Dakshin Gujarat

વાપીમાં વડાપાઉની દુકાન ચલાવતા શખ્સ ઉપર લાકડા વડે હુમલો

વાપી : વાપીના (Vapi) ઝંડાચોકમાં ગુજરાતી સ્કૂલ (Gujarati School) પાસે વડાપાઉની (VadaPav) દુકાન ચલાવતા શખ્સને જૂની અદાવતમાં કબ્રસ્તાન રોડ ઉપર રહેતા ત્રણ શખ્સોએ માર માર્યો હતો. વચ્ચે બચાવવા પડેલા શખ્સને પણ લાકડા વડે માર મારતા બંનેને સારવાર માટે હોસ્પિટલમાં (Hospital) લઈ જવા પડ્યા હતા.

વાપીના ઝંડાચોક પર વડા પાઉની દુકાન ચલાવતા કૃણાલભાઈ અજયભાઈ ધો.પટેલ જે ચલા ચોકી ફળિયામાં રહે છે. ચલા ચોકી ફળિયામાં કૃણાલભાઈના પિતાનું અવસાન થયું હોય ઘરે બધા ભજન કિર્તન કરતા હોવાથી ચા પીવડાવવા માટે દુધ લેવા માટે એસટી ડેપો તરફ કૃણાલભાઈ જતો હતો ત્યારે કબ્રસ્તાન રોડ ઉપર રહેતા ત્રણ શખ્સો સુફીયા, યુનુસ પઠાણ તથા શાહનવાઝ જૂની અદાવતમાં કૃણાલભાઈને રોકીને તેને માર મારવા લાગ્યા હતા. લાકડાથી પણ માર માર્યો હતો. ત્યારે કૃણાલભાઈના સંબંધી છોડાવવા માટે વચ્ચે પડતા તેમને પણ લાકડાથી મારવા લાગ્યા હતા.

બંનેને ઈજા થઈ હોવાથી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. માર મારવા માટનું કારણ એવું બતાવવામાં આવે છે કે કૃણાલભાઈના મોટા પપ્પાનું અવસાન થયું હતું ત્યારે રાત્રે ઘરે ભજન કિર્તન કરતા હતા ત્યારે આ ત્રણ જણા ગાળો બોલતા હોવાથી કૃણાલભાઈએ તેમને એવું નહીં કરવા તથા ત્યાંથી જતા રહેવા કહ્યું હતું. તેની અદાવત રાખીને માર માર્યો હોવાનું જાણવા મળે છે. વાપી ટાઉન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

“તું ડાકણ છે, તને નહીં છોડીએ” કહી સોનગઢમાં અસ્થિર મગજની મહિલા પર દાતરડાથી હુમલો
વ્યારા: તાપી જિલ્લામાં આદિવાસી બહુલક વસતી ધરાવતા ગ્રામીણ વિસ્તારોમાં હજી પણ અંધશ્રદ્ધાના કિસ્સા સામે આવી રહ્યા છે. આવી જ એક ઘટના સોનગઢ તાલુકાના પોખરણ ગામેથી સામે આવી છે, જ્યાં ડાકણનો વહેમ રાખી દાતરડાના ઘા મારી મહિલા પર જીવલેણ હુમલો કર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. હાલ આધેડ મહિલાની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

સોનગઢ તાલુકાના પોખરણ ગામના પીંપળા ફળિયામાં રહેતાં રાજુબેન કરીયાભાઇ ગામીત તથા મિનાક્ષી સંજય ગામીતે પાડોશમાં રહેતી આધેડ મહિલા નીરૂ રામુ ગામીત પર ડાકણનો વહેમ રાખી દાતરડા વડે હુમલો કર્યો હતો. તેના બંને હાથમાં દાતરડાના ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા. આ બંને મહિલાઓ “તું ડાકણ છે, આજે તને નહીં છોડીએ” તેમ કહી આધેડ મહિલાને બેરહેમીથી માર મારતી હતી. તેની ચિચિયારીઓ સાંભળી તેની વહુ માર્થા સતીષ ગામીત ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તેને જોઇ આ બંને મહિલા ત્યાંથી ભાગી છૂટી હતી. માર્થા સાસુ નીરૂબેનને બંને હાથે લોહી નીકળતું હોય તેમજ ગળાના ભાગે કાન નીચે ઇજા થઈ હોવાથી ૧૦૮માં તાત્કાલિક સોનગઢ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગઈ હતી.

માર્થાના જણાવ્યા મુજબ તેની સાસુ નીરૂ છેલ્લાં ચારેક વર્ષથી અસ્થિર મગજની હોવાથી પોતે શું બોલે છે તેની તેમને જ ખબર રહેતી ન હતી. ઘરની જગ્યા બાબતે રાજુબેન તથા મિનાક્ષી તેમની સાસુ સાથે અવારનવાર ઝઘડો કરતાં હતાં. તેમજ તેમની સાસુ અસ્થિર મગજની હોય, તેને ડાકણનો વહેમ રાખતા આવ્યાં છે. ગત તા. ૧૨/૧૦/૨૦૨૨ના રોજ બપોરના આશરે બારેક વાગ્યે રાજુબેન તથા મિનાક્ષી દાતરડા લઇ નીરૂબેન પર તૂટી પડ્યાં હતાં. જેમાં તેઓને બંને હાથે તથા ગળાના ભાગે ઇજા થઈ હતી. તું ડાકણ છે, તને આજે નહીં છોડીએ તેમ કહી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હોવાથી આ બંને હુમલાખોર મહિલાઓ વિરુદ્ધ માર્થાબેને પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

Most Popular

To Top