Sanidhya

ઇન્દ્રિયમાં હાડકાં કે સ્નાયુઓ હોતા નથી

ઘણી વાર ડાયાબિટીસના દર્દીઓમાં આ તકલીફ જોવા મળતી હોય છે
સમસ્યા: હાલ મારી ઉંમર 52 વર્ષની છે. મારી ઇન્દ્રિયના આગળના ભાગે છેલ્લા 5-6 માસથી સફેદ પદાર્થ વધારે જામે છે. જેને કારણે ઘણી વાર ચળ ઉત્પન્ન થાય છે તથા પેશાબ કર્યા પછી બળતરા પણ થાય છે. મહિનામાં એક-બે વખત સંભોગ કરતી વખતે તથા કર્યા પછી દુખાવો  થાય છે. આ બાબતમાં માર્ગદર્શન આપશો તથા આ માટે ક્યા નિષ્ણાત ડોક્ટરની ટ્રીટમેન્ટ લેવી જરૂરી છે તે અંગે પણ  જણાવશો.

ઉકેલ: સૌ પ્રથમ તો આપ ડાયાબિટીસ ચેક કરાવી લો. ઘણી વાર ડાયાબિટીસના દર્દીઓમાં આ તકલીફ જોવા મળતી હોય છે. આ દર્દીઓમાં જો ડાયાબિટીસ કાબૂમાં ના હોય તો આગળની ચામડી જાડી થઇ જાય છે અને ચોખ્ખાઇ બરાબર થતી હોતી નથી. તેમના પેશાબમાં પણ શુગર રહેલ હોય છે. જેથી ત્યાં બેકટેરિયાનો વિકાસ થતો હોય છે. તેથી ત્યાં ઇન્ફેક્શન થવાની શક્યતા રહેતી હોય છે અને કદાચ તે જ કારણસર આપને ચળ આવતી હશે માટે જ્યારે આપ સ્નાન કરો ત્યારે ચામડીને પૂરેપૂરી નીચે ઉતારી, આગળનો ભાગ મેલ ઈન્ટિમેટ વોશથી દરરોજ સાફ કરજો. આ વોશના કારણે આપને બેક્ટેરિયલ ઇન્ફેક્શન થવાની શક્યતા ઘટશે, ખરાબ સ્મેલ આવતી અટકશે તેમ જ ત્વચા સ્મુધ રહેશે. આપની ઉંમર 52 વર્ષ છે. તેથી આપના પત્નીની ઉંમર પણ આશરે 46-47ની આસ-પાસ હશે. આ ઉંમરે સામાન્ય રીતે માસિકસ્ત્રાવ બંધ થવાથી હોર્મોન્સમાં ફેરફાર થાય છે. જેથી સંભોગ વખતે યોનિમાર્ગમાં ભીનાશ ઓછી થાય છે અથવા થતી નથી. તે જ કારણે આપને સંભોગ વખતે અને તે પછી દુખાવો થાય છે. આમ ના થાય તે માટે ફોરપ્લે (સંભોગ પહેલાંની મસ્તી)માં થોડા સમયનો વધારો કરો અને ફાયદો ના થાય તો K-Y જેલીનો પ્રયોગ કરો. આ વોટરબેઝ જેલી છે એટલે તેની કોઇ જ આડઅસર થતી નથી અને દરેક દવાની દુકાને આસાનીથી મળી શકે છે. આપ નિષ્ણાત સેકસોલોજીસ્ટની પાસે પણ તપાસ કરાવી શકો છો.

કેટલી વાર સમાગમ કરો છો તે અગત્યનું નથી
સમસ્યા:  મારી ઉંમર 25 વર્ષની છે અને મારા લગ્નને એક વર્ષ થવા આવ્યું છે. મારી પત્ની પાતળા બાંધાની છે અને મારું શરીર જાડું છે. તો મારી પત્ની સમાગમ કરતી વખતે અકળામણ કરે છે. તો શું પત્નીની યોનિ સાંકડી હોય તેમ લાગે છે? પહોળી કરવા ઘણો પ્રયત્ન કરું છું. આખી રાત સમાગમ કરું છું છતાં પત્નીને સંતોષ મળતો નથી. જેથી મારી પત્નીને મહિના રહેતા નથી તો કારણ જણાવવા વિનંતી.

ઉકેલ: પાતળી સ્ત્રી અને જાડો પુરુષ અથવા જાડી સ્ત્રી અને પાતળો પુરુષ એકબીજાને સંતોષ આપી શકતા નથી એવી આપણા સમાજમાં માન્યતા છે. કોઇક અગમ્ય કારણસર ઘણા લોકો આવી વજૂદ વગરની માન્યતા ધરાવતા હોય છે. હકીકતમાં શરીરનો વિપરીત બાંધો કામસુખમાં બાધારૂપ નથી. જો પત્નીને પુરુષ ઉપર અને સ્ત્રી નીચેવાળી સ્થિતિમાં વધારે વજન લાગતું હોય અને અકળામણ અનુભવાતી હોય તો  તમે બીજા આસનોનો પ્રયોગ કરી શકો છો. આખી રાત સમાગમ કરવાથી સ્ત્રીને સંતોષ મળે તે જરૂરી નથી. તમે કેટલી વાર સમાગમ કરો છો તે અગત્યનું નથી પણ કેવી રીતે કરો છો તે વધારે મહત્ત્વનું છે. કલાત્મક કામક્રીડા સફળ દામ્પત્યજીવન માટે આવશ્યક છે. વીણાના તારમાંથી મધુર સંગીત રેલાવવું હોય તો તેને કલાત્મક રીતે વગાડવી પડે, બળથી વગાડવા જાવ તો બેસૂરો આવાજ આવે અથવા તાર તૂટી જાય. જાતીય સંતોષ મળે તો જ સ્ત્રી ગર્ભવતી થાય તે જરૂરી નથી. ગર્ભધારણ થવાની શક્યતા સ્ત્રીના જનન અવયવોની તંદુરસ્તી, અંડકોષ ઉત્પન્ન થવાની પ્રકિયા તથા પુરુષના શુક્રાણુની સંખ્યા તેમ જ હલન-ચલન (મોટીલીટી) જેવા પરિબળો ઉપર નિર્ભર કરે છે. જો બધું બરાબર હોય તો સ્ત્રી જાતીય ચરમસીમા વગર પણ ગર્ભધારણ કરી શકે છે અને છેલ્લી વાત સ્ત્રીનો યોનિમાર્ગ ઇલાસ્ટિક રબર બેન્ડ જેવો હોય છે. તે ટચલી આંગળીથી બાળકના માથા જેટલો પહોળો થઇ શકે છે. કહેવાનો મતલબ  કે સ્ત્રીનો યોનિમાર્ગ ગમે તેટલો સાંકડો હોવા છતાં પણ તેને ઇન્દ્રિય પ્રવેશ કરાવી શકે છે અને તેને હાથથી કે બીજી રીતે પહોળો કરવાની જરૂર હોતી નથી.

ઇન્દ્રિયમાં હાડકાં કે સ્નાયુઓ હોતા નથી
સમસ્યા: મને 5 વર્ષ પહેલાં જમણા અંડકોષમાં દુખાવાની તકલીફ થયેલ અને થોડું શીઘ્ર પતન જેવું થતું. અમારા ડોક્ટરે 10 દિવસની દવા આપેલ પરંતુ એ દવા 15 દિવસ લીધેલ. ફાયદો તો બિલકુલ ના થયેલ ઉપરથી સેક્સની તકલીફ શરૂ થઇ ગયેલ. ઇન્દ્રિયમાં ઉત્થાન બિલકુલ બંધ થઇ ગયેલ છે. તેથી અમારા ડોક્ટરે હાથ ઊંચા કરી બીજા દવાખાને જવાનું કહેલ. બીજા ડોક્ટરના કહેવા મુજબ વધારે દવા લેવાથી ઇન્દ્રિયની નસો નબળી પડી ગયેલ છે. જેથી શુક્રાણુની ગતિ ઓછી થઇ ગયેલ છે. જેથી 60 દિવસની દવાનો કોર્સ આપેલ પરંતુ કોઇ જ ફાયદો થયેલ નહીં. યોગ્ય માગદર્શન આપશો. અત્યારે હજી અંડકોષમાં દુખાવો થાય છે. રિપોર્ટમાં સારણગાંઠ બતાવેલ છે અને પાણી ભરાય છે તેમ કહેલ છે.

ઉકેલ: ઇન્દ્રિયમાં કોઇ નસ જેવું હોતું નથી માત્ર ખાલી ખાબોચિયા જ હોય છે. જ્યારે લોહીનો પ્રવાહ વધે ત્યારે આ ખાલી જગ્યા લોહીથી ભરાય છે અને પુરુષની ઇન્દ્રિય સંભોગ કરવા કાબેલ બને છે. 5 Km. ચાલશો તો પગમાં દુખાવો થશે કારણ કે ત્યાં હાડકાં છે, સ્નાયુઓ છે. ઇન્દ્રિયમાં હાડકાં કે સ્નાયુઓ છે નહીં તેથી નબળાઇ આવવાનો સવાલ જ નથી. એક શુક્રાણુને બનતા 3 મહિના જેટલો સમય લાગે છે એટલે 10-15 દિવસની દવા લેવાથી તેના ઉત્પાદન કે ગતિ ઉપર કોઇ જ અસર ના થાય. વળી શુક્રાણુનું કામ માત્ર બાળક ઉત્પન્ન કરવાનું જ છે. તમારા શરીરમાં એક પણ શુક્રાણુ ના હોય તો પણ તમે જીવનના છેલ્લા શ્વાસ સુધી જાતીય જીવન માણી શકો છો કારણ કે શુક્રાણુનું કામ માત્ર બાળક ઉત્પન્ન કરવાનું છે. તેને અને સેક્સને કોઇ જ લાગતુંવળગતું નથી. વૃષણ કોથળીનો દુખાવો તમને સારણગાંઠના લીધે જ હશે તેમ માનું છું. તેના માટે ઓપરેશન જ કરાવવું પડે પરંતુ ચોક્કસ નિદાન કરાવીને જ નિર્ણય લેજો. નહીંતર ઓપરેશન પછી પણ સ્થિતિ એની એ જ રહેશે.

અંડકોષ વૃષણ કોથળીમાં ઉતારી બચાવી શકાય છે
સમસ્યા: ઘણા વર્ષોથી મનમાં પ્રશ્ન ઘૂંટાતો હતો કે શાળાના દિવસો દરમ્યાન ડોક્ટરી તપાસ અમને વારાફરતી નગ્ન અવસ્થામાં કરાતી હતી. જે વિદ્યાર્થીને ઉત્તેજના આવે તેમને તમાચો મારતા. જો હસ્તમૈથુન-ઉત્તેજના યુવાનીમાં જો સ્વભાવિક હોય, તો તે ડોક્ટર કેમ ખફા રહેતા હતા? આ તપાસ જરૂરી છે?

ઉકેલ: નાની વયે સ્કૂલમાં કરાતી ડોક્ટરી તપાસ સામાન્ય રીતે કપડાં ઉતારીને જ છોકરાઓમાં થાય છે. જેથી તપાસ થઇ શકે કે અંડકોષ વૃષણ કોથળીમાં ઊતરેલ છે કે નહીં? સારણગાંઠ છે કે નહીં? જો નાની ઉંમરે અંડકોષ વૃષણ કોથળીમાં નથી એવું નિદાન થાય તો તે ઓપરેશન દ્વારા નીચે ઉતારી બચાવી શકાય છે. જો આમ ના થાય તો 13-14 વર્ષ બાદ આ અંડકોષ નકામા થવાની શકયતા રહેતી હોય છે. જેથી તે છોકરાને ભવિષ્યમાં પિતા બનવામાં તેમ જ ઉત્તેજના આવવમાં મુશ્કેલી પડી શકે છે માટે નાની ઉંમરે યોગ્ય તપાસ અને તેનો ઇલાજ થાય તે ખૂબ જ જરૂરી છે. બાકી ડોક્ટર કેમ ગુસ્સે થતા હતા અને લાફો મારતા એ તો તે જ કહી શકે છે.

Most Popular

To Top