Dakshin Gujarat

વ્યારામાં બિલ્ડર નિશિષના હત્યારાઓ પાસે હત્યાની ઘટનાનું રિહર્સલ કરાવાયું, જોવા માટે લોકોના ટોળા ઉમટ્યાં

વ્યારા: (Vyara) વ્યારામાં ખૌફનાક રીતે સરાજાહેર બિલ્ડરની હત્યા (Murder) કરનાર ચારેય હત્યારા ઝડપાઇ ગયા બાદ પોલીસે કોર્ટથી મેળવેલા ૧ જૂન સુધીના પોલીસ કસ્ટડી રિમાંડ દરમિયાન મંગળવારે આ હત્યારાઓ પાસે હત્યાની ઘટનાનું રિહર્સલ કરાવાયું હતું. અહીં હત્યારાઓને નિહાળવા લોકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યાં હતાં. બિલ્ડરની (Builder) હત્યા કઇ રીતે કરી એ સમગ્ર ઘટનાને પ્રત્યક્ષ નિહાળી હતી. આ બનાવની રાત્રે બિલ્ડર નિશિષ શાહ તરબૂચ લઈ પોતાના ઘરે જમવા માટે જઈ રહ્યો હતો. તે વેળાએ ચાર હત્યારાઓએ તલવાર સહિતના ઘાતકીય હથિયાર વડે બેરહેમીથી ૧૫ જેટલા ઘા ઝીંકી આ બિલ્ડરની ક્રૂર હત્યા કરી હતી. હાલ તો સોપારી આપનાર પકડાય નહીં ત્યાં સુધી હત્યાનું કારણ સ્પષ્ટ તારણ હાલ કાઢી શકાય નહીં.

  • તલવાર સહિતનાં તીક્ષ્ણ હથિયારથી બિલ્ડરને હત્યારાઓએ માત્ર ૨૦ સેકન્ડમાં જ રહેંસી નાંખ્યો હતો
  • સોપારી આપનાર પકડાય નહીં ત્યાં સુધી હત્યાનું કારણ સ્પષ્ટ તારણ હાલ કાઢી શકાય નહીં

વ્યારાના બિલ્ડર નિશિષ શાહની હત્યાની આ ઘટનાને ચારેય શખ્સોએ કઇ રીતે અંજામ આપ્યો હતો તે જાણવા આજે વ્યારા પોલીસે એલસીબી સાથે મળી હત્યારાઓને ઘટના સ્થળે લઇ જવાયા હતા. જાહેરમાં ઘાતકીય હત્યાનો જિલ્લામાં આ પ્રથમ બનાવ હોવાથી વ્યારા પંથકમાં આ હત્યાના આરોપીને જોવાની ઉત્સુકતા સાથે લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. તપાસનો સંપૂર્ણ મદાર હત્યાની સોપારી આપનાર નવીન ખટિક પર છે, પણ તે હાલ પકડાયો નથી. પકડાશે કે કેમ ? તેવી અનેક શંકા-કુશંકાઓ વચ્ચે હાલ બિલ્ડરની હત્યાનાં આ પ્રકરણમાં ખરેખર કિંગ મેકરની મુખ્ય ભૂમિકા ભજવનાર અને હત્યાની સોપારી લેનાર ગેંગ પર સૌની નજર ટકી છે.

હાલ હત્યામાં ઉપયોગમાં લેવાયેલાં તીક્ષ્ણ હથિયારો પોલીસે કબજે કર્યા કે કેમ ? તે કઈ હોટલથી લીધા હતા ? વ્યારાની એક હોટલ પરથી મેળવેલા સીસીટીવી કેમેરાએ કયા રહસ્ય પરથી પરદો ઉઠાવ્યો ? તે પણ હજુ બહાર આવ્યું નથી. ચાર હત્યારા પૈકી બે અને મદદ કરનારા અન્ય બે મળી કુલ છ આરોપી રિમાંડ પર છે. રિમાંડના પ્રથમ દિવસે જ હત્યા કરનાર ત્રીજો હત્યારો દેવા મરાઠી મુંબઈથી ઝડપાયા બાદ તેના બીજા દિવસે ચોથો હત્યારો મન્નુ માલીયા ઓરિસ્સાવાલા પણ ઝડપાઈ ગયો હતો. પણ બિલ્ડરની સોપારી આપનાર નવીન ખટિક હજુ પકડાયો નથી.

Most Popular

To Top