Comments

મહારાષ્ટ્રમાં ભાજપે શું મેળવ્યું?

મહારાષ્ટ્રમાં સરકાર એટલી ઝડપથી અને નિર્ણાયક રીતે બદલાઇ કે આપણામાંથી ઘણાને આશ્ચર્ય થયું છે કે ઉદ્ધવ ઠાકરેએ મુખ્ય પ્રધાન તરીકે અઢી વર્ષ કઇ રીતે કામ કર્યું હશે. શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેને ઉદ્ધવને સરળતાથી છોડી ગયેલા સેનાના આટલા બધા ધારાસભ્યોનો ટેકો મળ્યો, એટલું જ નહીં શરદ પવારના નેશનાલિસ્ટ કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોએ પણ નવી વ્યવસ્થાને વધુ ટેકો આપ્યો છે. પણ આશ્ચર્ય એ વાતનું છે કે દેવેન્દ્ર ફડણવીસ કે બળવાખોર નેતાગીરી લેનાર એકનાથ શિંદેનું નામ મુખ્ય પ્રધાન તરીકે આગળ ધર્યું અને કહ્યું કે એકનાથ શિંદે શિવસેનાના સ્થાપક સદ્‌ગત બાલ ઠાકરેની સ્મૃતિમાં મુખ્યપ્રધાન બનશે. બાળા સાહેબ ઠાકરે એક સામાન્ય શિવસૈનિક મુખ્યપ્રધાનની ખુરશી પર બિરાજેલા જોઇ ઘણા રાજી થયા હોત.

ફડણવીસે એવી પણ જાહેરાત કરી કે હું સરકારની બહાર રહીશ. આમ છતાં ભારતીય જનતા પક્ષના પ્રમુખ એપી નડ્ડાએ ફડણવીસને તેમના નિર્ણય પર ફેર વિચારણા કરવા અને નાયબ મુખ્યમંત્રી તરીકે સરકારમાં જોડાવા વિનંતી કરી અને ફડણવીસે પણ ઝાઝો વિલંબ કર્યા વગર પક્ષની નેતાગીરીને સ્વીકારી ‘કહાણીમાં ટવીસ્ટ’ ભારતીય જનતા પક્ષની સારી રીતે લખાયેલી પટકથા જેવો લાગે છે. ભારતીય જનતા પક્ષ પોતે ‘સત્તાભૂખ્યો’ નથી એવું દેખાડવાનું છે? ફરી સજીવન થયેલ ગઠબંધનના નવા ચહેરા તરીકે ફડણવીસ નહીં, પણ શિંદે કેમ આવ્યા? ભારતીય જનતા પક્ષની સૌથી મોટી સિધ્ધિ એ છે કે ઉદ્ધવ ઠાકરે સાથે બદલો લઇ લીધો છે, જેણે 2019 માં તેની સાથેનાં 30 વર્ષ જૂના ગઠબંધનને તોડી ‘દગો’ કર્યો હતો અને મુખ્યમંત્રી બનવા કોંગ્રેસ અને નેશનાલિસ્ટ કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યા હતા.

હવે ભારતીય જનતા પક્ષે ખાતરીબધ્ધ વ્યવસ્થા કરી છે કે સેનામાં છેક કાર્યકરો સુધી ભાગલા પડે. તેણે ઉદ્ધવ ઠાકરેના બાલ ઠાકરેના હક્કપૂર્વકના વારસદાર હોવાના દાવા સામે પણ ગંભીર શંકા ઉઠાવી છે. શિંદે જેવા મરાઠા નેતાના નેતૃત્વમાં શિવસેના છાપનું અસલ હિંદુત્વ ફરી બેઠું થયું છે. જેનો ભારતીય જનતા પક્ષને વૈચારિક ફાયદો થયો છે અને આ ઘટનામાં 2022 ના અંત સુધીમાં મુંબઇ, પૂણે અને અન્ય શહેરોની મહત્ત્વની મ્યુનિસિપલ ચૂંટણી પહેલાં બની છે. આ ચૂંટણીઓ 2024 ની સંસદીય અને વિધાનસભાની ચૂંટણી માટે ભૂમિ તૈયાર કરશે.

શિવસેનાના બળવાખોરોએ ઉદ્ધવ ઠાકરે સામે બળવો કરવાનું એક માત્ર કારણ એવું જણાવ્યું છે કે ઉદ્ધવ મહાવિકાસ અઘાડી હેઠળ હિંદુત્વથી દૂર જતા હતા. ભારતીય જનતા પક્ષે બતાવવાનું હતું કે તેણે હિંદુત્વ માટે શિવસેનાને ટોચના સ્થાને જવામાં મદદ કરી હતી. એનો અર્થ એ જ થતો હતો કે ફડણવીસે માત્ર નાયબ મુખ્યમંત્રી બનવાનું હતું. અલબત્ત, તેનાથી ફડણવીસ માટે શિંદેના હાથ નીચેના પદ પર કામ કરવાનું ખંચકાટભર્યું લાગે, પણ નહીં લાગવું જોઇએ. ફડણવીસનું મૂલ્ય ઓછું નહીં આંકવું જોઇએ. શિંદેને મુખ્યમંત્રી બનાવી ભારતીય જનતા પક્ષ એક કાંકરે અનેક પક્ષીઓને મારવાનો પ્રયાસ કરે છે. તેણે મરાઠા પત્તું બરાબર ઉતર્યું છે. શરદ પવાર પણ કંઇ કહી શકે તેમ નથી. તેમનું મરાઠા પત્તું હવે કામ નહીં કરે, કારણ કે ભારતીય જનતા પક્ષે એક બ્રાહ્મણ ફડણવીસને નહીં, પણ શિવસેનાના મરાઠા નેતાને મુખ્યમંત્રીની ખુરશી પર બેસાડયો છે.

મહારાષ્ટ્ર વિધાનસભાના ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ પણ એક મરાઠા છે- કોલાબાના ધારાસભ્ય રાહુલ નર્વેકર. જુદા જુદા પક્ષોની મરાઠા લોબી રાજી થઇ જશે અને નવી વ્યવસ્થાને અસ્થિર કરવાની કોશિશ નહીં કરે. તેઓ કહેતા હતા કે ફડણવીસની સત્તાલાલસાને કારણે શિવસેનાની દાઢીમાં હાથ નાંખવો પડયો હતો. ભારતીય જનતા પક્ષમાં પણ ફડણવીસવિરોધી તત્ત્વો હતાં, જેઓ કહેતા હતા કે ફડણવીસની જીદને કારણે 2019 માં શિવસેના અને ભારતીય જનતા પક્ષમાં ભાગલા પડયા હતા. બીજું કે શિંદે મુખ્ય મંત્રી બનતા સેનાના બળવાખોર ધારાસભ્યો હવે ભારતીય જનતા પક્ષ સાથેનું જોડાણ છોડવા નહીં લલચાય. આખરે શિંદે મુખ્યમંત્રી બનતાં તેઓ છેલ્લાં અઢી વર્ષના સરકારવિરોધી મુદ્દાઓનો સામનો કરશે અન્યથા આ ભાર ફડણવીસના ખભા પર પડયો હોત. ફડણવીસે મુખ્યમંત્રીના પદ માટે ઇન્કાર કરતા ભરતીય જનતા પક્ષે ઉદ્ધવના એવા આક્ષેપનો જવાબ આપ્યો છે કે ફડણવીસે ભારતીય જનતા પક્ષના કહેવાથી શિવસેનાની પીઠમાં ખંજર ભોંકયું છે. એક શિવ સૈનિકને મુખ્યમંત્રીપદ પર બેસાડી બાલા સાહેબનું એ સ્વપ્ન પૂરું કરી દીધું છે.

સાચી શિવસેના કઇ છે તે સવાલનો જવાબ મેળવવાનો છે તે સમયે ભારતીય જનતા પક્ષે શિંદેને મુખ્યમંત્રીપદે બેસાડયા છે. શિંદે ઉદ્ધવવિરોધી ધારાસભ્યોને સહેલાઇથી આકર્ષી શકે. 2019 ની ચૂંટણીમાં ફડણવીસને પોતાની સરકાર જીતવાનો એટલો વિશ્વાસ હતો કે તેમણે સૂત્ર આપ્યું હતું કે હું પાછો આવીશ. (મુખ્યમંત્રી તરીકે) આ જ સૂત્ર હવે ફડણવીસની ઠેકડી ઉડાવશે. છતાં તેઓ ભારતીય જનતા પક્ષ અને મહારાષ્ટ્ર માટે ચાવીરૂપ ખેલાડી નીવડશે. તેઓ એક એવા ધીરજવાન નેતા છે જેઓ તમામ ક્ષેત્રોના ધારાસભ્યોનો ટેકો પ્રાપ્ત ધરાવે છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top