Editorial

કોરોનાની ત્રીજી લહેર હવે નહીં આવે પરંતુ પ્રત્યેકનું વેક્સિનેશન જરૂરી

કોરોનાની ત્રીજી લહેર આવશે તેવી ચાલી રહેલી ચર્ચાઓનો હવે છેદ ઉડી ગયો છે. એઈમ્સના ડાયરેકટર ડો. રણદીપ ગુલેરિયાએ એવું કહી દીધું છે કે હવે કોરોનાની ત્રીજી લહેર નહીં આવે. કોરોના એક સામાન્ય રોગ જેવો બની જશે. જરૂરી માત્ર એટલું જ છે કે દરેક વ્યક્તિએ વેક્સિન લેવી પડશે અને બાદમાં પણ લેતા રહેવું પડશે. તહેવારોમાં અને અન્ય પ્રસંગોમાં ભીડભાડથી દૂર રહેવાથી કોરોનાથી પણ દૂર રહી શકાશે તેમ ગુલેરિયાએ કહ્યું છે. સરવાળે ગુલેરિયાના કહેવા મુજબ, વેક્સિન લેવાથી કોરોના દૂર રહેશે અને જેણે હજુ વેક્સિન લીધી નથી તેણે વેક્સિન લઈ લેવી જોઈએ. ભારતમાં પ્રત્યેક વ્યક્તિને વેક્સિન નહીં મળી જાય ત્યાં સુધી દરેકે કોરોનાથી સાવધાન રહેવાની જરૂરીયાત છે તેમ પણ ગુલેરિયાએ કહ્યું છે.

બુધવારે તા.22મી સપ્ટે., 2021ના રોજ ભારતમાં કોરોનાના 26 હજાર નવા કેસ આવ્યા અને સાથે સાથે 252 લોકોના મોત થયા. ભારતમાં હાલમાં કોરોનાના જે કેસ આવી રહ્યા છે તે 25 હજારથી 40 હજારની વચ્ચે આવી રહ્યા છે. લોકો સાવધ રહેશે તો કોરોનાના કેસ ઘટી જશે. વેક્સિન લેશે તો કોરોનાને અટકાવી શકાશે. ભારતમાં મોટાપાયે વેક્સિનેશન થઈ રહ્યું છે તે જોતાં આગામી દિવસોમાં હવે કોરોના ફરી મહામારીનું સ્વરૂપ લે તેવી સંભાવના નથી. મોટાપાયે કોરોના ફેલાઈ શકે તેવી સંભાવના પણ હાલમાં જણાતી નથી. વેક્સિનેશનને કારણે આગામી દિવસોમાં કોરોના સામાન્ય ફ્લુ, સાધારણ ઉધરસ અને શરદી જેવો રોગ થઈ જશે. લોકોમાં હાલમાં કોરોનાની સામે હર્ડ ઈમ્યુનિટી તૈયાર થઈ ગઈ છે. જોકે, જેઓ બીમાર છે કે પછી તેમની ઈમ્યુનિટી ઓછી છે તેવા સામે કોરોના મોટું જોખમ ઊભું કરી શકે તેમ છે.

ગુલેરિયાએ ત્યાં સુધી કહ્યું કે, કોરોની રસી એક વખત લીધા બાદ પણ ફરી લેવી પડશે તેવો લોકોના મનમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે પરંતુ હાલની જરૂરીયાત એ છે કે નિયત કરાયેલા વેક્સિનના બંને ડોઝ લોકોએ લઈ લેવા. બે ડોઝ લીધા બાદ જ આગામી સમયમાં સ્થિતિ જોઈને કોરોનાનો નવો બુસ્ટર ડોઝ લેવો કે કેમ? તે નક્કી કરવો જોઈએ. ભારત આગામી ઓકટોબર માસમાં ફરી અન્ય દેશોને વેક્સિનનો જથ્થો મોકલવાનો કાર્યક્રમ શરૂ કરશે. દુનિયાના તમામ દેશોમાં લોકો રસી મુકાવી લે તે માટે આ વેક્સિન મૈત્રી કાર્યક્રમ થશે. એપ્રિલ માસમાં ભારતે દેશના નાગરિકોને પ્રાથમિકતા આપતા અન્ય દેશોને રસી આપવાનું અટકાવી દીધું હતું. જોકે, એ વાત એટલી જ સત્ય છે કે કોઈ દેશના લોકો રસી નહીં લે તો પછી ત્યાંથી ફરી કોરોનાનો વાયરસ ફેલાઈ શકે છે અને તેને કારણે કોરોના ફરી મહામારી બની શકે તેમ છે.

જો જરૂરી લાગે તો આગામી દિવસોમાં બીમાર, વૃદ્ધ કે પછી નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા હોય તેવા તમામને કોરોનાનો બુસ્ટર ડોઝ આપી શકાશે. એવું પણ બની શકે કે બીજી રસીનો બુસ્ટર ડોઝ પણ લઈ શકાય પરંતુ હાલમાં આ કહેવું મુશ્કેલ છે. ગુલેરિયાએ જે રીતે વાતો કરી છે તેણે બતાવ્યું છે કે હવે તંદુરસ્ત વ્યક્તિએ કોરોનાનો ભય રાખવાની જરૂરીયાત નથી. વેક્સિન લઈને કોરોનાથી બચી જ શકાય છે એટલે પ્રત્યેક વ્યક્તિએ કોરોનાની વેક્સિન લઈ લેવાની જરૂરીયાત છે. સાથે સાથે જે બીમાર કે વૃદ્ધ છે તેમણે ધ્યાન રાખીને વેક્સિનના બંને ડોઝ લઈ લીધા બાદ પણ ડોકટરની સલાહ લઈને બુસ્ટર ડોઝ પણ લઈ શકાશે. કોરોનાથી ડરવાની હવે સ્હેજેય જરૂરીયાત નથી પરંતુ વેક્સિનેશન જરૂરી છે.

Most Popular

To Top