Comments

બ્રીજ તૂટી પડ્યા તેની જવાબદારી કોણ લેશે? જવાબ માંગશો તો જ જવાબ મળશે

પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે સૌથી મહત્ત્વપૂર્ણ રાજકીય મોસમ શરૂ થઈ ગઈ છે. આ ચૂંટણીઓ પૂરી થતાંની સાથે જ સામાન્ય ચૂંટણીઓ માટેની શતરંજ પણ બિછાવવામાં આવી છે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમ જેવાં રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ કેન્દ્રમાં ભાજપના દસ વર્ષના શાસન માટે જનમતસંગ્રહ સમાન છે. તેમાં પણ ભાજપ માટે રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢની ચૂંટણીઓ વિશેષ મહત્ત્વ ધરાવે છે, કારણ કે તેમાં એક યા બીજા સમયે ભાજપ સરકાર રહી ચૂકી છે.

આ ત્રણ પૈકી રાજસ્થાનમાં અને છત્તીસગઢમાં અત્યારે કોંગ્રેસની સરકાર છે. જો તેમાં ભાજપની સરકાર આવી જાય તો તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મોટી સિદ્ધિ ગણાશે. તેને બદલે જો મધ્ય પ્રદેશનું શાસન ભાજપના હાથમાંથી સરકી જાય તો તે મોદી માટે નામોશી ગણાશે. આ ત્રણેય રાજ્યોમાં જો ભાજપની જીત થાય તો વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો રથ આકાશમાં ઊડવા લાગશે અને હાર થાય તો તે જમીન ઉપર ફસડાઈ પડશે.  આ વિધાનસભાની ચૂંટણીઓ એવા સમયે યોજાઈ રહી છે જ્યારે સમગ્ર દેશમાં જાતિ સર્વેક્ષણની માંગ જોર પકડી રહી છે.

રાજસ્થાનમાં કોંગ્રેસ સરકારે બિહારની પદ્ધતિ પર જાતિ સર્વેક્ષણનો આદેશ જારી કર્યો છે. તેણે મધ્યપ્રદેશમાં પણ આવું વચન આપ્યું છે. કોંગ્રેસ પર સમાજમાં વિભાજન કરવાનો આરોપ લગાવીને ભાજપ આ મુદ્દે લોકોની વચ્ચે જઈ રહ્યો છે. જો મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપ હારે તો માનવું પડશે કે મતદારો જાતિ આધારિત જનગણના માગે છે. આ કારણે પાંચ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીનાં પરિણામોને જાતિ સર્વેક્ષણ પરનો જનમત ગણવામાં આવશે. જો તેમાં ભાજપની હાર થશે તો દેશભરમાં જાતિ સર્વેક્ષણની માગણી ઉગ્ર બનતી દેખાશે. મંડલની રાજનીતિનો તે મહત્ત્વનો તબક્કો હશે. ભાજપ સવર્ણોનો પક્ષ ગણાતો હોવાથી કાયમ દલિત, આદિવાસી અને ઓબીસી મતદારો તેનાથી દૂર જ રહેતા આવ્યા છે.

સામાન્ય ચૂંટણી પહેલાં પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીને સૌથી મોટો ઓપિનિયન પોલ માનવામાં આવે છે. વર્ષ ૨૦૧૮ માં ભાજપને આ ચૂંટણીઓમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. રાજસ્થાન ઉપરાંત તેણે મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ પણ ગુમાવ્યાં હતાં; પરંતુ તેણે લોકસભાની ચૂંટણીમાં ઉજળો દેખાવ કર્યો હતો. નિષ્ણાતો માને છે કે દર વખતે આવું થાય તે સંભવિત નથી. આ ચૂંટણીઓનાં પરિણામો સામાન્ય ચૂંટણીની પૃષ્ઠભૂમિ તૈયાર કરે છે. પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓને ૨૦૨૪ની  સામાન્ય ચૂંટણીઓ પહેલાંનો દેશનો મિજાજ ગણી શકાય તેમ છે.

ભારતમાં વિપક્ષી ગઠબંધનનો હિસ્સો અને ભૂમિકા પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીનાં પરિણામો પણ નક્કી કરશે. તાજેતરમાં વિપક્ષો દ્વારા જે ‘ઇન્ડિયા’ ગઠબંધન બનાવવામાં આવ્યું છે, તે કેટલું મજબૂત અને ટકાઉ છે, તેની કસોટી આ ચૂંટણીમાં થઈ જશે. વળી આ ગઠબંધનમાં કોંગ્રેસની ભૂમિકા પણ આ ચૂંટણી નક્કી કરશે. જો કોંગ્રેસ ચૂંટણીમાં વધુ સારું પ્રદર્શન કરશે તો વિપક્ષી ગઠબંધનમાં કોંગ્રેસ અને રાહુલ ગાંધીની સ્થિતિ મજબૂત થશે. રાહુલ ગાંધી વડા પ્રધાનપદના દાવેદાર બનશે. જો કોંગ્રેસ નબળી રહેશે તો સીટ વહેંચણીના મામલે તેણે સમાધાન કરવું પડશે.

પાંચ રાજ્યોમાં ભાજપની તાકાતની પણ આ ચૂંટણીમાં કસોટી થશે. છેલ્લી કેટલીક ચૂંટણીઓથી રાજ્યોમાં ભાજપની સ્થિતિ નબળી પડી રહી છે. એવું માનવામાં આવે છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રમાં ભાજપની સ્થિતિ મજબૂત છે; પરંતુ ભાજપ પાર્ટી રાજ્યોમાં કઠિન પડકારોનો સામનો કરી રહી છે. કર્ણાટકમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં પણ આવો જ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. કેન્દ્ર સરકારને મજબૂત કરવા માટે રાજ્યો પર પણ મજબૂત પકડ હોવી જરૂરી માનવામાં આવે છે. વડા પ્રધાન મોદી એકલે હાથે આ કામ કેમ કરશે? તે જોવાનું રહે છે.

વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો ઘણા દિગ્ગજો માટે પડકારથી ઓછા નહીં હોય. મધ્ય પ્રદેશમાં ભાજપે કહ્યું છે કે તે સામુહિક નેતૃત્વમાં ચૂંટણી લડશે. તેનો મતલબ થાય છે કે ભાજપની જીત થાય તો પણ શિવરાજ સિંહ ચૌહાણ મુખ્ય પ્રધાન બને તેની કોઈ ગેરન્ટી નહીં હોય. આ ચૂંટણી સાથે શિવરાજ સિંહ ચૌહાણની રાજકીય કારકિર્દી પૂરી થઈ જાય તો કોઈ નવાઈ નહીં લાગે. રાજસ્થાનમાં કોંગ્રેસ મુખ્ય પ્રધાન અશોક ગેહલોત પર ફરી વાર દાવ લગાવી રહી છે. તેલંગાણામાં કે. ચંદ્રશેખર રાવ માટે પણ આ ચૂંટણી તેમના રાજકીય ભવિષ્ય માટે મહત્ત્વની બની રહેશે. છત્તીસગઢમાં ભૂપેશ બઘેલને પણ  નિર્વિવાદ નેતા તરીકે સ્થાપિત થવા માટે જીતવું પડશે.

મફતના રાજકારણની દિશા નક્કી કરવા માટે પણ આ ચૂંટણી મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. છેલ્લા કેટલાક દિવસોથી રેવડીના રાજકારણ પર ભારે ચર્ચા ચાલી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેને મુદ્દો બનાવ્યો છે, પણ ભારતના મતદારોને મફતનું ખાવાની આદત પડી ગઈ છે. કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓએ મતદારોને ઘણાં લોભામણાં વચનો આપ્યાં છે. ભાજપે ભલે તેનો વિરોધ કર્યો હોય; પરંતુ રાજ્ય સ્તરે જ્યાં તેની સરકાર હતી ત્યાં તે આ રેસમાં જોડાઈ ગઈ છે. જો આ વચનોની અસર મતદાન પર જોવા મળશે તો આગામી ચૂંટણીમાં આ સિલસિલો આગળ ચાલશે.

ઉત્તર-પૂર્વના રાજ્ય મિઝોરમમાં પણ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. એવું માનવામાં આવે છે કે ઉત્તર-પૂર્વ પણ દિલ્હીના મૂડને પ્રતિબિંબિત કરે છે. મિઝોરમમાં એવા સમયે ચૂંટણી યોજાઈ રહી છે જ્યારે મણિપુરમાં છેલ્લા કેટલાક મહિનાઓથી સ્થિતિ ખરાબ છે. મણિપુરમાં ડબલ એન્જિનની સરકાર હોવા છતાં સરકાર હિંસાને કાબૂમાં રાખી શકી નથી. આ કારણે મિઝોરમની ચૂંટણીનાં પરિણામોને મણિપુરની વર્તમાન ગંભીર સ્થિતિ સાથે પણ જોડવામાં આવશે.

ભાજપે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરા સાથે અને કેન્દ્ર સરકારનાં કામો સાથે વિધાનસભાની ચૂંટણી લડશે. તેનો ઉદ્દેશ મધ્ય પ્રદેશમાં વર્તમાન સરકાર વિરુદ્ધની શાસક પક્ષ વિરોધી લાગણી ઘટાડવાનો અને વિરોધ હોય તેવાં રાજ્યોમાં જૂથવાદને રોકવાનો છે. પરિણામે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વન મેન આર્મીની જેમ ચૂંટણીનાં મેદાનમાં ઊતરશે. તેઓ પાંચ રાજ્યોમાં ૬૦થી વધુ રેલીઓ કરશે. જો ભાજપ જીતી જશે તો તેનો યશ મોદીને આપવામાં આવશે, પણ હારી જશે તો તેના દોષનો ટોપલો સ્થાનિક નેતાઓના માથે ઢોળવામાં આવશે. તાજેતરના સમયમાં મહિલાઓનું મતદાન ચૂંટણીમાં મહત્ત્વનું પરિબળ સાબિત થયું છે.

ગ્રામીણ વિસ્તારોમાં મહિલા મતદારોની જાગ્રતિ વધી છે. તેમને આકર્ષવા માટે તમામ રાજકીય પક્ષોએ છેલ્લી કેટલીક ચૂંટણીઓમાં તેમની સંપૂર્ણ તાકાતનો ઉપયોગ કર્યો છે. ભાજપ મહિલા અનામતને વિધાનસભાની ચૂંટણીમાં મોટો મુદ્દો બનાવી શકે છે. કોંગ્રેસે પણ મહિલાઓ માટે ઘણી મફત યોજનાઓનું વચન આપ્યું છે. આ ચૂંટણીઓમાં મહિલાઓની તાકાત પણ મપાઈ જશે. જો વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ‘વન નેશન, વન ઇલેક્શન’નું સપનું સાકાર થાય તો ભારત માટે આ વિધાનસભાની આખરી સ્વતંત્ર રીતે યોજાતી ચૂંટણી હશે. ત્યાર બાદ લોકસભાની અને વિધાનસભાઓની ચૂંટણીઓ સાથે યોજાશે, જે ભાજપ માટે કાયમ લાભદાયક બની રહેશે.  
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top