Columns

વેલકમ ટુ જિંદગી !

બરસો રે મેઘા બરસો રે મેઘા બરસો…!’ છેલ્લા બે દિવસથી સતત વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે પણ યામીને તો જલસા થઈ ગયા છે. એની જોબ જ એવી છે એટલે રજાની તો વાત જ જવા દો. સતત કામ કામ અને કામ પણ વરસાદે એને ઓફિસમાંથી બે દિવસની રજા અપાવી દીધી. આમ તો જો કે આ ઘર પહેલાં એને ગમ્યું ન હતું. શહરેથી દૂર એટલે આછી વસ્તી અને એમાં હરીફરીને એક બે દુકાનો એટલે જીવન જરૂરિયાતની વસ્તુ લેવામાં ભારે હાલાકી પડે એટલે જ્યારે રુષભે આ જગ્યાએ મકાન લેવાની વાત કરી ત્યારે એણે ચોખ્ખીચણાક ના પાડી દીધી. ‘ના…ભાઈ મારે એટલે દૂર રહેવા જવું નથી.’ ‘અરે પણ તું એક વાર જો તો ખરી. પછી ન ગમે તો ના પાડી દેજે.’

રુષભના આગ્રહના કારણે એ રવિવારે માંડમાંડ છ વાગે ઓફિસથી નીકળીને ડાયરેક્ટ અહીં  પહોંચી હતી. ત્રીજા માળે ફલેટ હતો અને તેમાં 3 બેડરૂમ સાથે 1000 ફૂટની અગાશી. રુષભને આ અગાશી જ બહુ ગમી હતી એટલે જ એણે યામીને આ ઘર જોવા આગ્રહ કર્યો. યામીને ઘર ખૂબ ગમી ગયું. મોટી મોટી બારી અને ત્યાંથી ત્રણ બાજુના રસ્તા દેખાય. એ બારી પાસે હીંચકો નાંખી દીધો હોય તો રજાના દિવસે ત્યાં બેસીને ઝૂલ્યા કરવાની કેવી મજા આવે! બસ સાથે કોફીનો કપ અને ગાર્લિક બ્રેડ. મજા પડી જાય!

યામીએ આ મકાનને ઘર બનાવવાની હા પાડી દીધી. ગયા વર્ષે દિવાળીમાં રહેવા આવ્યાં એટલે વરસાદની સિઝન પૂરી થઈ ગઈ હતી. તેથી આ વરસે યામીને વરસાદની રાહ હતી. એમાં પણ વરસાદ ખેંચાયો એટલે યામી રોજ ત્રણ રસ્તા પરની ક્ષિતિજ તરફ મીટ માંડીને વરસાદી વાદળની રાહ જોયા કરતી. ઓફિસથી આવીને પહેલાં બારીમાં ઊભી રહેતી. ચમકતા તારા જોઈને અમસ્તો આનંદ થતો પણ આ વર્ષે એની અપેક્ષા બીજી હતી એટલે તારા જોઈને એનું મોં પડી જતું.

બહુ દિવસ રાહ જોયા પછી એણે આકાશ તરફ મીટ માંડવાનું જ બંધ કરી દીધું હતું. અષાઢી બીજ આવી ને ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો દિવસ આવ્યો એટલે એ દિવસે એણે ઓફિસ વહેલું જવું પડે. નહિતર રસ્તા બંધ થઈ જાય. યામી રોજ કરતાં વહેલી ઊઠી હતી. ઊઠીને જોયું તો રસ્તા પર પાણી. વરસાદ દેમાર ચાલુ હતો. બધું જ ભૂલીને એ કોફી બનાવી હિંચકે બેઠી. હાથમાં કોફીનો કપ અને આકાશમાંથી વરસતું અમૃત. બેમાંથી કોનો સ્વાદ બહેતર છે તે નક્કી કરવું મુશ્કેલ થઈ જાય. યામી કુદરત સાથે મનથી એકાકાર થઈ ગઈ હતી અને એને રુષભના અવાજે ચોંકાવી દીધી, ‘અરે વરસાદ આવે છે ને તું અહીં બારીમાં બેઠી છે? ચાલ અગાશીમાં જઈએ.’

યામી હજુ હા-ના કરે તે પહેલાં તો રુષભે એને ઊંચકી લીધી. બન્નેએ અગાશીમાં નાહવાની મજા લીધી. રુષભે બહારથી જમવાનું ઓર્ડર કર્યું પણ વરસાદમાં આટલાં પાણી ભરાયાં હોય તો કોણ ડિલિવરી કરવા આવે? બન્નેએ સાથે રસોઈ બનાવી. જમ્યાં અને સૂઈ ગયાં. યામી બપોરે 4 વાગે ઊઠી ત્યારે રુષભ ન હતો. એણે મેસેજ છોડ્યો હતો કે એ ઓફિસ જાય છે. રસ્તા પર પાણી ભરાયાં છે એટલે યામીએ ન જવું તેવી ખાસ સૂચના લખી હતી.

યામી બેડ પર પડી રહી. કદાચ 5 વર્ષે આવો રજાનો દિવસ એને મળ્યો હતો. 5 વર્ષ પહેલાં લગ્ન થયા. એણે 15 દિવસની રજા ભોગવી હતી. હનીમૂન પરથી પાછા આવ્યાં કે તરત બીજા દિવસથી જોબ ચાલુ. બોસના એના પર 4 હાથ હતા કારણ કે એ બધું કામ ટકોરાબંધ કરતી. યામી પોતાના હાથ નીચે કામ કરતાં લોકો સાથે બહુ પ્રેમ, આદરથી વાતચીત કરતી, જેથી એની લોકપ્રિયતા અકબંધ હતી પણ જોબમાં એક જ વાતે એને વાંધો હતો કે રજા મળતી ન હતી. એ 25 વર્ષની હતી ત્યારે જોબ ચાલુ કરી હતી, અત્યારે એ 32 વર્ષની થઈ. આખો દિવસ આનંદમાં વિત્યો હોવા છતાં એને એ વિચારે ઉદાસ કરી દીધી કે જો આમ જ એ જોબ કરતી રહેશે તો ક્યારે જીવનની મજા માણશે?

લોકો કેટલું ફરતાં-હરતાં હોય છે! જ્યારે પોતે આટલું કમાય છે પણ ક્યાં કદી ફરવા જઇ શકી છે? રુષભ સમજદાર છે એટલે કશું કહેતો નથી પણ એને પણ ફરવાનું મન થતું હશે ને! એટલે રવિવારે યામીને ઓફિસ હોય તો એ મિત્રો સાથે બાઇક લઇને નીકળી પડે છે. નાની હતી ત્યારે એ કેટલું ફરી છે! પપ્પા દર વર્ષે એમને ફરવા લઇ જતાં. કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધીના પ્રવાસ કર્યા છે. તેથી જ કદાચ એ 6 વર્ષથી ફરી નથી છતાં આનંદમાં રહી છે પણ હવે એ 32ની થઈ. જીવનના આ તબક્કામાં કેટલાક નિર્ણય લેવાના છે. ફેમિલી પ્લાનિંગ અને પછી બહેતર રજા મળે તેવી જોબ. એટલીસ્ટ વર્ષે 30 દિવસ એને મળવા જોઈએ. જેથી એ ધારે તે કરી શકે. પોતાના પરિવાર સાથે જીવનનો આનંદ માણી શકે.

એણે સવારથી મોબાઈલ હાથમાં નહોતો લીધો. મોબાઈલ હાથમાં લીધો એ સાથે જ ઓફિસથી આવેલા 2-4 મિસ્ડકોલ્સ પર નજર પડી. એણે કશુંક વિચારીને ફોન કર્યો. સામેથી બોસનો અવાજ આવ્યો, ‘હેય યામી, શું થયું? આજે રજા?’ ‘યસ સર, બધે પાણી ભરાયાં છે એટલે નીકળી નહીં.’ ‘ઓકે….થોડાક મેઈલ કરવાના છે, તે જરા જોઈ લે ને!’ બોસે એને કામ સોંપી દીધું. ક્ષણ માટે યામીને કંટાળો આવી ગયો. આ તે કાંઇ માણસ છે કે મશીન?! જરાય શ્વાસ લેવાનો સમય નથી આપતો! ‘હેલો…હેલો…બેટરી લો સર!’ યામીએ ફોન કટ કરી દીધો.

બીજે દિવસે પણ ધોધમાર વરસાદ ચાલુ રહ્યો. યામીએ રુષભને રજા પડાવી દીધી. બાઇક પર બન્ને ફરવા નીકળ્યાં. નદી કિનારે વરસાદમાં પલળતાં પલળતાં ગરમ ગરમ મકાઇ ખાધી. લોંગ ડ્રાઈવ પર નીકળી પડ્યાં. હાઈ-વે પર ધાબામાં જમ્યાં. મોડી સાંજે પાછા ઘરે આવ્યાં. શરીર થાકથી ચૂર હતું પણ ફરવાની જે મજા આવી તેનો હરખ બન્નેના ચહેરા પર છલકાતો હતો. રાતે સૂવા સમયે યામી બોલી, ‘રુષભ, હું જોબ છોડી રહી છું. હવે એવી જોબ કરીશ જેમાં હું ધારું તેટલી રજા લઇ શકું.’ રુષભ ક્ષણ માટે એને આશ્ચર્ય અને આઘાતથી જોઈ રહ્યો પછી એને ભેટી પડ્યો. ‘હું રાહ જોતો હતો કે આ ક્ષણ ક્યારે આવે છે? વેલકમ ટુ જિંદગી!’

Most Popular

To Top