Columns

ભગવાનની પૂજા

એક દિવસ એક માણસને સપનું આવ્યું કે ‘પોતે એક નાનકડી કીડીનો જીવ બચાવ્યો અને આ પુણ્યના કારણે તેને એક દિવસ ભગવાન વિષ્ણુને મળવા જવા મળ્યું.માણસ તો સદેહે વૈકુંઠ પહોંચી ગયો અને ભગવાન વિષ્ણુનાં ચરણોમાં પડી ,નમન કરી પોતાની અશ્રુધારાથી ભગવાનનાં ચરણ ધોવા લાગ્યો…ભગવાન વિષ્ણુજી હસ્યા અને બોલ્યા, ‘વત્સ, તને અહીં આવવા મળ્યું શું તું મારો પરમ ભક્ત છે?’ માણસ આવો સવાલ સાંભળી વિચારમાં પડ્યો અને પછી બોલ્યો, ‘પ્રભુ, ખોટું નહિ બોલું…હું કંઈ તમારો ભક્ત નથી.

હા ક્યારેક મંદિર પાસેથી પસાર થાઉં તો માથું નમાવું છું અને ઘરમાં એક નાનકડી કૃષ્ણ ભગવાનની છબી છે પણ હું તેની પૂજા કરતો નથી.સાચું કહું તો મને ખબર જ નથી કે પૂજા કઈ રીતે કરાય.પણ પ્રભુ તો પણ તમે મને દર્શન આપ્યા ,આજે તમારા દર્શન કરી પાવન થયો છું અને હવે હું રોજે રોજ તમારી બરાબર પૂજા કરીશ.તમે જ મને કહો કે તમારી અપરંપાર કૃપા મેળવવા માટે તમારી પૂજા કઈ રીતે કરવી …પૂજા ક્યા સમયે કરવી …પ્રસાદ શું ધરાવવો ..આરતી કેટલી વાર કરવી ..ફૂલ કયાં ધરાવવાં, બધું મને સમજાવો.હું બરાબર બધા નિયમોનું પાલન કરીને તમારી પૂજા કરીશ.રોજ કરીશ, કોઈ ભૂલ નહિ કરું.’

ભગવાન વિષ્ણુ હસ્યા અને બોલ્યા, ‘અરે વાહ તને મારી પૂજા કરતાં પણ નથી આવડતું અને તું છેક વૈકુંઠ આવી ગયો…નક્કી ચિત્રગુપ્તે કૈંક ભૂલ કરી છે.’ભગવાને ચિત્રગુપ્તને બોલાવ્યા અને કાનમાં કૈંક પૂછ્યું….ચિત્રગુપ્તે જવાબ આપ્યો, ‘ભગવન, આ માણસ રસ્તામાં પોતાના પગ નીચે આવી જતી કીડી પર પગ ન પડે તે બચાવવા જતાં પડી ગયો અને બેભાન થઈ ગયો.તે ક્ષણે જે સારું પુણ્ય કાર્ય કરે તેને અહીં આવવા મળે તે કાળ હતો એટલે તે અહીં આવી ગયો છે.’ ભગવાન વિષ્ણુએ માણસને કહ્યું, ‘જો જીવ, તને મારી પૂજા કરતાં આવડતી નથી …

વાંધો નહિ, પણ તું જે રીતે જીવે છે તે રીતે જીવજે ..દરેક જીવમાત્ર પર દયા રાખજે …કોઈની પર હિંસા કરતો નહિ …તું હસતો રહેજે અને બીજાને હસાવતો રહેજે ..કોઈ રડતી આંખોના આંસુ લૂછી તેના ચહેરા પર સ્મિત લાવજે…કોઈની એકલતાનો સાથી બનજે …કોઈ ભૂખ્યાને ભોજન કરાવજે …બસ આમ જ જીવજે, ખુદ પણ ખુશ રહેજે અને બીજાને ખુશી આપજે એટલે મારી પૂજા થઈ જશે.’ભગવાને માણસને પૂજા કરવાની રીત સમજાવતાં કહ્યું. માણસનું સપનું પૂરું થયું અને આંખો ખુલી ગઈ. તેણે રોજ પોતે હસતાં રહીને બીજાના ચહેરા પર ખુશી લાવી સતત ભગવાનની પૂજા કરતાં રહેવાનું નક્કી કર્યું.      
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top