Madhya Gujarat

આણંદ નગરપાલિકા પાસે જ તોતિંગ લીમડો ધરાશાયી થયો

આણંદ : આણંદ નગરપાલિકા પાસે આવેલો વરસો જુનો તોતિંગ લીમડો ગુરૂવારના રોજ જમીનદોસ્ત થયો હતો. આ તોતિંગ ઝાડ પડતાં જ તેના નીચે એક્ટીવા અને રીક્ષા દબાઇ જતાં કચ્ચરણઘાણ વળી ગયો હતો. જોકે, શરૂઆતમાં કોઇ વ્યક્તિ દબાઇ હોવાની શંકા જતાં ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવી હતી. પરંતુ કશુ ન મળતાં સૌએ હાશકારો લીધો હતો. આણંદ નગરપાલિકાની પ્રિ-મોન્સુન કામગીરી કેટલી પોકળ છે, તે ગુરૂવારે પાલિકા સામે જ આવેલા વરસો જુના તોતિંગ લીમડા ઝાડે કરેલી અવદશા પરથી ખ્યાલ આવી શકે છે. આ લીમડાનું ઘેઘુર ઝાડ અચાનક જ જમીનદોસ્ત થઇ ગયું હતું.

જેના કારણે તેના નીચે એક રીક્ષા અને એક્ટિવા દબાઇ જતાં ભારે નુકશાન થયું હતું. આ ઘટનાના પગલે બન્ને તરફનો રસ્તો બંધ થઇ ગયો હતો. બીજી તરફ પાલિકા દ્વારા જ ફાયર બ્રિગેડને જાણ કરતા ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી અને પડી ગયેલા વૃક્ષને કાપી હટાવવાની કામગીરી હાથ ધરી હતી. જોકે, શરૂઆતમાં ઝાડ નીચે કોઇ વ્યક્તિ દબાયું હોવાની શંકા ઉપજતાં કામ ઝડપી કરવામાં આવ્યું હતું. પરંતુ થોડા સમય બાદ એવું કશુ મળી આવ્યું નહતું. આથી, ફાયર બ્રિગેડ અને નગરપાલિકાએ રાહતનો શ્વાસ લીધો હતો.
પંડીત દિનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાને નુકશાન
આણંદ નગરપાલિકા પાસે જ ધરાશાયી થટેલા તોતિંગ લીમડાના ઝાડના કારણે પાલિકા બહાર આવેલું પંડીત દિનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાને ભારે નુકસાન પહોંચ્યું હતું. આ ઘટનાથી પાલિકા પરિસરમાં પણ ચર્ચાનો વિષય બન્યો હતો.

Most Popular

To Top