદના રણછોડપુરામાં રહેતા ડાહ્યાભાઈ ફુલાભાઈ ઠાકોરનો પુત્ર રણજીત (ઉ.વ.35 અને ગામમાં જ રહેતો નીતીન મોહનભાઈ ઠાકોર થ્રી વ્હીલ ટેમ્પીમાં દરરોજ ગુલાબ ઉઘરાવે છે. રણજીત અને નીતીન 15મી મેના રોજ સાંજના સાડા સાતેક વાગ્યાના સુમારે ટેમ્પી લઇ ગામમાંથી ગુલાબ ઉઘરાવી પ્રકાશ બાબુભાઈ ઠાકોર, મયુર મોહનભાઈ ઠાકોરને લઇને ભીલેશ્વર મુકામે ગુલાબ આપવા માટે નિકળ્યાં હતાં. આ દરમિયાન ઓડ – સૂર્ય જર્દા ખરીના ગેટ પાસે અકસ્માત થયો હોવાનું જાણવા મળ્યું હતું. આથી, ડાહ્યાભાઈ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યાં હતાં. જોયું તો રણજીતની ટેમ્પી સાઇડમાં ઢસડાઇને પડી હતી. તે ટેમ્પીમાં જોતા રણજીત બોડીમાં ફસાયેલો હતો અને સ્થળ પર જ મૃત્યુ પામ્યો હતો. આથી, આસપાસમાં ભેગા થયેલા બીજા માણસોએ પતરૂ કાપી રણજીત ડાહ્યાભાઈ ઠાકોર (ઉ.વ.35)નો મૃતદેહ બહાર કાઢ્યો હતો. આ અંગે પુછતાં નજીકમાં ઉભેલા ડમ્ફર નં.જીજે 23 એડબલ્યુ 9019 પડ્યું હતું. આ દરમિયાન 108 એમ્બ્યુલન્સ આવતા પ્રકાશ બાબુભાઈ ઠાકોર, મયુર મોહનભાઈ ઠાકોરને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં. આ ઘટના દરમિયાન આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યાં હતાં.
ઓડમાં થયેલા ભયાવહ અકસ્માતને દોઢેક કલાક વિતી ગયા બાદ પણ પોલીસ ન આવતા રોષ ભડક્યો હતો. અલબત્ત, પોલીસ પહોંચે તે પહેલા ભીડ બેકાબૂ બની ગઇ હતી. જેમાં એકઠા થયેલા આક્રોશિત ટોળાંમાંના કોઈએ ડમ્પરને આગ લગાડી દેતા અફરાતફરીનો માહોલ ઉભો થઈ ગયો હતો. જોતજોતામાં તો આખું ડમ્પર ભડભડ સળગી ઉઠયું હતું અને આના કારણે સુરક્ષાને ધ્યાનમાં લઈ પોલીસ દ્વારા હાઇવે પર વાહનોની અવરજવર બંધ કરાવી હતી. જોકે, ફાયરબ્રિગેડને જાણ કરાતા ફાયરબ્રિગેડ દ્વારા ડમ્પરની આગ ઓલવવા આવી હતી.
