Editorial

યુરોપના કેટલાક દેશોનો કામદાર અજંપો મોટી અશાંતિમાં ફેરવાઇ શકે

યલો વેસ્ટ પ્રોટેસ્ટથી આખી દુનિયાનું ધ્યાન જેની તરફ ખેંચાયું હતું તે ફ્રાન્સમાં ફરી એકવાર અજંપો ભડકી ઉઠ્યો છે અને આ વખતનો અજંપો પણ આર્થિક કારણોસર જ છે. યલો વેસ્ટ પ્રોટેસ્ટ એ ફ્રાન્સમાં પ્રવર્તતી આર્થિક સમાનતા સામેના વિરોધ પ્રદર્શનો હતા જે કોરોનાવાયરસનો રોગચાળો શરૂ થવા પહેલા ૨૦૧૮ના વર્ષના ઉત્તરાર્ધમાં શરૂ થયા હતા. જો કે સમય જતા તે કંઇક ધીમા પડી ગયા અને રોગચાળો શરુ થવાની સાથે તો તદ્દન બંધ થઇ ગયા. હવે ફ્રાન્સમાં કામદાર અજંપો શરૂ થયો છે. ફ્રેન્ચ પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોને સંસદની અવગણના કરીને પોતાની ખાસ સત્તાનો ઉપયોગ કરીને પેન્શન સુધારા કાયદો પરાણે લાગુ પાડ્યા બાદ ફ્રાન્સમાં કામદારોમાં ભારે રોષ ફાટી નિકળ્યો છે. આમ તો આ પેન્શન સુધારાઓ સામે ત્યાં કેટલાયે સપ્તાહોથી વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા હતા, પરંતુ આ વિરોધોની અવગણના કરીને અને સંસદને પણ બાજુએ મૂકીને ફ્રેન્ચ પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોને પેન્શન સુધારા કાયદો અમલમાં મૂકી દીધો તેથી કામદારોમાં અને નોકરીયાતોમાં રોષ ખૂબ ભડકી ઉઠ્યો છે.

નવા કામદાર સુધારા માટેના કાયદામાં કામદારોની નિવૃત્તિ વય વધારીને ૬૨ પરથી ૬૪ વર્ષ કરવાની જોગવાઇ છે. તેના કારણે કામદારોએ બે વર્ષ વધુ કામ કરવું પડશે અને પેન્શન માટેના હકદાર મોડા બનશે. પેન્શન સુધારાઓમાં એવી પણ જોગવાઇ છે કે પુરું પેન્શન મળે તે માટે કર્મચારી કે કામદારે ઓછામાં ઓછા ૪૩ વર્ષ નોકરી કરી હોવી જોઇએ. આ જોગવાઇને કારણે ઘણા કામદારો પુરા પેન્શનનો લાભ ગુમાવશે. મેક્રોન માને છે કે પેન્શનને કારણે ઘણો નાણાકીય બોજ પડી રહ્યો છે અને તેથી આ સુધારો કરવો જરૂરી છે. જો કે આની સામે કામદારોનો સખત વિરોધ છે અને તેમણે પ્રચંડ દેખાવો પણ દેશભરમાં કર્યા છે.

અત્યારે સંસદમાં મેક્રોનના ગઠબંધને બહુમતિ ગુમાવી દીધી છે અને મેક્રોનના આ નવા કાયદાને સંસદમાં બહુમતિ મત મળે કે કેમ તે અંગે શંકા હતી. ડાબેરી અને અતિ જમણેરી સાંસદો આ પેન્શન સુધારાનો વિરોધ કરી રહ્યા છે અને રૂઢિચુસ્ત સાંસદો તે મામલે વહેંચાયેલા છે અને આથી મેક્રોન અને તેમના સાથી મંત્રીઓ જોખમ લેવા માગતા ન હતા અને તેથી છેવટે ખાસ હુકમનો આશરો લેવો પડ્યો છે. પેન્શન સુધારા કાયદો અમલી બનાવી દેવાયો તેના વિરોધમાં ફરીથી કામદારો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ફ્રાન્સમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો યોજાયા હતા અને આ વિરોધ પ્રદર્શનોએ હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ૧૬મી માર્ચે આ કાયદો અમલમાં મૂકાયાની જાહેરાત થયા બાદ થોડા સમયમાં જ વિરોધ પ્રદર્શનો શરૂ થઇ ગયા હતા અને રાજધાની પેરિસમાં સંસદની નજીક મોટા પ્રમાણમાં લોકો ભેગા થયા હતા. એફિલ ટાવરની નજીક પણ ઉગ્ર વિરોધ પ્રદર્શનો અને દેખાવો થયા હતા. બીજા પણ અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શનો યોજાયા હતા અને તેમાંથી તોફાનો ફાટી નિકળ્યા હતા.

અનેક સ્થળે મોટરકારોને અને રસ્તા પર ઉભી કરાયેલી આડશોને આગ ચાંપવામાં આવી હતી અને દેખાવકારો તથા પોલીસ વચ્ચે અથડામણના બનાવો બન્યા હતા. પોલીસ વોટર કેનન સહિતના સાધનોનો ઉપયોગ કર્યો હતો. આ પેન્શન સુધારાઓના વિરોધમાં દિવસોથી ચાલતી સફાઇ કામદારોની હડતાળને કારણે પેરિસ તથા અન્ય શહેરોમાં દુર્ગંધ મારતા કચરાની સમસ્યા પણ ઉભી થઇ છે. ખરેખર તો અત્યારે પશ્ચિમ યુરોપમાં ઘણો કામદારો અજંપો ચાલી રહ્યો છે અને બ્રિટનમાં બુધવારે શિક્ષકો, જુનિયર ડોકટરો અને જાહેર પરિવહનના કર્મચારીઓએ હડતાળ પાડી હતી. અને બ્રિટનમાં હાલની આ હડતાળ કંઇ નવી નથી.

ગયા વર્ષના અંતભાગે નાતાલના સમયે જ બ્રિટનમાં રેલવે કર્મચારીઓ, તબીબી કર્મચારીઓ સહીત વિવિધ ક્ષેત્રના કર્મચારીઓએ પગાર વધારા જેવી માગણીઓ સાથે હડતાળ પાડી હતી. હાલમાં સ્પેનથી એવા અહેવાલ બહાર આવ્યા છે કે સ્પેનની ડાબેરી સરકારે કામદાર યુનિયનો સાથે એક ઐતિહાસિક કરારની જાહેરાત કરી છે જેમાં ઉંચા પગાર મેળવનારાઓને સામાજીક સુરક્ષાનો ખર્ચ વધે આપવો પડશે જેથી પેન્શન યોજના જીવીત રહી શકે. છેલ્લા કેટલાક વર્ષોથી યુરોપના ધનવાન મનાતા અનેક દેશોની હાલત બહુ સારી કહી શકાય તેવી રહી નથી.

કોવિડના રોગચાળાએ આ દેશોને મોટો ફટકો માર્યો છે અને બાદમાં યુક્રેન યુદ્ધે તો સ્થિતિ ઘણી બગાડી નાખી છે. ત્યાંની સખત મોંઘવારીમાં સામાન્ય કામદાર વર્ગના લોકોને હવે સરળતાથી જીવન નિર્વાહ કરવામાં મુશ્કેલી પડવા માંડી છે જે સ્થિતિ સ્વાભાવિક રીતે અજંપો ઉભી કરે તેવી છે. જો કે આમ પણ યુરોપના અનેક દેશોમાં આર્થિક અસમાનતા જેવા મુદ્દે કેટલાક સમયથી પ્રજાના મોટા વર્ગમાં અસંતોષની લાગણી તો હતી જ, જે આપણને ફ્રાન્સના યલો વેસ્ટ પ્રદર્શનો વખતે જોવા મળી છે. બ્રિટન, ફ્રાન્સ જેવા દેશોનો કામદાર અજંપો મોટી અશાંતિમાં ફેરવાઇ જાય તેવી શક્યતા પણ નકારી શકાય તેમ નથી.

Most Popular

To Top