Charchapatra

કુપોષિત બાળકો

ગુજરાતમાં છેલ્લાં પાંચ વર્ષમાં કુપોષિત બાળકોની સંખ્યામાં પાંચ ગણો (૪૮૩ %)નો વધારો થયાના સમાચારની ચોંકાવનારી વિગતો સમચારપત્રોમાં વાંચી સંવેદનશીલ નાગરિક દુઃખની લાગણી અનુભવે એ સ્વાભાવિક છે. સરકાર દ્વારા કુપોષણ દૂર કરવા વિવિધ યોજનાઓ ઘડવામાં આવે છે, પ્રયત્નો કરવામાં આવે છે. તેમ છતાં કુપોષિત બાળકોની સંખ્યામાં ઘટાડો થવાને બદલે વધારો થઈ રહ્યો હોય ત્યારે વ્યક્તિગત નહીં, પણ એક સામાજિક સમસ્યા તરીકે  આ માટેનાં જવાબદાર પરિબળો અને તેના ઉકેલ વિશે ચિંતન અને મનન કરવું આવશ્યક નહીં, અનિવાર્ય બને છે. કારણ કે તેમના આરોગ્ય અને શિક્ષણની અસરો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સમાજવ્યાપી બને છે.

ઉપરાંત આ જ બાળકો ભારતનું ભવિષ્ય છે. કુપોષણ એટલે શરીરમાં જરૂરી પોષક ઘટકો જેવાં કે કાર્બોદિત, ચરબી, પ્રોટીન, વિટામિન્સ, ખનીજ ક્ષાર અને પાણીનું અસમતોલ પ્રમાણ. જે બાળકના શારીરિક અને માનસિક વૃદ્ધિ અને વિકાસને અવરોધે છે તથા ક્વાશિઓરકોર, મરાસ્મસ, સ્કર્વી, બેરીબેરી, એનીમિયા, મોટાપો જેવા કેટલાક રોગનો ભોગ બનાવે છે. સામાન્ય રીતે પૂરતા પ્રમાણમાં લેવાયેલ સમતોલ આહારથી વ્યક્તિ શારીરિક અને માનસિક તંદુરસ્ત બને છે. રોગનો ભોગ બનતો નથી. કુપોષણ માટે જવાબદાર કારણોમાં મુખ્યત્વે ગરીબી, આહારવિજ્ઞાનનું અપૂરતું જ્ઞાન, ખોરાકની (કુ)ટેવ, કસ વિનાનો કે પ્રદૂષિત ખોરાક ગણી શકાય.

માત્ર ગરીબોનાં જ બાળકો કુપોષિત હોય છે એવું નથી, મધ્યમવર્ગીય અને અમીરનાં બાળકો પણ કુપોષણનો ભોગ બનતાં જોવા મળે છે. આજના માહોલમાં યુવાન માતા-પિતા અને બાળકોમાં ઘરના ખોરાક અને નાસ્તાને બદલે વધી રહેલ ફાસ્ટ ફુડ, હોટેલ્સ ફુડ અને પડિકાં કલ્ચર, રાસાયણિક પદાર્થોયુક્ત ખાદ્ય પદાર્થો કે નકલી ખાદ્ય પદાર્થો, શારીરિક શ્રમ-કસરતનો અભાવ પણ જવાબદાર ગણી શકાય. જો આ અંગે સરકાર દ્વારા યથાયોગ્ય ઉપાયો હાથ ધરવામાં આવે અને સમાજની વ્યક્તિઓ ખાસ કરીને બાળકોનાં માતા-પિતા જાગૃત બને ને પોતાની તથા બાળકોની ખોરાકની ટેવોમાં સુધારો કરે તો કુપોષિત બાળકોની સંખ્યામાં લાંબા ગાળે ઘટાડો જોવા મળી શકે ખરો.
સુરત     – મિતેશ પારેખ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top