National

અસાની વાવાઝોડા પછી હવામાનની સિસ્ટમ નબળી પડી, હવે આ દિવસે આવશે વરસાદ

નવી દિલ્હી: નૈઋત્યનું ચોમાસુ(Southwest monsoon) આગામી બેથી ત્રણ દિવસમાં કેરળ(Kerala) આવી પહોંચે તેવી અપેક્ષા છે, જે ભારતના કૃષિ આધારિત અર્થતંત્રની જીવાદોરી સમાન ઋતુગત વરસાદની ધીમી શરૂઆત સૂચવે છે.

  • ચોમાસુ બે-ત્રણ દિવસમાં કેરળ આવી પહોંચે તેવી શક્યતા: હવામાન ખાતું
  • અસાની વાવાઝોડા પછીની વિશિષ્ટ હવામાન સિસ્ટમ નબળી પડી જતાં ૨૭મી મેએ ચોમાસુ બેસી જવાની આગાહી ખોટી પડી
  • બે-ત્રણ દિવસમાં કેરળમાં ચોમાસું શરૂ થશે અને તેની શરૂઆત બહુ મજબૂત નહીં હોય તેવી આગાહી

આ અગાઉ ભારતીય હવામાન વિભાગે એવી આગાહી કરી હતી કે કેરળમાં ચોમાસું શુક્રવાર(૨૭મી મે)ના રોજ બેસી જશે. પખવાડિયા અગાઉ બંગાળના અખાતમાં ત્રાટકેલ અસાની વાવાઝોડાના અવશેષોની મદદથી ચોમાસુ વહેલું આવી પહોંચવાની આગાહી હતી, આ આગાહીમાં ચાર દિવસની મોડેલ એરર સમાવિષ્ટ હતી. અલબત્ત, વાવાઝોડા પછીની હવામાન સિસ્ટમ કે જે દક્ષિણી દ્વિપકલ્પ પર ઝળુંબી રહી હતી તે નબળી પડી જતાં ચોમાસુ વહેલુ બેસી જવાની અને ઉત્તર તરફ આગળ વધવાની આગાહી ખોટી પડી છે એમ હવામાન વિભાગે જણાવ્યું હતું. હાલની છેલ્લામાં છેલ્લી હવમાનશાસ્ત્રીય સ્થિતિઓ મુજબ પશ્ચિમના પવનો દક્ષિણી અરબી સમુદ્રમાં નીચલા સ્તરે વધુ મજબૂત થયા છે અને ગાઢ બન્યા છે. સેટલાઇટ ઇમેજરી મુજબ કેરળના કાંઠે વાદળિયુ વાતાવરણ વધ્યું છે આથી કેરળમાં આગામી બે-ત્રણ દિવસમાં ચોમાસુ બેસી જાય તે માટે સાનુકૂળ સંજોગો છે એ મુજબ હવામાન વિભાગે જણાવ્યું હતું.

હવામાન વિભાગે અગાઉ જાહેર કર્યું હતું કે આંદામાન નિકોબાર ટાપુઓ પર ચોમાસુ ૧૬ મેએ બેસી ગયું છે. એવી આગાહી ચાલુ રહે છે કે ચોમાસુ ૩૦ મે અને ૨ જૂનની વચ્ચે બેસી જશે અને તે બહુ મજબૂત નહીં હોય એ મુજબ એક વર્ષાઋતુ સંશોધક અક્ષય દેવરસે જણાવ્યું હતું.

શુક્રવારે સુરતમાં 15 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો, તાપમાન તાપમાન 34 ડિગ્રી
સુરત: વાતાવરણમાં પલટો આવવા સાથે શહેરનું મહત્તમ તાપમાન ઓછું નોંધાઇ રહ્યું છે. વિતેલા 15 દિવસથી શહેરમાં મહત્તમ તાપમાન 34થી 35 સેલ્સિયસ ડિગ્રી વચ્ચે નોંધાઇ રહ્યું છે. પવનની ગતિ પણ વધવાને કારણે ગરમી ઓછી અનુભવાઇ રહી છે. હવામાન વિભાગ દ્વારા અરબી સમુદ્રમાં દરિયો તોફાની બનવા સાથે પવનની ગતિ 40થી 60 કિ.મી. સુધી વધવાની આગાહી કરાઇ છે, ત્યારે દરિયાઇ પવનોને કારણે શહેરીજનોને ગરમીથી થોડે અંશે છૂટકારો મળ્યો છે.

છેલ્લા બે અઠવાડિયાથી શહેરનું મહત્તમ તાપમાન ઓછું : શહેરીજનોને ગરમીથી થોડી રાહત મળી
હવામાન વિભાગ પાસેથી મળતી વિગતો અનુસાર શુક્રવારે સુરત શહેરનું મહત્તમ તાપમાન 34 સેલ્સિયસ ડિગ્રી અને ન્યૂનત્તમ તાપમાન 28 સેલ્સિયસ ડિગ્રી નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ 63 ટકા અને હવાનું દબાણ 1004.9 મિલીબાર રહ્યું હતું. દક્ષિણ પશ્વિમ દિશામાંથી પ્રતિ કલાક 15 કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, બે અઠવાડિયાથી શહેરમાં તાપમાન નીચું રહેતાં ગરમીથી થોડી રાહત અનુભવાઇ રહી છે. પવનની ગતિ પણ વધારે રહેતાં બળબળતા તાપથી લોકો થોડો હાશકારો અનુભવી રહ્યાં છે.

Most Popular

To Top