Gujarat

વલસાડમાં મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને યોજાશે રાજ્યકક્ષાનો ધ્વજવંદન સમારોહ

ગાંધીનગર: (Gandhinagar) આવતીકાલે ભારતના સ્વાતંત્ર્ય પર્વની (Independence Day) રાજ્યકક્ષાની ઉજવણી વલસાડ (Valsad) ખાતે કરવામાં આવનાર છે. ૧૫મી ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (Bhupendra Patel) અધ્યક્ષ સ્થાને વલસાડ ખાતે ધ્વજવંદન સમારોહ યોજાશે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પાટણ ખાતે તથા રાજ્ય મંત્રીમંડળના સભ્યો વિવિધ જિલ્લા મથકોએ ધ્વજવંદન કરાવશે.

રાજ્યના વિવિધ જિલ્લા મથકોએ કેબિનેટ મંત્રીઓ જેમા કનુભાઈ દેસાઈ-સુરત, ઋષિકેશ પટેલ-વડોદરા, ડૉ. કુબેરભાઈ ડિંડોર-છોટાઉદેપુર, જ્યારે રાજ્યમંત્રીઓમાં હર્ષ સંઘવી-દાહોદ, બચુભાઈ ખાબડ-મહીસાગર, પ્રફુલભાઈ પાનશેરિયા-ભાવનગર, ભીખૂસિંહજી પરમાર-પંચમહાલ, કુંવરજીભાઈ હળપતિ-નર્મદામાં ધ્વજવંદન કરશે.

આ ઉપરાંત આણંદ, પોરબંદર, ખેડા, અરવલ્લી, દેવભૂમિ દ્વારકા, સાબરકાંઠા, જામનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, મહેસાણા, અમરેલી, તાપી, ડાંગ, ભરૂચ અને નવસારી ખાતે સંબંધિત જિલ્લાના જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને ધ્વજવંદન સમારોહ યોજાશે.

૭૭મા સ્વાતંત્ર્ય પર્વ પ્રસંગે ગુજરાતીઓ અને દેશવાસીઓને રાજ્યપાલની શુભકામના
ગાંધીનગર: આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી સંપન્ન થઈ રહી છે અને ‘મેરી માટી મેરા દેશ’ અભિયાન અંતર્ગત સમગ્ર દેશ પૂર્ણ સમર્પણભાવથી શહીદો અને સ્વાતંત્ર સેનાનીઓ પ્રત્યે સન્માનની ભાવના સાથે રાષ્ટ્ર નિર્માણની નવી ચેતનાની અનુભૂતિ કરી રહ્યો છે ત્યારે ‘પંચ પ્રણ’ લેવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ અનુરોધ કર્યો છે.

ગુજરાતના નાગરિકોને આહ્વાન કરતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ કહ્યું હતુ કે, દેશના અમૃત કાળ માટે આવો આપણે પ્રતિજ્ઞા લઈએ કે, વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે આપણે અથાગ પરિશ્રમ કરીશું. ગુલામીની માનસિકતાના તમામ નિશાનોને નેસ્તનાબૂદ કરીશું. આપણા દેશના ભવ્ય વારસા પર ગર્વ અનુભવીશું અને તેનું જતન કરીશું. આપણા દેશની એકતા અને અખંડિતતા માટે કામ કરીશું. રાષ્ટ્ર પ્રત્યેની આપણી ફરજોનું ચુસ્ત પાલન કરીશું.

Most Popular

To Top