Columns

ભારતના અને ચીનના કરોડપતિઓ કેમ પોતાના દેશનો ત્યાગ કરી રહ્યા છે?

સંસ્કૃતમાં કહેવત છે કે ‘જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપિ ગરિયસી.’તેનો મતલબ થાય છે, જનની (માતા) અને જન્મભૂમિ સ્વર્ગ કરતાં પણ વધુ મહાન છે. આ વાત ભારતનાં હજારો કરોડપતિઓ માનતાં નથી. તેમનો જન્મ જે ભૂમિમાં થયો છે, જે ભૂમિની ધૂળમાં આળોટીને તેઓ મોટાં થયાં છે, જે ભૂમિનું અનાજ ખાઈને જેમનું શરીર ઘડાયું છે, જે ભૂમિ પર વેપાર-ધંધો કરીને તેઓ કરોડો રૂપિયા કમાયા છે, તેનો કાયમ માટે ત્યાગ કરીને તેઓ પરદેશની નાગરિકતા સ્વીકારી રહ્યાં છે.

વર્ષ ૨૦૨૨માં દસ લાખ ડોલર (આશરે ૮.૨ કરોડ રૂપિયા) જેટલી રોકાણપાત્ર મૂડી ધરાવતા ૭,૫૦૦ ભારતીય નાગરિકો કાયમ માટે પોતાનો દેશ છોડીને પરદેશમાં વસી ગયા હતા. ૨૦૨૩માં બીજા ૬,૫૦૦ કરોડપતિઓ ભારત છોડીને ચાલ્યા જવાના છે. આ બાબતમાં ભારત કરતાં પણ ચીનની હાલત વધુ ખરાબ છે. હેન્લે પ્રાઇવેટ વેલ્થ માઇગ્રેશન રિપોર્ટ ૨૦૨૩ના જણાવ્યા મુજબ ચાલુ વર્ષે ચીનના ૧૩,૫૦૦ કરોડપતિઓ પોતાનો દેશ છોડીને બીજા દેશમાં વસવાટ કરવાનાં છે.

જાણકારો કહે છે કે ભારતમાં કરવેરા બાબતના કાયદાઓ અને વિદેશથી ડોલર ભારતમાં લાવવા બાબતના કાયદાઓ એટલા જટિલ છે કે તેનાથી કંટાળીને ઘણાં કરોડપતિઓ વિદેશોની નાગરિકતા સ્વીકારી રહ્યાં છે. ભારતમાં કરોડો રૂપિયાની કમાણી કરનારા દરેક નાગરિકને કરચોર તરીકે જોવામાં આવે છે. ઇન્કમ ટેક્સ ઉપરાંત સીબીઆઈ અને ઇડી જેવી સંસ્થાઓના અધિકારીઓ મધરાતે પણ તેમના બારણે ટકોરા મારી શકે છે અને તેમની ધરપકડ કરી શકે છે. ભારતમાં ઇમાનદારીથી કર ભરનારા નાગરિકની કોઈ કદર નથી. કાયદાની આંટીઘૂંટીને કારણે કરવેરા ભરવામાં જરા જેટલી ચૂક થઈ જાય તો તેમની સાથે ગુનેગાર જેવું વર્તન કરવામાં આવે છે. વળી બિનનિવાસી ભારતીયો કમાણી કરીને પોતાના દેશમાં જે અબજો ડોલર મોકલે છે તેનું રોકાણ કરવામાં પણ મુસીબતો છે, જેને કારણે માલદાર ભારતીયો દેશનો ત્યાગ કરી રહ્યા છે.

દેશનો ત્યાગ કરી રહેલાં કરોડપતિઓ બાબતમાં ભારત કરતાં પણ ચીનની હાલત વધુ બદતર છે. ચીનના આશરે ૧૩,૫૦૦ ધનવાનો આ વર્ષે દેશને અલવિદા કહી દેવાના છે. આ બાબતમાં ચીન અને ભારત પછી બ્રિટન, રશિયા અને બ્રાઝિલનો નંબર આવે છે. ચીન અને રશિયા જેવા દેશોમાં સામ્યવાદ હોવાથી ખાનગી વેપારને ગુનાઇત પ્રવૃત્તિ ગણવામાં આવે છે. કોઈ પણ ઉદ્યોગની સ્થાપના કરવી હોય તો તેમાં સરકારને ફરજીયાત ભાગીદાર બનાવવી પડે છે. ક્યા કરોડપતિને ક્યારે જેલમાં નાખવામાં આવશે અને તેની સંપત્તિ ક્યારે જપ્ત કરવામાં આવશે, તેની કોઈને કલ્પના નથી હોતી. ચીનના અને રશિયાનાં કરોડપતિઓ સતત ડરના ઓથાર હેઠળ જીવે છે. માટે જો તક મળે તો તેઓ પોતાના દેશનો ત્યાગ કરીને મૂડીવાદી દેશોમાં વસવા તૈયાર હોય છે.

ભારતમાં એક બાજુ લોકોની સંપત્તિ વધી રહી છે, પણ બીજી બાજુ સંપત્તિના કાયદાઓ જટિલ બની રહ્યા છે. ભારતમાં ૩.૪૪ લાખ લોકો પાસે દસ લાખ ડોલર કરતાં વધુ સંપત્તિ છે. તેમાંથી ૧૦૭૮ નાગરિકો પાસે ૧૦ કરોડ ડોલર કરતાં વધુ સંપત્તિ છે. તેમાંના પણ ૧૨૩ નાગરિકો પાસે એક અબજ ડોલર કરતાં વધુ સંપત્તિ છે, જેમનાં નામો ફોર્બ્સ મેગેઝિનના અબજોપતિઓની યાદીમાં સ્થાન પામતાં હોય છે.

ચીનમાં દસ લાખ ડોલરથી વધુ સંપત્તિ ધરાવતાં ૭.૮૦ લાખ નાગરિકો છે અને ૨૮૫ નાગરિકો અબજ ડોલરથી વધુ ધનવાન છે. તેની સરખામણીમાં અમેરિકાનાં ૫૨.૭૦ લાખ નાગરિકો દસ લાખ ડોલરથી વધુ અને ૭૭૦ નાગરિકો એક અબજ ડોલરથી વધુ સંપત્તિ ધરાવે છે. દુનિયાના ૧૦ સૌથી ધનિક દેશોની યાદીમાં ભારતનો છેલ્લો નંબર છે. ભારત પહેલાં તેમાં અનુક્રમે અમેરિકા, જપાન, ચીન, જર્મની, બ્રિટન, સ્વિત્ઝર્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને ફ્રાન્સનો નંબર આવે છે. ભારત હવે ગરીબ દેશની છાપ ભૂંસીને શ્રીમંત દેશ બની રહ્યો છે.

ચીનના અને ભારતના જે ધનકુબેરો પોતાના દેશનો ત્યાગ કરીને ક્યા દેશોમાં વસવાટ કરવાનું વધુ પસંદ કરી રહ્યા છે? તે જાણવું પણ રસપ્રદ છે. તેવા ટોચના પાંચ દેશોમાં અનુક્રમે ઓસ્ટ્રેલિયા, યુનાઇટેડ આરબ અમીરાત, સિંગાપોર, અમેરિકા અને સ્વિત્ઝર્લેન્ડનો સમાવેશ થાય છે. ચાલુ વર્ષે ઓસ્ટ્રેલિયામાં વિદેશનાં ૫,૨૦૦ કરોડપતિઓ નાગરિકતા સ્વીકારે તેવી ધારણા છે. તેવી રીતે સંયુક્ત આરબ અમીરાતમાં ૪,૫૦૦, સિંગાપોરમાં ૩,૨૦૦, અમેરિકામાં ૨,૧૦૦, સ્વિત્ઝર્લેન્ડમાં ૧,૮૦૦ અને કેનેડામાં ૧,૬૦૦ વિદેશીઓ કાયમી વસવાટ કરવાની યોજના બનાવી રહ્યાં છે. આ કરોડપતિઓ કઈ મજબૂરીથી પોતાના માદરે વતનનો ત્યાગ કરી રહ્યા છે?

જે કરોડપતિઓ પોતાના દેશનો ત્યાગ કરીને વિદેશોમાં વસવાટ કરી રહ્યા છે, તેમની માનસિકતા સમજવા જેવી છે. તેમણે પોતાના વતનમાં રહીને, પોતાના બાવડાના બળ ઉપર કરોડો રૂપિયાની સંપત્તિ ભેગી કરી છે, પણ પોતાના દેશમાં તેમને સંપત્તિની અને પોતાના પરિવારની પણ સુરક્ષા દેખાતી નથી. જે દેશોમાં રાજકીય અસ્થિરતા છે તેમાં ગમે ત્યારે સરકારો બદલાઈ શકે છે અને કાયદાઓ પણ બદલાઈ શકે છે. આ બદલાયેલા કાયદાઓ વચ્ચે તેમની સંપત્તિની સલામતી પણ ઘટી જાય છે. વળી તે દેશોમાં ગરીબી અને બેકારીને કારણે ગમે ત્યારે રમખાણો ફાટી નિકળે છે. આ રમખાણો દરમિયાન શ્રીમંતોની માલમત્તા જ લૂંટી લેવામાં આવતી હોય છે.

કેટલાંક શ્રીમંતો એમ પણ વિચારતા હોય છે કે અબજો રૂપિયાની સંપત્તિ કમાયા પછી, કરોડ રૂપિયાની મોટર કાર ખરીદ્યા પછી પણ આપણા નસીબમાં તો ખાડાવાળા રસ્તા જ લખાયેલા છે ને? કેટલાંક લોકો સરકારી કર્મચારીઓના ભ્રષ્ટાચારથી અને કામચોરીથી કંટાળી ગયા હોય છે. કોઈ પણ કામ કરાવવા માટે લાંચ આપવી પડતી હોય છે એ તેમને ગમતું નથી. તેઓ વિદેશ પ્રવાસ કરીને આવે છે ત્યારે જુએ છે કે રસ્તાઓ નાઇલોન જેવા છે, સરકારી કર્મચારીઓ લાંચ આપ્યા વગર કામ કરે છે અને દુકાનમાં લુખ્ખાઓ હપ્તા ઉઘરાવવા આવી જતા નથી. આ કારણે પોતાની બાકીની જિંદગી સુખ, સવલત, સલામતી અને શાંતિમાં ગાળવા તેઓ પોતાનાં વતનનો ત્યાગ કરવા તૈયાર થઈ જાય છે.

ભારતનાં જે નાગરિકો પોતાનો દેશ છોડવાની યોજના બનાવી રહ્યા છે, તેમાંના મોટા ભાગના સંયુક્ત આરબ અમીરાત (દુબઈ, અબુ ધાબી વગેરે દેશોનો સમૂહ) માં વસવાના છે. આ દેશોમાં ભારત ઉપરાંત પાકિસ્તાન, બ્રિટન, રશિયા અને લેબેનોનનાં નાગરિકો પણ કાયમી વસવાટ કરવા તત્પર હોય છે. માલદારો સંયુક્ત આરબ અમીરાતને પસંદ કરે છે, કારણ કે તેના કરવેરા બાબતના કાયદાઓ અત્યંત સરળ છે, તેના રસ્તાઓ ટ્રાફિક જામ વગરના છે, આરોગ્યની સુવિધાઓ ટોચ કક્ષાની છે, ઉચ્ચ શિક્ષણની શ્રેષ્ઠ સવલતો છે, શોપિંગ કરવા માટે આલિશાન મોલ છે અને મનોરંજનની સુવિધાઓ પણ વિશ્વ કક્ષાની છે.

રસ્તાઓ પર ક્યાંય ગંદકી જોવા મળતી નથી. સરકારી ઓફિસોમાં કોઈ પણ જાતની લાંચ આપવી પડતી નથી. સવલતોની આ યાદી જોયા પછી લાગ્યા વિના રહેતું નથી કે જો ભારતના સત્તાધીશો ઈમાનદાર અને કાર્યક્ષમ હોય તો ભારતમાં આ જાતની તમામ સવલતો ઊભી કરી શકાય તેટલી સંપત્તિ ભારતમાં છે; પણ ભારતના ભ્રષ્ટ રાજકારણીઓ અને જરીપુરાણા કાયદાઓ ભારતની ભૂમિને સ્વર્ગ બનવા દેતા નથી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.               

Most Popular

To Top