Gujarat

પીએમ મોદીએ નવસારીમાં જનસભા સંબોધતા કહ્યું તમારા વોટથી મોદીનો વટ છે…

સુરેન્દ્રનગર: ગુજરાતમાં (Gujarat) વિધાનસભાની ચૂંટણીને (Election) ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે રાજકીય પાર્ટીના નેતાઓનો જમાવડો ગુજરાતમાં આવી પહોંચ્યો છે. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પણ ચૂંટણીના પ્રચાર માટે ગુજરાત આવી પહોંચ્યા છે. ગતરોજ પીએમ મોદી સોમનાથ, રાજકોટના ધોરાજી, અમરેલી તેમજ બોટાદમાં જનસભાને સંબોધી હતી. ત્યાર બાદ પીએમ મોદી આજે સુરેન્દ્રનગર, ભરૂચ અને નવસારીમાં જનસભાને સંબોધી હતી. પીએમ મોદીએ સુરેન્દ્રનગરના દૂધરેજમાં સભા સંબોધી હતી. પીએમ મોદીએ દૂધરેજની જનસભામાં કોંગ્રસ પર આકરા પ્રહાર કર્યા હતા. સુરેન્દ્રનગર બાદ પીએમ મોદી જંબુસર પહોંચ્યા હતા જ્યાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી. ત્યાર બાદ તેઓ નવસારીમાં જનસભા સંબોધશે.

સુરેન્દ્રનગર, ભરૂચ બાદ વડાપ્રધાન મોદી નવસારી જિલ્લામાં આવી પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદીએ નવસારીવાસીઓને સંબાધ્યા હતા. પીએમએ નવસારીના મીઠા ચીકુને યાદ કર્યા હતા. તેમણે કહ્યું કે દિલ્હીના લોકોને નવસારીના મીઠા ચીકુ તો ઘણા ભાવે છે પણ એ આપણા કમનસીબ છે કે તેઓ અહીં આવીને આપણને જ ગાળો આપે છે. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે ગુજરાત વોટિંગમાં રેકોર્ડ તોડશે. વધુને વધુ કમળ ખીલાવશે. આ સાથે જ તેમણે એમ કહ્યું કે મોદીનો વટ તમારા વોટમાં છે, જો મોદીનો વટ છે તો માત્ર તમારા વોટથી જ છે.

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે 70 વર્ષમાં જે કામ થયું છે તેનાથી વધુ કામ અમે 8 વર્ષમાં કરી બતાવ્યું છે. ભૂતકાળની સરકાર માછીમારોને તેમના હાલ પર છોડી દેતી હતી. પરંતુ અમારી સરકારે હંમેશા માછીમારોની મદદ કરી છે. તેમણે કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસના માત્ર પરિવાર જ દેખાય છે. આ પહેલા ગુજરાતમાં કોમી હુલ્લડો ગુજરાતને પીંખી નાખતા હતા. આ સાથે જ તેમણે સી આર પાટીલના કામના પણ વખાણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે એક સંવેદનશીલ નેતા કેવું કામ કરે તેનું ઉત્તમ ઉદાહરાણ સી આર પાટીલ છે, લાથો બાળકો કુપોષણમુક્ત કરવાનું કામ સીઆર પાટીલ કરી રહ્યા છે. વધુમા તેમણે કહ્યું કે જે લોકો પહેલીવાર વોટ આપી રહ્યા છે તેઓ ઉત્સાહિત છે પણ જેઓ આગળ વોટ આપી ચૂક્યા છે તેમના માટે જવાબદારી વધી છે. આ ચૂંટણી અમે નથી લડતા આ ચૂંટણી ગુજરાતની જનતા લડી રહી છે.

પીએમ મોદી જંબુસર પહોંચ્યા બાદ મોટી સંખ્યામાં જનસભાને સંબોધી હતી. અહીં પીએમ મોદીએ જણાવ્યું હતું કે, તમને એવો પ્રધનમંત્રી મળ્યો છે જેને ખબર છે કે જંબુસર ક્યાં આવ્યું, ભરૂચ ક્યાં આવ્યું, આમોદ ક્યાં આવ્યું, ઝઘડિયા ક્યાં આવ્યું. પીએમ મોદીએ કહ્યું કે હું લોકોની વેદનાને જાણું છું. કારણ કે હું અહીંના સ્થાનિકોની વેદનાથી વાકેફ છું. તેમણે અન્ય પાર્ટી પર પ્રહાર કરતા કહ્યું કે બહારના વ્યક્તિને ખબર ન પડે સુ:ખ દુ:ખ, ઘરનો માણસ હોય તો સુખ-દુ:ખ જોડે ઉભો રહે. એટલે જ એક એક ગુજરાતી કહે છે ફીર એક બાર મોદી સરકાર. તેમણે કહ્યું કે ભરૂચનો આત્મવિશ્વાસ અને વિકાસ ગુજરાતના ખુણે ખુણે દેખાઇ રહ્યો છે.

વડાપ્રધાન મોદીએ ભરૂચ જિલ્લાના વિકાસના કામોના વખાણ કર્યા હતા. પીએમ મોદીએ ભરૂચ જિલ્લાને દવાનું હબ ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે જંબુસરમાં બનેલી દવાએ કોરોનામાં કરોડો લોકોના જીવ બચાવ્યા છે. રાજ્યમાં સૌથી વધુ વિકાસ ભરૂચ જિલ્લામાં છે.

વડાપ્રધાન મોદી જંબુસર જવા પહેલા સુરેન્દ્રનગરના દૂધરેજ ખાતે જનસભાને સંબોધી હતી. પીએમ મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે અમે વિકાસના કામોનો હિસાબ આપવા તૈયાર છે, પરંતુ કોંગ્રેસનો વિકાસના કામોની વાત જ નથી કરતો. કોંગ્રેસે ગુજરાતને તરસ્યું રાખ્યું હતું. હું જ્યારે મુખ્યમંત્રી હતો ત્યારે મેં નક્કી કર્યું હતું કે ગુજરાતને 24 કલાક વીજળી આપીશ, ત્યારે કોંગ્રેસના નેતાઓ કહેતા કે આ શક્ય જ નથી પરંતુ મને અઘરાં કામ કરવા લોકોએ બેસાડીયો હતો અને આજથી 10 વર્ષ પહેલા મેં ગુજરાતના ગામેગામે 24 કલાક વીજળી પહોંચાડી હતી. આ સાથે જ પીએમ મોદી કહ્યું કે નર્મદા યોજનાનો લાભ સૌથી વધુ સુરેન્દ્રનગર જિલ્લાને મળી રહ્યો છે. આ સાથે જ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસીઓ વિકાસની ચર્ચા કરવાના બદલે મને મારી ઓકાત બતાવવાની વાત કરે છે. પીએમ મોદીએ કોંગ્રેસના નેતાઓને રાજપરિવાર ગણાવ્યા અને પોતાને એક સામાન્ય પરિવાનો છું તેમ જણાવ્યું હતું.

પીએમ મોદીએ ખેડૂતોને લઈને પણ ઘણી વાતો કહી હતી. પીએમ મોદીએ કહ્યું હતું કે એક જમાનો હતો, જ્યારે યુરિયા લેવા રાત્રે લાઈનમાં ઊભા રહેવું પડતું અને યુરિયા બારોબાર વેચાઈ જતું હતું. આજે યુરિયા ખેડૂતોને સમયસર મળી રહ્યા છે. વધુમાં તેમણે કહ્યું કે અમે આવીને અગરિયાઓની સ્થિત બદલી છે. તેમણે કહ્યું કે અમે નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપ્યું છે. આ સાથે જ તેમણે કહ્યું કે સુરેન્દ્રનગરના આગામી દિવસો સુવર્ણ હશે. પીએમ મોદીએ શિક્ષણમાં થયેલા વિકાસના કામોને પણ ગણાવતા કહ્યું હતું કે પહેલા વાલીઓ બાળકોને ભણવાવા માટે ગુજરાતની બહાર મોકલતા હતા. પરંતુ હવે તમામને એડમિશન ગુજરાતમાં જ મળી જાય છે. તેમણે કહ્યું કે ગુજરાતમાં 4000 જેટલી કોલેજો બનાવી, શિક્ષણ વ્યવસ્થામાં વધારો કર્યો, આજે ગુજરાતમાં 600 જેટલી ITI કોલેજો છે. વધુમાં તેમણે કહ્યું કે પહેલાં ગુજરાતમાં સાઇકલ પણ નહોતી બનતી, હવે વિમાન બનવાનાં છે. આને કહેવાય વિકાસ તેમજ છેલ્લે, વડાપ્રધાને કહ્યું, તમારૂં સુરેન્દ્ર અને હું નરેન્દ્ર અને આ ભૂપેન્દ્ર આ ત્રિવેણી સંગમ છે આપણો.

Most Popular

To Top