એમેઝોને ક્યા સરકારી અધિકારીઓને ૮,૫૪૬ કરોડ રૂપિયાની લાંચ ચૂકવી?

બોફોર્સ તોપના સોદામાં ૬૪ કરોડ રૂપિયાની લાંચ ચૂકવવામાં આવી હતી; તો પણ ભારતભરમાં ધમાલ મચી ગઈ હતી અને રાજીવ ગાંધીની સરકારનું પતન થયું હતું. હવે અમેરિકાની એક વેબસાઇટ દ્વારા ધડાકો કરવામાં આવ્યો છે કે એમેઝોન કંપની દ્વારા ભારત સરકારને મોટી રકમની લાંચ ચૂકવવામાં આવી છે. હકીકતમાં ઇન્ડિયા ટુ ડે ના હેવાલ મુજબ એમેઝોન કંપનીનું ભારતમાં ૨૦૧૯ અને ૨૦૨૦ દરમિયાન કુલ ટર્નઓવર ૪૨,૦૮૫ કરોડ રૂપિયા હતું. તેની સામે તેણે કાનૂની ફી ના સ્વરૂપમાં ૮,૫૪૬ કરોડ રૂપિયાની ચૂકવણી કરી હતી. અમેરિકાની વેબસાઇટના દાવા મુજબ તેમાંના કેટલાક રૂપિયા ભારત સરકારના શાસકોને લાંચ આપવા માટે વાપરવામાં આવ્યા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલાં મેગેઝિન પાંચજન્યમાં એમેઝોનની સરખામણી ઇસ્ટ ઇન્ડિયા કંપની સાથે કરવામાં આવી છે, જે ભારતના લોકોને લૂંટવા માટે આવી છે.

અમેરિકાના કાયદા મુજબ તેના દેશની કોઈ કંપની વિદેશમાં લાંચ આપે તો પણ તે ગુનો બને છે. લાંચના કૌભાંડ પર ઢાંકપિછેડો કરવા એમેઝોન દ્વારા લાંચની આંતરિક તપાસ હાથ ધરવામાં આવી છે, પણ એમેઝોન કંપની પર કોઈને ભરોસો નથી કે તે હકીકતો બહાર લાવશે. લાંચના આક્ષેપોને પગલે એમેઝોને તેના બે કર્મચારીને રજા પર પણ ઊતારી દીધા છે. એમેઝોન દ્વારા ડેમેજ કન્ટ્રોલ કરવા આ બધાં પગલાં લેવામાં આવી રહ્યાં હોય તેવું જણાય છે.

એમેઝોનની કુલ છ કંપની એમેઝોન ઈન્ડિયા લિ. (હોલ્ડિંગ કંપની), એમેઝોન રિટેલ ઈન્ડિયા પ્રા. લિ., એમેઝોન સેલર સર્વિસીસ પ્રા. લિ., એમેઝોન ટ્રાન્સપોર્ટેશન સર્વિસીસ પ્રા. લિ., એમેઝોન (હૉલસેલ ઈન્ડિયા) પ્રા. લિ. અને એમેઝોન ઈન્ટરનેટ સર્વિસીસ પ્રા. લિ. દ્વારા ૨૦૧૮-૧૯ માં ભારતમાં રૂ. ૩,૪૨૦ કરોડ અને ૨૦૧૯-૨૦ માં રૂ. ૫,૧૨૬ કરોડ લીગલ ફી તરીકે ચૂકવ્યા હતા. આ લાંચ ક્યા કામ માટે ચૂકવવામાં આવી હતી અને કોને ચૂકવવામાં આવી હતી તેની તપાસ કરવી જરૂરી બની ગઈ છે.

ભારત સરકારના લિગલ ડિપાર્ટમેન્ટનું કુલ વાર્ષિક બજેટ જ ૧,૧૦૦ કરોડ રૂપિયા છે. તે સંયોગોમાં એમેઝોન જેવી મલ્ટિનેશનલ કંપની ભારતમાં કાનૂની ફી ના રૂપમાં ૮,૫૪૬ કરોડ રૂપિયા ફૂંકી કાઢે તો શંકા પેદા થયા વિના રહે નહીં. અમેરિકાની મોર્નિંગ કોન્ટેક્સ્ટ નામની વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ થયેલા હેવાલ મુજબ દિલ્હીના વિકાસ ચોપરા નામના વકીલ એમેઝોનના વકીલ તરીકે ત્રણ વર્ષથી કામ કરે છે. તેમને કાનૂની ફી ના રૂપમાં કંપની તરફથી વાર્ષિક ૨૦ કરોડ રૂપિયાની ચૂકવણી કરવામાં આવે છે.

એમેઝોન કંપનીની કાનૂની શાખાનું સંચાલન રાહુલ સુંદરમ નામના સિનિયર વકીલ કરે છે. વિકાસ ચોપરાને કામ આપવામાં તેમની મુખ્ય ભૂમિકા હતી. અમેરિકી સરકાર સમક્ષ ફરિયાદ કરનારના જણાવ્યા મુજબ રાહુલ સુંદરમ અને વિકાસ ચોપરા મળીને કામ કરતા હતા. વિકાસ ચોપરાને જે રૂપિયા આપવામાં આવતા હતા તેમાંની મોટી રકમ સરકારી અધિકારીઓને લાંચ આપવા માટે વપરાતી હોવાનો આક્ષેપ છે. અમેરિકાની વેબસાઇટ પર આ હેવાલ પ્રકાશિત થયો તે પછી રાહુલ સુંદરમને રજા પર ઊતારી દેવામાં આવ્યા છે. એમેઝોન કંપનીએ કહ્યું છે કે તે ભ્રષ્ટાચાર બાબતમાં ઝીરો ટોલરન્સની નીતિ ધરાવે છે. ભારતીય વેપારીઓ અને ઉદ્યોગોના મંડળ દ્વારા સરકારને પત્ર લખીને આ પ્રકરણમાં તપાસ કરવાની માગણી કરવામાં આવી છે.

તાજેતરમાં એમેઝોન કંપની દ્વારા લાંચ આપવાનું  કૌભાંડ બહાર આવ્યું છે તેમાં ક્યાંક ગુજરાતનું પણ કનેક્શન છે. ગુજરાતમાં એમેઝોન કંપનીમાં અનુસૂચિત જનજાતિના લોકોને નોકરી આપવા બાબતમાં કોઈ કેસ ચાલતો હતો. તેમાં એમેઝોનના વકીલ તરીકે વિકાસ ચોપરાને રાખવામાં આવ્યા હતા. જે લાંચ આપવામાં આવી તે ગુજરાતમાં આપવામાં આવી હોય તેવી સંભાવના છે. આ લાંચ લિગલ વિભાગ દ્વારા આપવામાં આવી છે; માટે તે કોર્ટના જજોને કે તેમની સાથે સંકળાયેલા કોઈ કર્મચારીને આપવામાં આવી હોય તેવી સંભાવના પણ રહે છે. આ બાબતમાં કોઈ પણ જાતની માહિતી આપવા એમેઝોન કંપની તૈયાર નથી.

હજુ થોડા સમય પહેલાં ગુજરાત સરકારે એમેઝોન કંપની સાથે કરાર કર્યા હતા, જે મુજબ કંપની ગુજરાતના નાના અને મધ્યમ ઉદ્યોગકારોને ઇ કોમર્સની તાલીમ આપવાની હતી. તેમાં અમદાવાદ, સુરત, રાજકોટ, ભરૂચ વગેરે શહેરોમાં રહેલા નાના ઉદ્યોગોના સંચાલકો માટે તાલીમી શિબિર કરવાની યોજના હતી. આ યોજના મુજબ એમેઝોન પહેલાં નાના ઉત્પાદકોને બજાર સાથે જોડી આપે અને પછી તેમના બજાર પર પોતાનો કબજો જમાવે તેવો ડર પણ રહે છે. આ માટે ગુજરાત સરકાર સાથે વાટાઘાટો પણ ચલાવવામાં આવી હતી.

વર્તમાનમાં ફ્યુચર ગ્રુપની માલિકી બાબતમાં રિલાયન્સ ગ્રુપ અને એમેઝોન વચ્ચે કાનૂની યુદ્ધ ચાલી રહ્યું છે. રિલાયન્સ દ્વારા ફ્યુચર ગ્રુપના બિગ બાઝારની દુકાનો ખરીદવા માટે મોટી રકમનો સોદો કરવામાં આવ્યો હતો, પણ તેની સામે એમેઝોન દ્વારા દિલ્હી હાઈ કોર્ટમાં કેસ કરવામાં આવ્યો હતો. એમેઝોનની દલીલ એવી હતી કે તેણે ફ્યુચર ગ્રુપ સાથે અગાઉ કરાર કર્યો હતો કે જો તેઓ ભવિષ્યમાં બિગ બાઝાર વેચવા માગતા હોય તો તેમણે પહેલી ઓફર એમેઝોનને કરવી જોઈએ. એમેઝોન કંપની દ્વારા સિંગાપોરની ઇન્ટરનેશનલ કોર્ટમાં પણ રિલાયન્સ અને ફ્યુચર ગ્રુપ વિરુદ્ધ કેસ કરવામાં આવ્યો હતો. સિંગાપોરની કોર્ટનો ચુકાદો રિલાયન્સની વિરુદ્ધમાં આવ્યો તે પછી દિલ્હી હાઈ કોર્ટે પણ એમેઝોનની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. આ ચુકાદાને કારણે રિલાયન્સ કંપનીને પીછેહઠ કરવાની ફરજ પડી હતી. આ ચુકાદા માટે પણ લાંચ અપાઇ હોવાની સંભાવના રહે છે.

લાંચ કૌભાંડ બહાર આવ્યું તે પછી એમેઝોનના વકીલ વિકાસ ચોપરા દ્વારા તેનો ઇનકાર કરવામાં આવ્યો છે. તેમના કહેવા મુજબ તેઓ એમેઝોન કંપની માટે કામ કરતા નથી, પણ એઝેડબી પાર્ટનર્સ નામની લો ફર્મ માટે કામ કરે છે. આ લો ફર્મ એમેઝોન માટે કામ કરે છે. વિકાસ ચોપરાના કહેવા મુજબ તેમને લો ફર્મ દ્વારા સત્તાવાર રકમ ચૂકવવામાં આવી છે અને તેમણે તેનાં બિલો પણ આપ્યાં છે. તેમને એમેઝોન વતી વાર્ષિક ૨૦ કરોડ રૂપિયા મળતા હોવાનો પણ તેમણે ઇનકાર કર્યો છે. તેમણે અમેરિકાની વેબસાઈટને કાનૂની નોટિસ મોકલીને હેવાલ દૂર કરવાનું કહ્યું છે. વિકાસ ચોપરા દિલ્હીના જાણીતા વકીલ છે. તેમના માટે ૧૨ વકીલો કામ કરે છે. ભારતભરમાં તેમનું કામ ચાલે છે. પબ્લિક સેક્ટરની કંપનીઓના અને બેન્કોના કેસો પણ તેઓ લડે છે.

એમેઝોન કંપની ભારતમાં આશરે એક લાખ લોકોને નોકરી આપે છે. તેની યોજના ૨૦૨૫ સુધીમાં એક કરોડ નાના વેપારીને તાલીમ આપીને ઓનલાઇન વેચાણ કરતા કરવાની છે. તેના કહેવા મુજબ તેમની કંપની ૧૦ અબજ ડોલરની નિકાસ કરશે અને ૨૦ લાખ લોકોને નોકરી આપશે. પરંતુ તેમ કરવા જતાં અનેક નાની દુકાનો બંધ થઈ જશે અને તેના માલિકો ઉપરાંત કર્મચારીઓ બેકાર થઈ જશે, તેની વાત તેઓ કરતા નથી. આ યોજનામાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, કર્ણાટક, પંજાબ વગેરે રાજ્યોની સરકારો પણ સામેલ થઈ છે. કોઈ કંપની વેપારીને તાલીમ આપવા માગતી હોય તેમાં સરકારો સાથે કરાર કરવાની શું જરૂર છે? જો ભારત સરકાર આ લાંચ કૌભાંડમાં તટસ્થ રહીને તપાસ કરશે તો વિદેશી કંપનીનાં બીજાં અનેક કૌભાંડો બહાર આવે તેવી સંભાવના છે.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Related Posts