uncategorized

પ્રાચીન કાળથી આપણા ત્યાં માનીતી અને અણમાનીતી કથાઘટ ચાલી આવ્યું છે

દક્ષ યજ્ઞના વિધ્વંસ પછી શું? બીજી બધી સત્તાની સામે આદિમ સત્તાનો વિજય થયો. બધા દેવતાઓ પરાજિત થઇ ગયા. આ દેવતાઓની એક લાક્ષણિકતા અવારનવાર જોવા મળે છે. તેમની પાસે જયારે બીજો કોઇ ઉપાય રહેતો નથી ત્યારે તેઓ બ્રહ્મા પાસે જશે, બ્રહ્મા ભલે પ્રજાપતિ કહેવાયા પણ તેમની પાસે બીજો કોઇ ઉપાય ન હોય ત્યારે તે બધાને લઇને વિષ્ણુલોકમાં જાય. આમ એક અથવા બીજી રીતે વિષ્ણુનું મહત્ત્વ વધુ ને વધુ માત્રામાં ઉપસાવાયું. બ્રહ્માએ દેવતાઓને ઠપકો આપ્યો કારણ કે તેમણે શંકર ભગવાનને યજ્ઞમાં ભાગ આપ્યો ન હતો એટલે તમે મહાદેવના અપરાધી થયા, હવે એ અપરાધની ક્ષમા માગવી પડે એટલે બધાને લઇને તેઓ કૈલાસ પર્વત પર ગયા. અનેક પ્રકારનાં પશુપંખી, વૃક્ષોથી શોભતાં કૈલાસનું ભાગવતકાર વર્ણન કરે છે. આજે એમાંથી કેટલાં વૃક્ષો રહ્યાં હશે? કવિને માત્ર કથામાં રસ નથી, આસપાસની પ્રકૃતિનું વર્ણન કરતા જશે- અનેક વૃક્ષોથી શોભતાં આ વિસ્તારમાં અલકાનગરી, નન્દા, અલકનન્દા નદીઓ. આવી શોભા ધરાવતી અલકાનગરીમાં કુબેરનો નિવાસ.

અહીં એક વૃક્ષનું વર્ણન કરવામાં આવ્યું છે. આ વર્ણન અતિશયોકિતપૂર્ણ છે. શંકર ભગવાન જે વૃક્ષની નીચે બેસતા હતા તે વૃક્ષ સો યોજન ઊંચું હતું. ભગવાન શંકરની સેવામાં કુબેર, સિધ્ધ ગણો હતા અને ત્યાં જિજ્ઞાસુઓના પ્રશ્નોના ઉત્તરો આપી રહ્યા હતા. બ્રહ્મા ત્યાં પહોંચ્યા એટલે શંકર ભગવાન સહિત બધા સિધ્ધ ગણોએ તેમને પ્રણામ કર્યા. બ્રહ્માએ અને દેવતાઓએ તેમની સ્તુતિ કરીને દક્ષને પુનર્જીવન આપવાની યાચના કરી. યજ્ઞમાં હવે તમારો ભાગ પણ રહેશે. શંકર ભગવાન દક્ષને જીવનદાન દઇ શકે પણ અહીં દક્ષને બકરાનું મોઢું લગાવવા કહયું. બધા દેવતાઓ ફરી હતા તેવા થઇ જશે એવું આશ્વાસન પણ આપ્યું. દેવતાઓએ ભગવાનને યજ્ઞશાળામાં પધારવા આમંત્રણ આપ્યું. દક્ષના ધડ પર યજ્ઞપશુનું મસ્તક જોડી દીધું.

હવે દક્ષે પોતાની સામે શંકરને જોયા, પુત્રી સતીનું સ્મરણ થયું. પછી ધીરે રહીને તેમણે ભગવાનની સ્તુતિ કરી અને યજ્ઞનો આરંભ થયો. ત્યાં ભગવાન વિષ્ણુએ પણ દર્શન આપ્યા. બધાએ તેમને પ્રણામ કર્યા અને તેમની સ્તુતિ કરવા માંડી અને બીજી બાજુ યજ્ઞનો આરંભ થયો. પછી યજ્ઞ સમાપ્ત થયો એટલે બધા પોતપોતાના સ્થાનકે ગયા. આ અને આવા પ્રકારના યજ્ઞ પ્રાચીન કાળથી ભારતમાં ચાલતા આવ્યા છે, યજ્ઞમાં હિંસા ન થવી જોઇએ એવું ઉપનિષદોમાં સ્પષ્ટ કહેવાયું છે તે છતાં અર્વાચીન કાળમાં પણ યજ્ઞ નિમિત્તે હિંસા થતી રહી છે. બંગાળમાં તેમ જ આદિવાસી વિસ્તારોમાં પશુબલિ અપાતા જ રહયા છે.

અહીં એક સૂચક વાત જાણવા મળે છે. અધર્મ પણ બ્રહ્માનો જ પુત્ર હતો. તેને દંભ નામનો પુત્ર અને માયા નામની પુત્રી હતાં. અને પછી તેમની અસદથી ભરી ભરી સંતતિ થવા લાગી. મનુ અને શતરૂપાને બે સંતાન- પ્રિયવ્રત અને ઉત્તાનવાદ. ઉત્તાનવાદને સુનીતિ અને સુરુચિ. આપણે ત્યાં પ્રાચીન કાળથી માનીતી અને અણમાનીતીનું કથાઘટ ચાલી આવ્યું છે એટલે ધ્રુવની માતા સુનીતિ રાજાની અણમાનીતી રાણી હતી. એક સમય સુરુચિનો પુત્ર ઉત્તમ પિતાના ખોળામાં બેઠો હતો ત્યારે ધ્રુવને પણ પિતાના ખોળામાં બેસવાની ઇચ્છા થઇ. ધ્રુવને રાજા પાસે જતો જોઇ અભિમાનથી ભરેલી સુરુચિએ ધ્રુવને કહયું, ‘તું સિંહાસનનો અધિકારી નથી. તું મારા પેટે જન્મ્યો નથી. જો તારે સિંહાસન જોઇતું જ હોય તો તું વિષ્ણુ ભગવાનની તપસ્યા કરી મારા પેટે જન્મ લે.’ આ સમયે પિતાનું કર્તવ્ય શું હતું? તેઓ તો માનીતીને વશ હતા એટલે કશું બોલ્યા નહીં. ધ્રુવ શું કરે? તે તો રડતો રડતો મા પાસે ગયો. માએ દીકરાને પોતાના ખોળામાં લીધો, બીજાઓ પાસેથી સુરુચિએ ધ્રુવને જે વાતો કહી હતી તે સાંભળી. સુનીતિ પુત્રને આશ્વાસન શું આપે? રાજાએ તો તેને દાસી તરીકે પણ સ્વીકારી ન હતી એટલે સુરુચિની વાત માનીને તું ભગવાનનું તપ કર.

ધ્રુવને માતાની વાત સાચી લાગી એટલે ચૂપચાપ નગરમાંથી નીકળીને વનમાં જવા લાગ્યો. ધ્રુવ હવે શું કરવા માગે છે તે જાણવા નારદ ઋષિ ત્યાં આવ્યા. આટલી નાની વયે પણ સાવકી માતાએ કરેલા અપમાનને ધ્રુવ ભૂલી નથી શકતો એ જાણીને તેમને પણ દુ:ખ થયું છતાં ધ્રુવને માન-અપમાનની વાતો સમજાવવા બેઠા. ધ્રુવ આટલી નાની વયે ભગવાનને પામવા નીકળી પડયો છે એ પણ ભગવાન ભલભલાને આવી રીતે મળતા નથી પણ ધ્રુવે તેમની વાત ન સ્વીકારી. ક્ષત્રિય તરીકે તે પોતાનું અપમાન સહન કરી શકતો ન હતો, એટલે ભગવાન કેવી રીતે પ્રાપ્ત થાય તે જણાવવા માટે નારદ ઋષિને વિનંતી કરી. નારદે ધ્રુવને કયો માર્ગ બતાવ્યો?

Most Popular

To Top