Gujarat Election - 2022

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ ક્યારેય આનાથી વધુ બેઠક જીતી શક્યું નથી

ગુજરાત વિધાનસભાની આ ચૂંટણીમાં બહુપક્ષીય જંગ જામશે. આરોપ પ્રત્યારોપની રાજનીતિ વેગ પકડશે. અનેક રાજકીય સમીકરણો બદલાશે. ગુજરાતના પ્રવાસે દિગ્ગજ નેતાઓનો કાફલો ઉતરશે અને સભાઓ ગજાવશે. આ બધા વચ્ચે 1990થી 2017ની ચૂંટણી પર નજર કરવામાં આવે તો ક્યારે પણ કોંગ્રેસનો વોટ શેર 30 ટકાથી ઓછા નથી થયા અને ભાજપ ક્યારે પણ 127થી વધુ બેઠક મેળવી શક્યું નથી. વર્ષ 2022ની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, AIMIM, BTP, શંકરસિંહ વાઘેલાની પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી, NCP સહિત હજુ અનેક પક્ષો ચૂંટણીના રણ મેદાને ઉતરશે. આ ચૂંટણીમાં બહુપક્ષીય જંગ જામશે.

આ બધા વચ્ચે 182 ઉમેદવાર જ વિધાનસભાના સભ્ય બનશે અને બાકીના નેતાઓને જનતા ઘરનો રસ્તો બતાવશે. આ ચૂંટણીના જંગ સાથે છેલ્લા 22 વર્ષના ચૂંટણી પરિણામ પર નજર કરવામાં આવે તો 182 માંથી ભાજપ 130થી વધુ બેઠક એક પણ વખત મેળવી શક્યું નથી. 149 વિધાનસભા બેઠક જીતવાનો રેકોર્ડ સર્જનાર કોંગ્રેસ છેલ્લા બે દાયકાથી સત્તા પર આવવાના પ્રયાસો કરી રહી છે. છેલ્લા 22 વર્ષની ચૂંટણી પર નજર કરવામાં આવે તો કોંગ્રેસનો વોટશેર 30 ટકાથી ઘટ્યો નથી.

વર્ષ 1990થી 2017ની ચૂંટણી પર નજર કરવામાં આવે તો જનતા દળ, પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનો રા.જ.પા અને પૂર્વ મુખ્યમંત્રી સ્વ. કેશુભાઈ પટેલનો જી.પી.પી. આ બધા પક્ષ મેદાને ઉતરી અને કોંગ્રેસની વોટ બેંક પર જ ત્રાટક્યા પરંતુ હજુ પણ એક પેઢી એવી છે જે કોંગ્રેસની વોટબેંક છે. જોકે આમ આદમી પાર્ટી અન્ય પક્ષોથી અલગ તરી આવે છે. આ ચૂંટણીમાં જો આમ આદમી પાર્ટી કેટલી અસર કરશે તે તો જનાદેશમાં જ જાણી શકાશે.

1990ની ચૂંટણી
વર્ષ 1990ની ચૂંટણીમાં જનતા દળને 70 બેઠક મળી હતી. ભાજપને 67 બેઠક. કોંગ્રેસને 33 બેઠક, યુવા વિકાસ પાર્ટી ને 1 બેઠક મળી હતી. જ્યારે અપક્ષને 11 બેઠક મળી હતી. કોંગ્રેસનો વોટશેર 30.74 ટકા હતો, ભાજપનો વોટશેર 20.69 ટકા હતો અને જનતા દળનો વોટશેર 29.36 ટકા હતો.

1995ની ચૂંટણી
વર્ષ 1995ની ચૂંટણીમાં 182 બેઠકમાંથી ભાજપને 121 બેઠક મળી હતી. જ્યારે કોંગ્રેસને 45 બેઠક અને અપક્ષ 16 ઉમેદવારો ચૂંટાઈ આવ્યા હતા આ ચૂંટણીમાં ભાજપના 42.51 ટકા વોટશેર હતો. જ્યારે કોંગ્રેસના 32.86 ટકા વોટશેર હતા અને અપક્ષ 18.71 ટકા વૉટશેર હતા.

1998ની ચૂંટણી
વર્ષ 1998ની ચૂંટણીમાં 117 બેઠક પર ભાજપના ઉમેદવાર વિજેતા થયા હતા. જ્યારે 53 બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર વિજેતા થયા હતા. ભાજપના 44.81 ટકા વોટશેર મળ્યો હતો. જ્યારે આ ચૂંટણીમાં કોંગ્રેસનો વોટશેર 34.85 ટકા રહ્યો હતો. શંકરસિંહ વાઘેલાના રાજપા મોરચાનો વોટશેર 11.68 ટકા રહ્યો હતો. જનતા દળનો વોટશેર 2.63 ટકા અને અપક્ષનો વૉટશેર 5.24 ટકા રહ્યો હતો.

2002ની ચૂંટણી
વર્ષ 2022ની ચૂંટણીમાં ભાજપને અત્યાર સુધીની સૌથી વધુ બેઠક એટલે કે 127 બેઠક મળી હતી. કોંગ્રેસને 51 બેઠક અને જનતા દળને તથા અપક્ષને 2-2 બેઠક મળી હતી. આ ચૂંટણીમાં ભાજપનો વોટશેર 50 ટકા નજીક રહ્યો હતો. ભાજપનો વોટશેર 49.85 ટકા રહ્યો હતો. જ્યારે કોંગ્રેસનો વોટશેર 39.28 ટકા રહ્યો હતો. અને અપક્ષનો વોટશેર 5.72 ટકા રહ્યો હતો.

2007ની ચૂંટણી
આ ચૂંટણીમાં ભાજપને 117, કોંગ્રેસને 59, એનસીપીને 3 બેઠક, અપક્ષને 2 બેઠક તથા જેડીયુને 1 બેઠક મળી હતી. વોટશેરમાં ભાજપ ફરી 50 ટકા નજીક રહી હતી એટલે કે ભાજપનો વોટશેર 49.12 ટકા હતો. જ્યારે કોંગ્રેસનો વોટશેર 38 ટકા હતો.

2012ની ચૂંટણી
આ ચૂંટણીમાં ભાજપને 115 બેઠક મળી હતી જ્યારે કોંગ્રેસને 61 બેઠક મળી હતી. આ ચૂંટણીમાં ભાજપનો વોટશેર 47.85 ટકા રહ્યો હતો જ્યારે કોંગ્રેસનો વોટશેર 38.93 ટકા, જીપીપીનો વોટશેર 3.63 ટકા અને અપક્ષનો 5.83 ટકા વોટશેર રહ્યો હતો .

2017ની ચૂંટણી
વર્ષે 2017ની ચૂંટણીમાં અપક્ષ સહિત કુલ 67 રાજકીય પક્ષો ચૂંટણીના મેદાને ઉતર્યા હતા. જેમાં ભાજપને 99 બેઠકો મળી હતી, કોંગ્રેસને 77 બેઠકો, બિટીપીને 2 બેઠક, એનસીપીને 1 બેઠક અને અપક્ષને 3 બેઠક મળી હતી. 2017ની ચૂંટણીમાં જો વોટશેરની વાત કરવામાં આવે તો ભાજપનો વોટશેર 49.1 ટકા હતો જ્યારે કોંગ્રેસનો વોટશેર 41.4 ટકા હતો જ્યારે અપક્ષનો વોટશેર 4.3 ટકા હતો. આમ છેલ્લા 22 વર્ષની વાત કરવામાં આવે તો ભાજપને 127થી વધુ બેઠક નથી મળી અને બે દાયકાથી સત્તાથી દૂર રહેનાર કોંગ્રેસનો વોટશેર ક્યારે પણ 30 ટકાથી નીચે નથી ગયો. 1990થી કોંગ્રેસના વોટશેરમાં સતત વધારો થઈ રહ્યો છે. એમ પણ કહી શકાય કે, કોંગ્રેસ પાસે એક ચોક્કસ મતદાર વર્ગ છે અને જે સતત વધી રહ્યો છે. વર્ષ 2022ની ચૂંટણીમાં કોંગ્રેસ માટે આમ આદમી પાર્ટી પડકાર છે ત્યારે કોંગ્રેસના મતદાર હવે કોંગ્રેસના વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટીને પસંદ કરશે કે કોંગ્રેસ તરફી રહેશે તે ચૂંટણીના પરિણામમાં જ ખબર પડશે.

Most Popular

To Top