Madhya Gujarat

સેવાલિયામાં ઠેર-ઠેર વરસાદી પાણી ભરાતા મચ્છરોનો વ્યાપક ઉપદ્રવ

સેવાલિયા: ગળતેશ્વર તાલુકાના સેવાલિયામાં સતત એક કલાક વરસાદ વરસવાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. જેને પગલે મચ્છરોનો ઉપદ્રવ વધી જવાથી રોગચાળો ફેલાવાની દહેશત ઉભી થઈ છે. ત્યારે, તંત્ર દ્વારા આ મામલાને ગંભીરતાથી લઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. ગળતેશ્વર તાલુકાના વડામથક સેવાલિયા તેમજ આસપાસના વિસ્તારોમાં ગત શનિવારના રોજ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી. સતત એક કલાક સુધી વરસાદ વરસતાં ઠેર-ઠેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી જતાં પ્રજાને ગરમીથી રાહત મળી હતી.

જોકે, બીજી બાજુ સેવાલિયામાં કચરાની ડમ્પીંગ સાઈટ રોડ ઉપર હોવાથી મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે. જેને પગલે આસપાસના રહીશો તેમજ દુકાનદારો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. સવાલિયામાં મચ્છરજન્ય રોગચાળો ફેલાવાની દહેશત પણ ઉભી થઈ છે. ત્યારે, આ બાબતે પંચાયત, તાલુકા વિકાસ અધિકારી અને આરોગ્ય અધિકારી દ્વારા તાત્કાલિક ધોરણે દવાનો છંટકાવ કરવામાં આવે તેવી પ્રજાની માગ ઉઠી છે. ગળતેશ્વરમાં છેલ્લા કેટલાક સમયથી આરોગ્ય વિભાગ જ બિમાર હોય તેવી સ્થિતિ છે. તેમાં પણ વરસાદી વાતાવરણમાં મચ્છર જન્ય રોગચાળાનો ભય ઊભો થયો છે. આવા સમયે આરોગ્ય વિભાગ આળસ ખંખેરે તેવી માગણી ઉઠી છે.

Most Popular

To Top