Columns

સીડીએસ બિપિન રાવતનું મૃત્યુ દુર્ઘટનાને કારણે થયું કે તે કોઈ કાવતરું હતું?

કોઈ પણ ગંભીર દુર્ઘટના બને કે જેમાં કોઈ મહાનુભાવનું અચાનક મરણ થાય ત્યારે જાતજાતની કોન્સ્પિરસી થિયરીઓ હવામાં ફરકવા લાગતી હોય છે. કટોકટી દરમિયાન સંજય ગાંધીનું વિમાની દુર્ઘટનામાં મરણ થયું ત્યારે આવી થિયરીનો પ્રચાર થયો હતો. કેટલાક લોકો આજે પણ માને છે કે સંજય ગાંધીની હત્યા કરવામાં આવી હતી. તે માટે તેઓ જે વિમાન ઉડાડવાના હતા તેમાં ભાંગફોડ કરવામાં આવી હતી. ભારતના ટોચના અણુવિજ્ઞાની વિક્રમ સારાભાઈ ૧૯૭૧ના ડિસેમ્બરમાં કેરળના કોવાલમ બીચના રિસોર્ટમાં ગુજરી ગયા તેને પણ કેટલાક લોકો કાવતરું ગણાવે છે. ભારતના બીજા વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીજી રશિયાના તાશ્કંદમાં મરણ પામ્યા તેના પાછળ પણ કેટલાક લોકોને કે.જી.બીનાં કાવતરાંની ગંધ આવી હતી. લાલ બહાદુર શાસ્ત્રીના મૃતદેહને ભારત લાવવામાં આવ્યો તે પછી તેમનું પોસ્ટ મોર્ટમ પણ કરવામાં આવ્યું નહોતું. તેવી જ રીતે સીડીસી બિપિન રાવતના મરણને કેટલાક લોકો કાવતરાંનો ભાગ ગણાવી રહ્યા છે.

જનરલ બિપિન રાવતને લઈ જતું હેલિકોપ્ટર કુન્નુરની પહાડીઓમાં તૂટી પડ્યું તેના સમાચાર આવ્યા કે થોડી વારમાં જાતજાતની કોન્સ્પિરસી થિયરીઓ સોશિયલ મીડિયામાં વહેતી થઈ ગઈ હતી. એક થિયરી મુજબ બે દિવસ પહેલાં જ જનરલ રાવતે બાયોલોજિકલ વોરફેર માટે તૈયાર રહેવાની ચેતવણી આપી હતી. કેટલાક લોકો માને છે કે આ ચેતવણી ચીનને ઉદ્દેશીને આપવામાં આવી હતી. કોરોના વાયરસ પણ ચીનના વુહાનની લેબોરેટરીમાંથી જ છોડવામાં આવ્યો છે. કાવતરું જોનારા લોકો કહે છે કે ચીન ભારત અને તેના પડોશી દેશો સામે જૈવિક યુદ્ધ છેડવાની તૈયારી કરી રહ્યું છે. તેનો અંદાજ જનરલ રાવતને આવી ગયો હોવાથી તેમની હત્યા કરી નાખવામાં આવી હતી. જનરલ રાવતના હેલિકોપ્ટરની દુર્ઘટના માટે ટેકનિકલ ખામી જવાબદાર હોવાનું જણાય છે. આ ટેકનિકલ ખામી માટે જાસૂસી સંસ્થા દ્વારા મિકેનિકને ફોડી કાઢવામાં આવ્યો હોઈ શકે છે.

જનરલ બિપિન રાવતની દુર્ઘટના પછી તરત ભૂતપૂર્વ બ્રિગેડિયર સુધીર સાવંતે આક્ષેપ કર્યો હતો કે આ કોઈ કાવતરું છે. તેમનો તર્ક એવો છે કે સંરક્ષણ સેનાના વડાઓ અને રાજકીય નેતાઓ જે હેલિકોપ્ટરોમાં પ્રવાસ કરતા હોય છે તે ટેકનિકલ દૃષ્ટિએ અત્યંત નક્કર હોય છે. તેના દુર્ઘટનાગ્રસ્ત હોવાની કોઈ સંભાવના જ રહેતી નથી. સુધીર સાવંત માને છે કે જનરલ રાવતની દુર્ઘટના પાછળ તમિળ ટાઇગર્સનો હાથ હોઈ શકે છે, જેમણે શ્રીમતી ઇન્દિરા ગાંધીની હત્યા કરી હતી. તેમના કહેવા મુજબ દક્ષિણ ભારતમાં તમિળ ટાઇગર્સના સ્લિપર સેલ્સ આજે પણ સક્રિય છે. સંભવ છે કે કોઈ મહાસત્તા દ્વારા તમિળ ટાઇગર્સને સોપારી આપીને હત્યા કરાવી દેવામાં આવી હોય. ભૂતપૂર્વ બ્રિગેડિયર સુધીર સાવંતે આ દુર્ઘટનાની ઉચ્ચ સ્તરે તપાસની માગણી પણ કરી છે.

Cds Bipin Rawat Helicopter Crash: Three Important Reasons That Lead To  Mi-17 V5 Helicopter Crash - Cds Bipin Rawat Helicopter Crash: ये हैं वे तीन  कारण, जो Mi-17v5 की भरोसेमंद तकनीक और

કુન્નુરમાં રહેતા ભારતીય વાયુસેનાના ભૂતપૂર્વ સૈનિક હવીલદાર આર. સુરેશ કુમારને પણ આ દુર્ઘટનામાં કોઈ કાવતરાંની ગંધ આવે છે. તેમણે સિયાચીન અને લડાખ જેવા વિસ્તારોમાં લશ્કરને અનાજ પહોંચાડવા માટે હેલિકોપ્ટરો ઉડાડ્યા હતા. તેમના કહેવા મુજબ વેલિંગ્ટનના આર્મી સેન્ટર પર કોઈ પણ હેલિકોપ્ટર આવતું હોય ત્યારે તે ઊટી-કોઈમ્બતુર હાઇવેની પશ્ચિમે કુન્નુર શહેર પરથી પસાર થતું હોય છે. હેલિપેડ પર જે સૈનિકો હાજર હોય તેઓ તેને લેન્ડિંગ માટે ગ્રીન સિગ્નલ આપતા હોય છે. બુધવારે જનરલ બિપિન રાવતને લઈ જતાં હેલિકોપ્ટરે ભેદી રીતે આર્મી સેન્ટર પર જવા માટે કુન્નુર ખીણનો રસ્તો લીધો હતો. આ ખીણ ધુમ્મસથી આચ્છાદિત હતી. આર. સુરેશ સવાલ કરે છે કે પાઇલોટને આ રસ્તો લેવાની સલાહ કોણે આપી? વળી જનરલ રાવતને લઈ જતા હેલિકોપ્ટરમાં કોઈ ટેકનિકલ ક્ષતિ સર્જાઈ હોય તેવી માહિતી પણ આપવામાં આવી નથી.

કુન્નુરના સિટીઝન્સ ફોરમના મંત્રી રાજેશ કુમાર જેમ્સ કહે છે કે કુન્નુરના આકાશમાં લશ્કરના હેલિકોપ્ટરો નિયમિત ઉડતા હોય છે. જ્યારે કોઈ પણ વીવીઆઈપીનું હેલિકોપ્ટર ઉડવાનું હોય ત્યારે હવામાનવિષયક મંજૂરી અનિવાર્ય હોય છે. જો વાતાવરણ ધૂંધળું હોય તો વીવીઆઈપીને રોડ દ્વારા મુસાફરી કરવાની સલાહ આપવામાં આવે છે. બુધવારે કુન્નુરની આબોહવા ધુમ્મસવાળી હતી; તો પણ જનરલ બિપિન રાવતના હેલિકોપ્ટરને ખીણમાં ઉડવાની પરવાનગી આપવામાં આવી હતી. આ પરવાનગી કોના દ્વારા આપવામાં આવી? તેની તપાસ કરવાની જરૂર છે. બુધવારે ખરાબ હવામાનને કારણે બીજાં બે હેલિકોપ્ટરોને પાછા વાળવામાં આવ્યાં હતાં. આ સંયોગોમાં પાઈલોટ અને વેલિંગ્ટનના એર બેઝ વચ્ચે કોઈ સંદેશવ્યવહાર થયો હોય તો તે જાણવો જરૂરી છે.

હજુ બે દિવસ પહેલાં જ દિલ્હીમાં બિમસ્ટેક (બાંગ્લા દેશ, ભૂતાન, ભારત, નેપાળ, શ્રીલંકા, મ્યાનમાર અને થાઇલેન્ડ) ના દેશોની બેઠક પેનેક્સ ૨૧ના નેજા હેઠળ મળી હતી. તેમાં આવનારી કુદરતી તેમ જ માનવસર્જિત આફતો સામે તૈયારી બાબતમાં ચર્ચા કરવામાં આવી હતી. જનરલ બિપિન રાવતે તેમાં વક્તવ્ય આપતાં કહ્યું હતું કે ‘‘જૈવિક યુદ્ધ એક નવા પ્રકારનું યુદ્ધ છે. જો તેવું યુદ્ધ આકાર ધારણ કરી રહ્યું હોય તો બિમસ્ટેકના દેશોએ તે માટે તૈયાર રહેવું જોઈએ અને આપણા દેશ ઉપર વિષાણુઓ તેમ જ રોગોનો હુમલો ન થાય, તેનું ધ્યાન રાખવું જોઈએ. જો કોરોના જેવી કોઈ મહામારી ફાટી નીકળે તો લશ્કરે પણ નાગરિકોની મદદ કરવા તૈયાર રહેવું જોઈએ.’’ જે દેશ ભારત સામે જૈવિક યુદ્ધ છેડવાની તૈયારી કરી રહ્યો હોય તેને આ વિધાન ખટક્યું હોય તેવું બની શકે છે.

જનરલ બિપિન રાવત જે હેલિકોપ્ટરમાં મુસાફરી કરી રહ્યા હતા તે  Mi17V5 રશિયન બનાવટનું અદ્યતન હેલિકોપ્ટર છે. તે ભારતીય લશ્કરમાં ૨૦૧૨ની સાલથી વપરાય છે. તેમાં વેધર રડાર ઉપરાંત નાઇટ વીઝન કેમેરા પણ મૂકવામાં આવ્યા હોય છે. તેમાં ઓટો પાઇલોટની પણ સવલત હોય છે. તેમાં હીટસીકર મિઝાઇલનો પણ મુકાબલો કરવાની ક્ષમતા હોય છે.

New Video Captures CDS Gen Bipin Rawat Helicopter Moments Before The Crash  Watch

જો પાઈલોટ નિયમોનું બરાબર પાલન કરે તો તેનો અકસ્માત થવાની સંભાવના બહુ ઓછી છે. જોકે નજીકના ભૂતકાળમાં આ હેલિકોપ્ટરના અકસ્માતની ઘટનાઓ બની છે. આ ઘટના નજરે જોનારા લોકોના કહેવા મુજબ હેલિકોપ્ટર તૂટી પડ્યું તે પહેલા પ્રચંડ ધડાકો સાંભળવા મળ્યો હતો. આ ધડાકો સૂચવે છે કે હેલિકોપ્ટરમાં બોમ્બ મૂકવામાં આવ્યો હોય તેવી પણ સંભાવના છે. આ બધાં રહસ્યોનો તાગ આ જીવલેણ દુર્ઘટનાની તળિયાઝાટક તપાસ કરવામાં આવે તો જ આવી શકે તેમ છે.

સામાન્ય રીતે કોઈ મોટા નેતા કે સેનાપતિનાં મરણની તપાસ માટે જે સમિતિ બેસાડવામાં આવતી હોય તેનો પૂરો હેવાલ ક્યારેય જાહેર કરવામાં આવતો નથી. નેતાજી સુભાષચંદ્ર બોઝનું મરણ ખરેખર વિમાન દુર્ઘટનામાં થયું હતું કે તેમને ગુમ કરવામાં આવ્યા હતા? તે સવાલનો જવાબ ત્રણ-ત્રણ તપાસ પંચો રચાયા તે પછી પણ મળ્યો નથી. લાલ બહાદુર શાસ્ત્રીજીની તાશ્કંદમાં ઝેર આપીને હત્યા કરી નાખવામાં આવી હતી કે તેમનું કુદરતી મરણ થયું હતું? તેનો પત્તો આજ દિન સુધી લાગ્યો નથી. ઇન્દિરા ગાંધીની હત્યા પાછળ ખાલિસ્તાનવાદીઓનો હાથ હતો કે તેમને કોઈ દ્વારા સોપારી આપવામાં આવી હતી? તે રહસ્ય આજ સુધી રહસ્ય જ છે. તેવી રીતે જનરલ બિપિન રાવતની દુર્ઘટના ખરેખર કોઈ કાવતરું હોય તો પણ આપણને તેની જાણ થવાની નથી.– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top