Dakshin Gujarat Main

વલસાડમાં ધર્મપરિવર્તન કરાવાતો હોવાનો મેસેજ મળતા પોલીસ દોડતી થઇ

વલસાડ : વલસાડ (Valsad) તાલુકાના માંગેલ વાડમાં ધર્મ પરિવર્તન કરાવતો હોવાનો મેસેજ (Message) પોલીસને (Police) મળતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ખ્રિસ્તી બિરાદરો ધર્મ પરિવર્તન નહીં પરંતુ એક પરિવારના ઘરે દીકરીને તબિયત (Health) સારી નહીં હોય તેના માટે પ્રાર્થના કરતા હોવાનું બહાર આવ્યું હતું. તમામને પૂછપરછ કરવા માટે વલસાડ રૂરલ પોલીસ મથકે લઇ આવ્યા હતા.

ગુરૂવારના રોજ વલસાડ તાલુકાના માંગેલવાડમા ખિસ્તીઓ ધર્મ પરિવર્તન કરાવતા હોવાનો મેસેજ ગામમાં પ્રસરી જતા ગામના સરપંચ અને ડેપ્યુટી સરપંચે ઈસુ ખ્રિસ્તનો ધર્મનો પ્રચાર કરવા આવેલા ભાઈ-બહેનોને ગ્રામજનોનાં ટોળાં પરિવારે રૂમમાં બંધ કરી દીધા હતા. જેની જાણ વલસાડ હિન્દુ સંગઠનોને થતાં તેઓ માંગેલવાડ ગામે દોડી ગયા હતા. ગામના સરપંચે વલસાડ ડીવાયએસપી ચાવડાને ફોન કરીને જણાવ્યું હતું. ડીવાયએસપીએ તાત્કાલિક વલસાડ રૂરલ પોલીસ મથકના પીએસઆઇ વનારને જાણ કરી હતી. પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ખ્રિસ્તીઓને એક ઘરમાં પૂરી દીધા હતા, એ ઘરનો દરવાજો ખોલીને પોલીસે ગામજનોને સાથે રાખીને ખ્રિસ્તીઓની પૂછપરછ કરી હતી. માંગેલવાડમાં જ રહેતા એક પરિવારની પુત્રીની તબિયત ખરાબ હોય એમને ત્યાં પ્રાર્થના સભા કરવા માટે આવ્યા હોવાનું જણાવ્યું હતું. જેથી ગ્રામજનોએ પણ પરિવારને જણાવ્યું હતું કે, આ ખિસ્તીઓ આજે ગામમાં આવ્યા છે, ફરી બીજી વખત આવવા ન જોઈએ. ત્યારબાદ ખ્રિસ્તી તથા પરિવારને વલસાડ રૂરલ પોલીસ મથકે પૂછપરછ કરવા માટે લઈ આવ્યા હતા.

ભગવાન મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ નિમિત્તે અહિંસા રેલી યોજાઈ
બારડોલી : જૈન ધર્મના દિવ્ય અવતાર એવા 24માં તીર્થંકર, મહાપુરુષ ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક મહોત્સવ નિમિત્તે સમસ્ત જૈન સમાજ બારડોલી દ્વારા મુખ્ય શહેરમાંથી અહિંસા દ્વારથી હીરાચંદ નગર કુંથુનાથ જિનાલય સુધી પસાર થતી ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
રેલીની શરૂઆત બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારે જૈન ધ્વજ બતાવીને કરી હતી. આ પ્રસંગે તેઓએ જણાવ્યું હતું કે, ભગવાન મહાવીરના અહિંસા, અધિકૃતતા, સત્ય, સિદ્ધાંતોની વર્તમાન સમયમાં ખૂબ જ જરૂર છે. આપણે જીવી શકીએ છીએ. તેમના સિદ્ધાંતને પામ્યા પછી જ આ જીવન સફળ થઈ શકે છે. આ પ્રસંગે સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવેશભાઈ પટેલે સમગ્ર જૈન સમાજને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમમાં સમગ્ર જૈન સમાજના યુવક-યુવતી, સ્ત્રી-પુરુષ વર્ગના પંદરસો જેટલા વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા. રેલીમાં ભગવાનના ઈન્દ્ર રથની ઝાંખી, ભગવાન મહાવીરના જીવન ચરિત્રની ઝાંખી રજૂ કરવામાં આવી હતી અને ભગવાન મહાવીરનો દિવ્ય સંદેશ, જીવો અને જીવવા દો, તમામ જીવો પ્રત્યે કરુણા અને હિંસા ઘટાડવાનો સંદેશો પાઠવવામાં આવ્યો હતો.

Most Popular

To Top