Dakshin Gujarat

એક બેડું પાણી માટે જીવના જોખમે કૂવામાં ઉતરતી મહિલાઓ, અહીં કોઈ બાપ પોતાની દિકરી પરણાવવા તૈયાર નથી

વલસાડ: (Valsad) વલસાડના અંતરિયાળ કપરાડા તાલુકાનું મોટી પલસાણ ગામ આગળ આવેલા કરનજલી ફળિયામાં રહેતા લોકો પીવાના પાણીની ગંભીર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અહીં ટેન્કર દ્વારા પાણી (Water) આપવાની આવશ્યકતા રહેલી છે. આ ફળિયામાં રહેતા યુવાન સાથે કોઈપણ બાપ તેની પુત્રીના લગ્ન (Daughter Marriage) કરાવતો નથી. પાણીની આવી જટિલ સમસ્યા લોકો માટે આફતરૂપ બની ગઈ છે. એક બેડું પાણી મેળવવા માટે જીવના જોખમે મહિલાએ દોરડા વડે કૂવામાં (Well) ઉતરવું પડે છે. તેમ છતાં પણ તેઓને પાણી નસીબ થતું નથી.

  • અસ્ટોલ ગામના કરનજલી ફળિયાના યુવાનો સાથે કોઈ બાપ તેની દિકરીને પરણાવવા તૈયાર નથી
  • કપરાડાના અંતરિયાળ ગામોમાં પીવાના પાણીની વિકટ સમસ્યા

કપરાડા તાલુકામાં 650 કરોડની અસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજના મંદગતિએ ચાલી રહી હોય ક્યારે પૂર્ણ થશે એ નક્કી નથી. તો બીજી તરફ ગુણવત્તાવિહીન ચેકડેમો, પા.પૂ વિભાગ, વાસમો સહિતના વિવિધ વિભાગોની પાણીની યોજનાઓ પાછળ કરોડોના ખર્ચ બાદ પણ કપરાડા તાલુકામાં ઉનાળાની શરૂઆતમાં જ પીવાના પાણીના ટીપાં માટે લોકો વલખાં મારે છે. ત્યારે કપરાડાના અસ્ટોલ ગામ કરનજલી ફળિયામાં વર્ષોથી પાણીની સમસ્યા હોય કોઇપણ પિતા પોતાની પુત્રીને આ ગામના ફળિયામાં લગ્ન કરવાનું ટાળે છે. અહીં ઉનાળો શરૂ થતાં જ પાણી મેળવવા ફળિયાની મહિલાઓએ વહેલી પરોઢિયે ત્રણ વાગે ત્રણ કિલોમીટર દૂર ડુંગર ઉપર આવેલા પથ્થરની બખોલમાં બનેલા એક કાચા કુવાની અંદર ઊતરીને પીવાનું પાણી ભરવું પડે છે.

કૂવામાં આવેલા ખાબોચિયામાંથી એક બેડુ પાણી ભરાતા અડધો કલાક લાગે છે
એક બેડું પાણી મેળવવા માટે જીવના જોખમે મહિલાએ દોરડા વડે કૂવામાં ઉતરવું પડે છે. તેમ છતાં પણ તેઓને પાણી નસીબ થતું નથી. જેની પાછળનું કારણ છે કૂવાનું જળસ્તર નીચે ઉતરી જાય છે. જેના કારણે કૂવાની અંદર આવેલા ખાબોચિયા જેવડા ખાડામાં ટીપે ટીપે એકત્ર થતું પાણી જ્યાં સુધી ભરાઈ જાય નહિં ત્યાં સુધી કૂવાની અંદર જ બેસવાની ફરજ પડે છે. અડધા કલાકે એક બેડું પાણી ભરાઇ રહે છે. આમ ફળિયા મહિલાઓ પાણી ભરવા માટે કૂવાની ફરતે પાણી ભરવા માટે વહેલી પરોઢિયે કલાકો સુધી લાઈનોમાં બેસી રહે છે. હાલે કોરોના કાળમાં પણ મહિલાઓએ પાણી મેળવવા ભર તડકા માં ડુંગરો ચઢી પાણી મેળવવું પડે, એજ તંત્રની અને સ્થાનિક રાજકારણીઓની નિષ્ક્રિયતા સાબિત કરે છે.

Most Popular

To Top