Business

એલન મસ્ક ફરીથી વિશ્વના સૌથી ધનિક શખ્સ: અદાણી ગબડીને 32માં સ્થાને

ન્યૂયોર્ક: ગત ડિસેમ્બર માસમાં વિશ્વના સૌથી ધનિક (World Richest Person) તરીકેનું સ્થાન ગુમાવનાર એલન મસ્કે ફરી એકવાર આ સ્થાન પ્રાપ્ત કરી લીધું છે અને આ માટે તેમની ટેસ્લા (Tesla) કંપનીના શેરોમાં આવેલો મોટો ઉછાળો જવાબદાર છે. બ્લૂમબર્ગના અહેવાલ પ્રમાણે મસ્ક ફરી એક વાર વિશ્વની સૌથી વધુ ધનિક વ્યક્તિ છે અને મસ્કની કુલ મિલકતો હવે ૧૮૭ અબજ ડોલર છે, આ વર્ષની શરૂઆતમાં ટેસ્લા અને ટ્વીટર સહિતની કંપનીઓના આ માલિકની મિલકતો ૧૩૭ અબજ ડોલર હતી. સપ્ટેમ્બર ૨૦૨૧થી મસ્ક વિશ્વના સૌથી વધુ ધનવાન તરીકેનો દરજ્જો ભોગવતા હતા, તેમના પહેલા એમેઝોનના જેફ બેઝોસ આ સ્થાને હતા. જો કે ગત વર્ષના ડિસેમ્બરમાં મસ્કે આ સ્થાન ગુમાવ્યું હતું અને આ વર્ષની શરૂઆતમાં તો એવા અહેવાલો આવ્યા હતા કે મસ્ક વિશ્વમાં સૌથી વધુ મિલકતો ગુમાવનાર વ્યક્તિ બન્યા છે.

ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકર્ડે પણ આની નોંધ લીધી હતી. ખાસ કરીને ટ્વીટર કંપની ખરીદ્યા પછી મસ્કની મિલકતોમાં મોટું ધોવાણ થયું હતું. જો કે હાલમાં ટેસ્લાના શેરો ફરીથી ઉછળ્યા છે. ટેસ્લાના શેરોમાં ૯૨ ટકા જેટલા ઉછાળા પછી એલન મસ્કની મિલકતો પણ સ્વાભાવિક રીતે ઉછળી છે અને તે વધીને ૧૮૭ અબજ ડોલર થઇ ગઇ છે.

  • ટેસ્લાના શેરોમાં ૯૨ ટકાના જંગી ઉછાળા સાથે મસ્કની મિલકતોમાં પણ ઉછાળ
  • ગૌતમ અદાણી ૩૭.૭ અબજ ડોલરની મિકલતો સાથે ૩૨મા સ્થાને પહોંચી ગયા

બીજી બાજુ, ભારતના ગૌતમ અદાણીનું પતન ચાલુ જ છે અને વિશ્વના ધનિકોની બ્લૂમબર્ગની યાદીમાં તેઓ ૩૨મા સ્થાને પહોંચી ગયા છે. જાન્યુઆરીમાં તેઓ ૧૧૯ અબજ ડોલરની મિલકતો સૌથી વિશ્વની ત્રીજા ક્રમની સૌથી ધનિક વ્યક્તિ હતા પરંતુ જાન્યુઆરીના અંતભાગે હિન્ડનબર્ગનો અહેવાલ આવ્યા પછી તેમની કંપનીઓના શેરો ગગડવા માંડયા હતા અને તેમની મિલકતોમાં મોટું ધોવાણ થયું હતું.

હાલમાં તેમની અદાણી એન્ટરપ્રાઇઝના શેરોમાં સારો એવો વધારો થયો પણ છે છતાં હજી તેમની મિલકતો અગાઉ કરતા ૬૦ ટકા જેટલી ઓછી છે અને ૩૭.૭ અબજ ડોલરની મિલકતો સાથે તેઓ વૈશ્વિક ધનિકોની યાદીમાં ૩૨મા સ્થાને પહોંચ્યા છે. ૩૫ દિવસમાં તેમની મિલકતોમાં ૮૧.૩ અબજ ડોલર જેટલું ધોવાણ થયું છે.

Most Popular

To Top