SURAT

સુરતીઓને આટલા વર્ષ સુધી ચાલે તેટલું પાણી ઉકાઇ ડેમમાં ભરાઇ ગયું

સુરત: ઉકાઈ ડેમના (Ukai Dam) ઉપરવાસમાં પડી રહેલા વરસાદને (Rain) પગલે આજે પણ ડેમમાંથી 1.24 લાખ ક્યુસેક પાણીની આવક નોંધાતા ડેમમાંથી તેટલું જ પાણી છોડવાનું ચાલું રખાયું હતું. હાલ ડેમમાં એટલું પાણી (Water) છે કે આગામી ત્રણેક વર્ષ (Tharee Year) જો વરસાદની સિઝન સામાન્ય ચાલી તો પણ પાણીની તકલીફ નહીં પડે.ઉકાઈ ડેમના ઉપરવાસમાં ચાલું વર્ષે ભરપુર વરસાદ નોંધાયો હતો. જેને કારણે ડેમમાં સિઝનના પ્રથમ તબક્કામાં જ વરસાદી પાણીની આવક થતા ડેમ રૂલ લેવલથી વધારે ભરાયો હતો. અત્યારે ડેમ છલોછલ ભરાઈ ગયો છે. હાલમાં ડેમની જળપાટી ભયજનકસપાટીથી માત્ર અઢી ફૂટ નીચે છે.

વિતેલા ચોવીસ કલાકમાં પણ ઉપરવાસમાં વરસાદ વરસવાનું ચાલું
ડેમમાં એટલું પાણી છે જો આગામી ત્રણેક વર્ષ સામાન્ય વરસાદ વરસે તો પણ સુરતીઓને વાપરવા અને પીવા માટે પાણીની તકલીફ નહી પડે. વિતેલા ચોવીસ કલાકમાં પણ ઉપરવાસમાં વરસાદ વરસવાનું ચાલું રહેતાં તમામ ગેજ સ્ટેશનમાં વરસાદ નોંધાયો છે. જેને કારણે ઉકાઈ ડેમમાં 1.24 લાખ ક્યુસેક પાણીની આવક ચાલુ રહી હતી. જેની સામે ડેમમાંથી 1.24 લાખ ક્યુસેક પાણી છોડાયું હતું. હથનુર ડેમમાંથી 35 હજાર અને પ્રકાશામાંથી 1.08 લાખ ક્યુસેક પાણી છોડાયું હતું. ઉકાઈ ડેમની સપાટી 342.38 ફૂટે પહોંચતા ડેમ હાલ તેની ભયજનક સપાટીથી અઢી ફૂટ નીચે છે. હાલ ડેમ છલોછલ ભરાયો છે.

નવરાત્રિના શરૂઆતી દિવસોમાં વરસાદી વાતાવરણ રહેવાની સંભાવના
સુરત: શહેર અને જિલ્લામાં આગામી અઠવાડિયા સુધી વરસાદી વાતાવરણ અસરકારક રહેવાની આગાહીને પગલે નવરાત્રિના શરૂઆતના દિવસોમાં વરસાદની સંભાવના છે. આજે પણ દિવસભર શહેરમાં વાદળછાયું વરસાદી વાતાવરણ રહ્યું હતું.હવામાન વિભાગના જણાવ્યા મુજબ સુરત શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છેલ્લા અઠવાડિયાથી વરસાદી માહોલ જામ્યો છે. શહેરમાં આજે પણ સવારથી વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. દરમિયાન પલસાણામાં સાડા ત્રણ ઇંચ, બારડોલીમાં પાંચ મીમી અને મહુવામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો.

બંગાળની ખાડીમાં વધુ એક વરસાદી સિસ્ટમ ડેવલપ
આ સિવાયના તાલુકા કોરાકટ રહેવા પામ્યાં હતાં. હવામાન વિભાગે હવે આગામી ત્રણથી ચાર દિવસ હજી વરસાદી વાતાવરણ રહેવાની આગાહી કરી છે. દરમિયાન બંગાળની ખાડીમાં વધુ એક વરસાદી સિસ્ટમ ડેવલપ થતાં આગામી ત્રણ-ચાર દિવસ સુધી વાતાવરણમાં ફરી પલટો જોવા મળશે અને નવરાત્રિના પહેલા શરૂઆતના બે ત્રણ દિવસ સુધી વરસાદી વાતાવરણ કે વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ત્યારબાદ ધીમેધીમે વાતાવરણમાં ઉઘાડ જોવા મળશે. એટલે કે હાલ આ વરસાદની છેલ્લી સિસ્ટમ હોવાની હવામાન વિભાગે સંભાવના દર્શાવી છે. અને ત્યારબાદ મોનસૂન વિદાય લેશે.

Most Popular

To Top