Entertainment

મદીલી આંખો છતાં મદાલસા ફિલ્મોમાં નિષ્ફળ કેમ?

મદાલસા શર્માની અટક હવે તો ચક્રવર્તી થવી જોઇએ કારણકે કે તે મિથુન ચક્રવર્તીના દિકરા મહાક્ષયને પરણી છે. પણ તે કદાચ તેના પતિની ઓળખને ઘર પૂરતી જ બંધ રાખવામાં આવે છે. કારણ એ હોય શકે કે મહાક્ષય ૨૦૦૮ થી ફિલ્મોમાં છે અને અત્યારે બે ફિલ્મોમાં આવી રહ્યો છે છતાં તે સફળ નથી ગણાતો. ફિલ્મ લાઇનમાં પોતાની ઓળખમાં કાળજી રાખવી પડે છે. મદાલસા જરા મદીલી આંખોવાળી છે તેની મમ્મી શીલા ડેવિડ પણ એવી જ મદીલી આંખોવાળી છે અને મમ્મીનું સૌંદર્ય તેનામાં ઊતર્યુ છે પણ ફિલ્મો બાબતે તે જરા અટવાયા કરે છે.

તેલુગુ, કન્નડ ફિલ્મોથી આરંભ કર્યા પછી તે ‘એંજલ’ નામની ફિલ્મમાં નિલેશ સહાયની હીરોઇન બની હતી. ગણેશ આચાર્ય દિગ્દર્શિત એ ફિલ્મ તેને વધુ કાંઇ આપી ન શકી. તે ફરી ય હીરોઇન તરીકે આવી પણ તેમાં રાજીવ ખંડેલવાલ હીરો હતો એટલે ફિલ્મનું નામ તો ‘સમ્રાટ એન્ડ કંપની’ હતું પણ સમ્રાટ સાથે કંપની ન થઇ. ત્રીજીવાર ‘પૈસા હી પૈસા’ માં આવી જે તમિલ ફિલ્મ હતી ને હિન્દીમાં ડબ્ડ થયેલી એટલે ફરી એવા હીરો તેની સાથે હતા જે હિન્દીમાં ન ચાલી શકે એટલે તેની યાત્રા લંબાતી ગઇ અને હવે ‘કરતૂત’ માં સાહિલ કોહલી સાથે આવશે. તેને જરૂર થાય છે કે હીરોઇન તો છું પણ જેની હોવી જોઇએ તેની નથી. જો કે તે ટી.વી. પર પોતાને યોગ્ય ભૂમિકા શોધી લે છે.

તેણે શરૂઆત પણ ‘યે રિશ્તા કયા કહેલાતા હે’ની અક્ષરા તરીકે જ કરી હતી. તે ‘ધ ગર્લ વિથ ધ ઇન્ડિયન એર્મલ્ડ’માં આવી પણ ‘અનુપમા’ની કાવ્યા વનરાજ શાહ તરીકે તે વધુ જામી. હવે તેના ‘કરતૂત’ શું ફાયદા કરાવે તે ખબર નથી પણ ‘ધ ક્રોસ’ નામની ફિલ્મ પણ તેની પાસે છે. અલબત્ત, હવે તેની કારકિર્દી વળાંક ઇચ્છે છે. આ પ્રકારની ફિલ્મો તેને વધુ ફાયદો નહીં જ કરાવી શકે અને સાઉથમાં તે કેટલી ફિલ્મો કરશે? તે પોતે ય આ જાણે છે એટલે હમણાં ‘અનુપમા: નમસ્તે અમેરિકા’ નામની વેબસિરીઝમાં પણ આવી હતી. તેની એક ફિલ્મ પાર્થો ઘોષના દિગ્દર્શનમાં આવી રહી છે ‘મૌસમ ઇકરાર કે દો પલ પ્યાર કે’. તેમાં પણ જો કે હીરો તો અવિનાશ વાઘવાન છે. એક ટેલેન્ટેડ અભિનેત્રી હોવા છતાં તે એક કક્ષામાં ઘુમી રહી છે. આ કક્ષામાંથી કોણ બહાર કાઢશે? મહાક્ષય તો નહીં જ. •

Most Popular

To Top