Business

ટ્વિટર હવે X તરીકે ઓળખાશે, એલન મસ્કે કર્યો મોટો ફેરફાર

નવી દિલ્હી: એલોન મસ્કે (Alon Musk) વિશ્વની સૌથી મોટી માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરને (Twitter) ખરીદ્યા બાદ ટ્વિટરમાં એક પછી એક ઘણા ફેરફારો કર્યા છે. હવે એલોન મસ્કે ટ્વિટરનું નામ બદલી નાખ્યું છે. ટ્વિટર હવે X તરીકે ઓળખાશે. આ સાથે ટ્વિટરના ઓફિશિયલ હેન્ડલ પર લોગો પણ બદલવામાં આવ્યો છે. જો કે માઇક્રોબ્લોગિંગ વેબસાઇટ પર ફક્ત જૂનો લોગો જ દેખાય છે. ટ્વિટરના સીઈઓ લિન્ડા યાકારિનોએ પણ ટ્વીટ કરીને X નામ વિશે માહિતી આપી હતી.

ટ્વિટરના માલિક બન્યા પછી એલોન મસ્કે બ્લુ ટિક ફી-આધારિત કરીને સૌથી મોટો અને પ્રથમ ફેરફાર કર્યો. અગાઉ બ્લુ ટીક્સ કુલ છ શ્રેણીઓમાં ઉપલબ્ધ હતી. જેમાં સરકાર, કંપનીઓ, બ્રાન્ડ્સ અને સંસ્થાઓ, સમાચાર સંસ્થાઓ અને પત્રકારો, મનોરંજન, રમતગમત અને ગેમિંગ, કાર્યકર્તાઓ, આયોજકો અને અન્ય પ્રભાવિત વ્યક્તિઓનો સમાવેશ થતો હતો. મફત બ્લુ ટિક્સને લેગસી બ્લુ ચેક કહેવામાં આવતું હતું, જે કંપનીનું સૌથી જૂનું અને પ્રથમ વેરિફિકેશન મોડલ હતું. ટ્વિટર બ્લુનો ભારતમાં મોબાઈલ માટે દર મહિને રૂ. 900 અને વેબ વર્ઝન માટે રૂ. 650નો ખર્ચ થશે. બ્લુ ટિક સબ્સ્ક્રિપ્શન સાથે ટ્વીટ કર્યા પછી પણ લાંબા વીડિયો શેર કરવા, લાંબી ટ્વીટ્સ, એડિટિંગ અને ફોર્મેટિંગ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે.

એલોન મસ્કે ટ્વિટર પર ડાયરેક્ટ મેસેજ મોકલવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે. એલોન મસ્કે કહ્યું છે કે ટ્વિટર પર ડાયરેક્ટ મેસેજિંગ (DM) માટે પણ પૈસા ચૂકવવા પડશે. એલોન મસ્કે ટ્વિટર બ્લુ સેવામાં ટ્વિટર ડીએમ ઉમેર્યા છે. મતલબ કે જો તમે ટ્વિટર બ્લુની સર્વિસ લીધી નથી તો તમે કોઈને મેસેજ કરી શકશો નહીં. મસ્કનું કહેવું છે કે સ્પેમને રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેની શરૂઆત 22 જુલાઈથી થઈ ગઈ છે.

એલોન મસ્કે થોડા દિવસ પહેલા કહ્યું હતું કે ટ્વીટ જોવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. એલોન મસ્કે કહ્યું છે કે બ્લુ ટિક ધરાવતા યુઝર્સ દરરોજ 6000 પોસ્ટ જોઈ અથવા વાંચી શકશે. જ્યારે બ્લુ ટિક વગરના લોકો માટે આ મર્યાદા માત્ર 600 પોસ્ટ્સ સુધી છે. એલોન મસ્કે જણાવ્યું હતું કે આ એક અસ્થાયી વ્યવસ્થા છે જે મોટા પાયે ડેટા ચોરી અને સિસ્ટમની હેરાફેરી અટકાવવા માટે લાગુ કરવામાં આવી છે. આવી સ્થિતિમાં યુઝર્સ ટ્વિટરથી ભાગવા લાગ્યા છે.

Most Popular

To Top