સુરત: મેટ્રો માટે શહેરમાં આડેધડ ખોદકામ કરી નાખ્યા બાદ તેને યોગ્ય રીતે પુરાણ નહીં કરવાની સાથે ગમે તેમ બેરિકેડિંગ કરવાને કારણે સુરત શહેરમાં વરસાદના પાણી ભરાઈ જવાની ઘટનામાં મેટ્રોના અધિકારીઓએ મનપા પર જ દોષારોપણ કરવાની ટેકનિક અપનાવી હતી.
- મેટ્રો દ્વારા આડેધડ બેરિકેડિંગ કરી દેવામાં આવ્યું અને સાથે સાથે C એન્ડ D વેસ્ટ ગમે ત્યાં નાખી દેવાને કારણે ગટર લાઈન ચોકઅપ થઈ ગઈ
- મેટ્રોના અધિકારીનો એવો દાવો કે જ્યારે પાણી ભરાયા ત્યારે અમે સ્થળ તપાસ કરી અને અમને ક્યાંય એવું લાગ્યું નથી કે અમારા કારણે પાણી ભરાયા
- મેટ્રોની કામગીરી શહેરના માત્ર 0.5 ટકા રસ્તા જ ચાલી રહી છે, અન્ય રસ્તાઓ પર પાણી ભરાયા તેનું શું તેવો મેટ્રોનો દાવો પણ હકીકતમાં
મેટ્રોએ એવો ખુલાસો કર્યો હતો કે મેટ્રો રૂટ પર માત્ર 0.5 ટકા રસ્તા પર જ પાણી ભરાયા, જ્યારે શહેરના અન્ય રસ્તાઓ પર પાણી ભરાયા તેનું શું? મેટ્રોના અધિકારીઓએ પોતાની જાતને સાચી સાબિત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ સાથે સાથે એ પણ હકીકત છે કે મેટ્રોના જે રૂટ પર પાણી ભરાયા ત્યાં ભૂતકાળમાં ક્યારેય પાણી ભરાયા નથી. મેટ્રોની કામગીરી બાદ જ પાણી ભરાયા છે.
સુરતમાં તાજેતરમાં વરસાદને કારણે પાણી ભરાયા અને તેમાં પણ ખાસ કરીને મેટ્રો માટેની કામગીરી જ્યાં ચાલી રહી છે ત્યાં પાણી ભરાતા સુરત મનપા તંત્ર અને મેટ્રોની સંયુક્ત મીટિંગ થઈ હતી અને સુરત મનપાના પદાધિકારીઓ અને મનપા કમિશનર મેટ્રોના અધિકારીઓ સામે લાલઘુમ થયા હતા. શહેરમાં જે વિસ્તારોમાં મેટ્રોના બેરીકેટ લાગ્યા છે તેના કારણે પાણીનો ભરાવો થયો હતો તેમજ મેટ્રો દ્વારા સીએન્ડડી વેસ્ટનો નિકાલ ન કરાયો હોય, મનપાની સ્ટ્રોમમાં તેનો ભરાવો થતા પાણી ભરાવાની સમસ્યા થઈ હોવાનું મનપા તંત્રએ જણાવ્યું હતું.
મનપાના આ આક્ષેપોનો મેટ્રો દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો. જેમાં મેટ્રોના ઈન્ચાર્જ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર નરેન્દ્ર લોહીયાએ એવું જણાવ્યું હતું કે, શહેરના કુલ રસ્તાઓમાં મેટ્રોના બેરિકેડ છે તેવા રસ્તાઓ એકદમ ઓછી માત્રામાં છે, જયારે શહેરના મોટા ભાગના રસ્તાઓ પર પાણી ભરાયા હોય, તેમાં મેટ્રોની ભુલ નથી. મેટ્રોના અધિકારી દ્વારા તો ખુલાસો કરીને છૂટી જવાનો પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ હકીકત એ છે કે મેટ્રોની કામગીરી જ્યાં ચાલી રહી છે તે રસ્તા પર ભૂતકાળમાં પાણી ભરાયા નથી. ત્યારે હાલમાં પાણી કેવી રીતે ભરાયા ??
મેટ્રોના સીએન્ડ ડી વેસ્ટને કારણે વરસાદી ગટરો ચોકઅપ થઈ જવાથી અડાજણ, પાલ, કતારગામ, વેસુ, પીપલોદ જેવા વિસ્તારોમાં ઘૂંટણસમું અને કેટલીક જગ્યાએ ગળાસમું પાણી ભરાયું હતું, જેના કારણે વાહનવ્યવહાર ખોરંભે થયો અને લોકોને ઘરોમાંથી બહાર નીકળવું મુશ્કેલ બન્યું. રઘુકુલ માર્કેટ જેવા વેપારી વિસ્તારોમાં પાણી ઘૂસતાં વેપારીઓને કરોડોનું નુકસાન થયું, ખાસ કરીને જ્યાંથી મેટ્રોના કામ ચાલુ છે તે લંબેહનુમાન રોડ, રીંગરોડ, મજુરા ગેટ, કાદરશાની નાળ, એલપી સવાણી રોડ વગેરે જગ્યાએ પાણી ભરાવાની સાથે કાદવ-કિચડજનું સામ્રાજ્ય પણ છવાઈ જવા પામ્યું છે.
મેટ્રોના બેરિકેડિંગ અને Cએન્ડ D વેસ્ટને કારણે સુરતમાં પાણી ભરાયા
સુરત મનપા તંત્રએ દાવો કર્યો છે કે શહેરમાં ભારે વરસાદ બાદ થયેલા પાણી ભરાવાનું મુખ્ય કારણ મેટ્રો રેલ પ્રોજેક્ટનું બાંધકામ છે. મનપા કમિશનર અને પદાધિકારીઓએ મેટ્રોના અધિકારીઓ સામે નારાજગી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, મેટ્રોના બેરિકેડ્સ અને બાંધકામ દરમિયાન ઉત્પન્ન થયેલા C&D (કન્સ્ટ્રક્શન એન્ડ ડિમોલિશન) વેસ્ટનો યોગ્ય નિકાલ ન થવાને કારણે શહેરની સ્ટોર્મ ડ્રેનેજ સિસ્ટમમાં અવરોધ ઉભો થયો, જેના પરિણામે પાણી ભરાવાની સમસ્યા વધી. ખાસ કરીને ખાડીની નજીકના વિસ્તારોમાં ડ્રેનેજ સિસ્ટમ ઓવરફ્લો થતાં પાણી રસ્તાઓ અને બજારોમાં ઘૂસી ગયું, જેનાથી રઘુકુલ માર્કેટ જેવા વેપારી વિસ્તારોમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું.
મેટ્રોના બેરિકેડિંગનો હિસ્સો માત્ર 0.5 ટકા જ છે તેવો મેટ્રોના અધિકારીનો દાવો
મેટ્રો રેલ પ્રોજેક્ટના ઈન્ચાર્જ એક્ઝિક્યુટિવ ડિરેકટર નરેન્દ્ર લોહીયાએ જણાવ્યું હતું કે, 40.6 કિલોમીટરના મેટ્રો પ્રોજેક્ટમાંથી હાલ 16.4 કિલોમીટર વિસ્તારમાં જ બેરિકેડ છે, જે શહેરના કુલ 4000 કિલોમીટરના રોડના માત્ર 0.5 ટકા હિસ્સો છે. એટલે કે, પાણી ભરાવાને માટે મેટ્રોના બેરિકેડને જવાબદાર ગણાવી શકાય નહીં, કારણ કે જ્યાં બેરિકેડ નથી ત્યાં પણ પાણી ભરાયું હતું. લોહિયાએ ઉમેર્યું કે, 23 જૂનના ધોધમાર વરસાદ બાદ મેટ્રોની ટીમે સ્થળનું નિરીક્ષણ કર્યું હતું અને મજુરા ગેટથી ભેંસાણ ડેપો સુધીના વિસ્તારમાં પાણી ભરાવાનું કારણ બેરિકેડ ન હોવાનું જણાયું હતું. મેટ્રો તંત્રએ જણાવ્યું કે, વરસાદની સીઝનને કારણે બ્રિજ પરથી પડતું પાણી રસ્તાઓને નુકસાન પહોંચાડી રહ્યું છે, જેનું રિપેરિંગ તબક્કાવાર કરવામાં આવશે. ડ્રેનેજ લાઈનોમાં થયેલી ક્ષતિનું પણ સમારકામ ચાલી રહ્યું છે. જોકે, સતત વરસાદને કારણે ડ્રાય ડે મળે ત્યારે જ રોડ રિપેરિંગનું કામ શરૂ થશે.
મેટ્રો સ્ટેશનના સ્થળે બ્રિજ પરથી પાણી પડતા રસ્તાઓ ડેમેજ થયાનો દાવો
મેટ્રો તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ગત તા. 23 જુને શહેરમાં ધોધમાર વરસાદ થયો હતો ત્યારે મેટ્રોની ટીમ સ્થળ પર ગઈ હતી ત્યાં ડ્રીમસિટીથી મજુરા ગેટના વિસ્તારમાં મેટ્રોના બેરિકેડને કારણે વોટર લોગિંગ થયું હોય તેમ જણાયું ન હતું. મજુરાગેટથી ભેંસાણ ડેપો તરફ પાણી ભરાવો થયો હતો. તે દિવસ બાદ મેટ્રોની ટીમ દ્વારા સ્થળ પર સતત ઈન્સ્પેક્શન કરવામાં આવી રહ્યું છે. અને 23 મી જુન બાદ શહેરમાં સતત વરસાદ થઈ રહ્યો છે જેથી જ્યારે પણ ડ્રાય ડે મળશે ત્યારે મેટ્રોની ટીમ દ્વારા રોડ રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવશે. તેમજ જ્યાં જ્યા મેટ્રોના સ્ટેશન બની રહ્યા છે ત્યા હાલ વરસાદની સીઝન હોવાના કારણે બ્રિજ પરથી સતત પાણી રોડ પર પડી રહ્યું છે. જેથી રસ્તાઓ ડેમેજ થયા છે તે તબક્કાવાર મેટ્રોની ટીમ દ્વારા રીપેર કરવામાં આવશે. વધુમાં તેઓએ ઉમેર્યુ હતું કે, મેટ્રોની કામગીરી દરમિયાન જે પાણી અને ડ્રેનેજની લાઈનમાં ક્ષતિ થાય ત્યાં રિપેરિંગ કરવામાં આવી રહ્યું છે.
મેટ્રો દ્વારા એવી રીતે બેરિકેડિંગ કરાયા છે કે પાણી નહીં ભરાય તેવો મેટ્રોના અધિકારીનો પોકળ જવાબ
જ્યાં ભૂતકાળમાં પાણી ક્યારેય ભરાયા નથી તેવા વિસ્તારોમાં મેટ્રોની કામગીરીને કારણે પાણી ભરાયાનો મેટ્રોના અધિકારી દ્વારા પોકળ જવાબ આપવામાં આવ્યો હતો. મેટ્રોના અધિકારી નરેન્દ્ર લોહીયાએ જણાવ્યું હતું કે, મેટ્રો દ્વારા એવી રીતે બેરિકેડિંગ કરવામાં આવે છે કે નીચેથી પાણી પસાર થઇ શકે. આ કારણે બેરિકેડિંગથી પાણી ભરાઈ જવાનું શક્ય નથી. પાણી ભરાવાનું કારણ બીજું જ હોય શકે, કોઇ ચોકકસ જગ્યાએ આવું થયું હોય તો અમે તપાસ કરીશુ, ઉપરાંત હવે દર 15 દિવસે મનપા અને મેટ્રોના અધિકારીઓ સંયુકત રાઉન્ડ લેશે તેવી વ્યવસ્થા પણ ઉભી કરીશું. અમે છ લાખ ક્યુબિક મીટર કન્સ્ટ્રકશન વેસ્ટ તો ખસેડી નાખ્યું છે. જેથી આ વેસ્ટને કારણે પાણી ભરાય તેવી સંભાવના નથી.
