SURAT

સસ્પેન્ડેડ કે.રાજેશના વચેટિયા તરીકે કામ કરતી સુરતના મહિલા મહેસૂલી અધિકારીનો ફોન કબજે લેવાયો

સુરત: સુરત (Surat) જિલ્લા પંચાયતના તત્કાલિન ડીડીઓ (DDO) અને સુરેન્દ્રરનગરમાં સરકારી જમીન મામલે સીબીઆઇમાં (CBI) સલવાયેલા યુવા સસ્પેન્ડેડ સનદી અધિકારી કે.રાજેશના સુરતના છેડાની તપાસ પણ તેજ બની છે. સુરતના એક મહિલા મહેસૂલી અધિકારીની પણ સીબીઆઇએ પુછપરછ હાથ ધરી ફોન કોલ ડેટા એનાલિસિસ શરુ કર્યુ છે.

સુરત જિલ્લા પંચાયતના તત્કાલિન ડીડીઓ કે. રાજેશના સુરતના કાર્યકાળ દરમિયાન પણ અનેક વિવાદો ઉભા થયા હતા. સુરત જિલ્લા પંચાયતમાં પંચાયતી કાયદાઓને સરેઆમ ઉલાળિયો કરી તેમણે આડેધડ કામો પાર પાડી દીધા હતા. ખાસ કરીને પંચાયતી વિભાગ તરફથી આવતા અનુદાનનો ગેરઉપયોગ સહિત ફનિર્ચર ખરીદી અને બંગલાના રિનોવેશનના મામલે પણ વિવાદો થયા હતા. સુરતમાં તેઓ ડીડીઓ ઉપરાંત આઇએએસના તાલીમ સમય દરમિયાન બારડોલીના આસ્સિટન્ટ કલેકટર તરીકે પણ ફરજ બજાવી હતી. આ અરસામાં પણ તેમની સામે અનેક વિવાદો થયા હતા.

આ મામલે રાજ્ય સરકાર સહિત સેન્ટ્રલ વિજિલન્સ કમિશનમાં પણ મોટાપાયે ફરિયાદો થઇ હતી. આ ફરિયાદોને પગલે સુરેન્દ્રનગર કલેકટરની ફરજ દરમિયાન કે.રાજેશએ કરેલા કામોમાં તેઓ ઉંધા માથે પટકાયા હતા. સુરેન્દ્રનગરની સરકારી જમીનકાંડમાં તેમની બદલી બાદ સીબીઆઇએ ધરપકડ કરી હતી. આ ધરપકડ બાદ સરકારે કે.રાજેશને સસ્પેન્ડ કરી દીધા હતા. સીબીઆઇએ તેમની સામે તપાસ ચાલુ રાખી છે. તાજેતરમાં સુરતમાં પણ તેમના વચેટિયા તરીકે કામ કરતા ચારપાંચ લોકોની સીબીઆઇએ તપાસ હાથ ધરી હતી. સીબીઆઇએ સુરત મહેસૂલી તંત્રમાં ફરજ બજાવતા એક મહિલા અધિકારીની પણ પુછપરછ કરી હતી. આ મહિલા અધિકારી કે.રાજેશને ભાઇ તરીકે માનતા હતા. અને તેમની સાથે અવારનવાર ટેલીફોનિક સંપર્કમાં રહેતા હતા.

કહેવાય છે કે આ મહિલા અધિકારીએ પણ કે.રાજેશ પાસે જમીનોના કેસ સોલ્વ કરી આપ્યા છે. આ મહિલા અધિકારી હાલ સુરત બહાર છે. પરંતુ તેમની પણ માલમિલકતોની પણ આગામી દિવસોમાં તપાસ હાથ ધરાઇ તેવી શકયતાઓ દેખાઇ રહી છે. આ મહિલા અધિકારીએ બારડોલી સહિત સુરત જિલ્લામાં પણ અનેક ઠેકાણે જમીનોના કામો કે.રાજેશની મદદગારીથી પાર પાડ્યા હોવાનું ચર્ચાઇ રહ્યું છે. જેને લઇને સુરત જિલ્લા કલેકટર કચેરીમાં પણ અનેક પ્રકારની ચચાર્ઓએ જોર પકડ્યું છે. આ મહિલા અધિકારીની સીબીઆઇએ તપાસ કરી હતી. તેમના વિતેલા કેટલાંક મહિનાઓના ટેલીફોન કોલ રેકર્ડ પણ સીબીઆઇએ કઢાવી તપાસ હાથ ધરી છે. આાગામી દિવસોમાં આ મામલે નવાજૂની થાય તેવા ભણકારા વાગી રહયા છે.

ઉત્રાણના શોપિંગ સેન્ટરની મિલકતો અને બિલ્ડરોની પણ તપાસ
સુરતના તત્કાલિન ડીડીઓ તેમજ બારડલીના આસિસ્ટન્ટ કલેકટર તરીકે ફરજ બજાવી ગયેલા આઇએઅસ અધિકારી કે.રાજેશની સાથે ઘરોબો ધરાવતા એક વચેટિયાની ધરપકડ બાદ ઘણી હકકીતો બહાર આવી છે. કે.રાજેશએ સુરતમાં મેહસૂલી વિભાગોમાં કેટલાંક નાયબ મામલતદારો તેમજ અધિકારીઓ સાથે ઘનિષ્ઠ સબંધો બનાવ્યા હતા અને તેમના આધારે કામો પાર પાડતા હતા. સીબીઆઇએ તપાસમાં એક વચેટિયાની ધરપકડ કરી નાણાંકિય વહેવારોની પણ તપાસ હાથ ધરી છે. આ તપાસમાં શહેરના પોશ વિસ્તાર સહિત ઉત્રાણ વિસ્તારની કેટલીક ઓફિસોમાં તેમની ભાગીદારી બહાર આવી હતી. ઉત્રાણના શોપિંગ કોમ્પ્લેક્સની દુકાનો સહિત એક બિલ્ડરની પણ સીબીઆઇએ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top