Editorial

ભારતની શાંતિમાં પલીતો ચાંપવાની કોશિશ કરનારને જડબાતોડ જવાબ આપવો જોઇએ

હમાસ સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે હિંદ મહાસાગરમાં ઈઝરાયલના એક જહાજને નિશાન બનાવવામાં આવ્યું છે. અહેવાલ અનુસાર, આ હુમલો 23મી ડિસેમ્બરે શંકાસ્પદ ડ્રોન દ્વારા કરવામાં આવ્યો હતો, જેના કારણે ઈઝરાયલના વેપારી જહાજને નુકસાન થયું હતું. જોકે, કોઈ જાનહાનિ થઈ નથી. સંરક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે, “ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ ICGS વિક્રમ પોરબંદર અરબી સમુદ્રમાં વેપારી જહાજ MV કેમ પ્લુટો તરફ જઈ રહ્યું છે. આ જહાજ ક્રૂડ ઓઈલ લઈને સાઉદી અરેબિયાના એક બંદરેથી મેંગલોર તરફ જઈ રહ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર. જ્યારે આગ ઓલવાઈ ગઈ છે, ત્યારે તેની કામગીરી પર અસર પડી છે. લગભગ 20 ભારતીયો સહિત તમામ ક્રૂ સભ્યો સુરક્ષિત છે. ICGS વિક્રમે આ વિસ્તારના તમામ જહાજોને સહાય પૂરી પાડવા માટે એલર્ટ કરી દીધા છે.બ્રિટિશ સૈન્યના યુનાઇટેડ કિંગડમ મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સ અને મેરીટાઇમ સિક્યોરિટી ફર્મ એમ્બ્રેએ જણાવ્યું કે, ઈઝરાયલના વેપારી જહાજ પર ભારતના વેરાવળ નજીક ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. અહેવાલો અનુસાર, આ હુમલાના કારણે જહાજમાં આગ લાગી હતી. ઉલ્લેખનીય છે કે, ગયા મહિને પણ હિંદ મહાસાગરમાં ઈઝરાયલના જહાજ પર ડ્રોન હુમલો થયો હતો.

ત્યારબાદ અમેરિકાના અધિકારીઓએ દાવો કર્યો હતો કે, આ હુમલો ઈરાની ડ્રોન દ્વારા કરવામાં આવ્યો હતો.ગયા મહિને જ યમનના હુથી બળવાખોરોએ લાલ સમુદ્રના શિપિંગ માર્ગ પર ભારત આવતા ઈઝરાયેલ સાથે જોડાયેલા કાર્ગો જહાજનું અપહરણ કર્યું હતું. બળવાખોરોએ જહાજના 25 ક્રૂ મેમ્બરને પણ બંધક બનાવ્યા હતા. આવી સ્થિતિમાં ટાઈમ્સ ઓફ ઈઝરાયેલના અહેવાલ અનુસાર ઈઝરાયલના અધિકારીઓ પણ આ ઘટનાને હુથી બળવાખોરો સાથે જોડી રહ્યા છે. આ પહેલા જમ્મુ અને કાશ્મીરના પૂંચ જિલ્લામાં  ભારે શસ્ત્રોથી સજ્જ ત્રાસવાદીઓએ બે લશ્કરી વાહનો પર હુમલો કરતા પાંચ જવાનો શહિદ થયા હતા તથા ત્રણ સૈનિકો ઇજાગ્રસ્ત થયા હતા.લશ્કરી કર્મચારીઓને એક કોર્ડન-એન્ડ-સર્ચ ઓપરેશનના સ્થળે લઇ જતાં આ વાહનો સુરનકોટ પોલીસ મથકની હદમાં આવતા ઢેરા કી ગલી અને બુફલીઆઝ વિસ્તારોની વચ્ચે ધાતયાર મોડ ખાતે હુમલાનો ભોગ બન્યા હતા.

ત્યારબાદ પૂંચ જિલ્લામાં ઢેરા કી ગલી વિસ્તારમાં ત્રાસવાદીઓની શોધખોળ માટે એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાંથી અથડામણ ફાટી નિકળી હતી. આ સ્થળે વધારાના દળો આજે મોકલવામાં આવી રહ્યા હતા તે સમયે ઉગ્રવાદીઓએ આ વાહનો, એક ટ્રક અને એક જીપ્સી પર ગોળીબાર કર્યો હતો, જેમાં ત્રણ સૈનિકોનાં શહિદ થયા હતા  તથા અન્ય ત્રણને ઇજા થઇ હતી. પીપલ્સ એન્ટિ ફાસિસ્ટ ફ્રન્ટ(પીએએફએફ)એ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે જે લશ્કરે તૈયબાનું એક પેટા સંગઠન છે. હુમલાના સ્થળે બીજા વધારાના દળો મોકલવામાં આવ્યા હતા અને  વ્યાપક ત્રાસવાદી વિરોધી અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.

ઘટના સ્થળેથી કેટલીક વ્યથિત કરતી તસવીરો અને વીડિયોઝ આવી રહ્યા છે જેમાં શેરીમાં ફેલાયેલું લોહી, સૈનિકોની તૂટેલી હેલ્મેટો અને લશ્કરના બે વાહનોના  તૂટેલી વિન્ડ સ્ક્રીનો જોઇ શકાય છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે એવી શક્યતા છે કે ત્રાસવાદીઓ લક્ષ્ય બનાવેલા સૈનિકોના શસ્ત્રો ઉઠાવી ગયા હોય. આ જ વિસ્તારમાં આ વર્ષે ૨૦મી એપ્રિલે પણ ભૂમિદળના એક વાહન પરના હુમલામાં પાંચ સૈનિકો માર્યા ગયા હતા. આ જંગલથી છવાયેલા વિસ્તારમાં ઓકટોબર ૨૦૨૧માં તો બે જુદા જુદા હુમલામાં નવ સૈનિકો માર્યા ગયા હતા.

જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા પછી પીએએફએફની સ્થાપના થઇ હતી. તેનું હેતું માત્ર 370ની કલમ નહીં હટે તે માટે કાયદાકીય લડત લડવાની તેમજ આ સંગઠનમાં વધુમાં વધુ કાશ્મીરીઓને જોડવાની હતી. જો કે, ત્યાર બાદ એ જાહેર થઇ ગયું હતું કે તે જૈશ-એ-મોહમ્મદનામના આતંકવાદી સંગઠન માટે પ્રોક્સી વોર લડે છે. થોડા સમય પહેલા જ ઉપર ભારત સરકારે પ્રતિબંધ મૂકી દીધો હતો. ગૃહમંત્રાલયે એક જાહેરનામુ બહાર પાડી કહ્યું કે, પીએએફએફ નિયમિત સમયે સુરક્ષા દળો, નેતાઓ અને અન્ય રાજ્યોમાંથી જમ્મુ-કાશ્મીરમાં કામ કરી રહેલા નાગરિકોને ધમકીઓ આપતું રહે છે.

પીએએફએફ અન્ય સંગઠનો સાથે જમ્મુ-કાશ્મીર અને ભારતના અગ્રણી શહેરોમાં હિંસક આતંકી ઘટનાઓ કરવા માટે ફિઝિકલી અને સોશિયલ મીડિયા બંનેમાં સક્રિયરૂપે કાવતરું ઘડવામાં સામેલ છે.અન્ય સંગઠનો સાથે પીએએફએફ બંદૂક, દારૂગોળો અને વિસ્ફોટકોને સંભાળવામાં ભરતી અને તાલિમ આપવા માટે યુવાનોને કટ્ટરપંથ તરફ વાળી રહ્યું છે. તેનાથી ભારતમાં આતંકવાદના વિવિધ કૃત્યો કરવામાં આવ્યા છે. આથી કેન્દ્ર સરકારે પીએએફએફને પ્રતિબંધિત સંગઠન જાહેર કર્યું છે.

જો કે ભારત સરકારની ગણતરી સાચી જ પડી અને પૂંછના લશ્કરી વાહનો ઉપર હુમલો કરવામાં તેનો જ હાથ બહાર આવ્યો. તો બીજી તરફ ભારતીય જળસીમામાં ઇઝરાયેલના વ્યાપારિક જહાજ પર ડ્રોન હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલો કોણે કર્યો તેની જવાબદારી હજી સુધી કોઇએ લીધી નથી પરંતુ ભારતીય સીમામાં હુમલો કરીને આવા નાપાક તત્વો ભારતની શાંતિને ડહોળવાનો પ્રયાસ કરી રહ્યાં છે. ભારત શાંતિ ઇચ્છે છે તેટલા માટે જ આવી હરકતોનો ડિપ્લોમેટિક જવાબ આપે છે. તેનો અર્થ એ નથી કે ભારત કંઇ કરી શકે તેમ નથી.

ગણતરીના દિવસોમાં જ દરિયામાં અને જમીન ઉપર એમ બે હુમલા કરવામાં આવ્યા છે. જે કોઇપણ સંજોગોમાં સાંખી લેવાઇ તેમ નથી. આવી કોઇપણ હરકતનો જવાબ આપવા માટે ભારતનું નેતૃત્વ સક્ષમ છે કારણ કે, ભારતમાં પાકિસ્તાનની જેમ રાજકીય અસ્થિરતા નથી. આ બંને ઘટના બાદ ભારતની શાંતિમાં પલિતો ચાંપનારાઓને જડબાતોડ જવાબ આપવો જ પડશે. આવું કરવામાં આવે તો જ આવા નાપાક તત્વોની શાન ઠેકાણે આવશે અને તેમને તેમની હેસિયત પણ ખબર પડશે.

Most Popular

To Top