Comments

‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ની પદ્ધતિનો ઉપયોગ શાસક પક્ષના ફાયદા ખાતર થઈ શકે છે

લોકશાહી શાસનવ્યવસ્થામાં કેટલાક આદર્શો બહુ ઉત્તમ હોય છે, પણ તેને વ્યવહારમાં ઊતારવામાં એટલી બધી મુશ્કેલી હોય છે કે તે આદર્શો જ રહી જાય છે. ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ નો આદર્શ ઉત્તમ છે, પણ તેનો અમલ કરવામાં અપાર મુસીબતો આવતી હોવાથી તે આજ દિન સુધી એક વિચાર જ રહ્યો હતો. હવે ભાજપને ૨૦૨૪ની ચૂંટણી જીતવાનું કાર્ય કપરું લાગી રહ્યું હોવાથી અચાનક તેને દેશની તમામ ચૂંટણીઓ એક સાથે કરાવવાની તીવ્ર ઇચ્છા પેદા થઈ છે. આ ઇચ્છા પૂરી કરવા તેણે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિદની અધ્યક્ષતામાં ઉતાવળે એક સમિતિનું ગઠન પણ કરી નાખ્યું છે અને સંભવત: સંસદનું વિશેષ સત્ર પણ બોલાવ્યું છે. આ સત્રમાં ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ ઉપરાંત યુનિફોર્મ સિવિલ કોડ અને મહિલા આરક્ષણ બિલ બાબતમાં પણ નિર્ણય કરવામાં આવશે, એમ માનવામાં આવે છે.

જો સંસદનાં બંને ગૃહોમાં ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ નો પ્રસ્તાવ પાસ થઈ જાય તો કદાચ આવતા ડિસેમ્બર મહિનામાં જ લોકસભાની અને તમામ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓ એક સાથે યોજવામાં આવશે. વડા પ્રધાન દેશની કથળતી જતી હાલતથી પણ ચિંતિત હોવાને કારણે લોકસભાની ચૂંટણી વહેલી યોજવાની વિચારણા ચલાવી રહ્યા હતા. હવે જો ખરેખર ડિસેમ્બરમાં તમામ ચૂંટણીઓ સાથે કરવામાં આવે અને કેન્દ્રમાં  તેમ જ મુખ્ય રાજ્યોમાં પણ ભાજપને બહુમતી મળે તો પાંચ વર્ષ આરામથી રાજ કરી શકાય, તેવી ભાવના આ ચાલ પાછળ રહેલી છે.

ભારત જેવા વિશાળ દેશમાં જ્યાં એક રાજ્યની ચૂંટણી પણ ત્રણ-ચાર તબક્કામાં કરવી પડતી હોય છે ત્યાં આખા દેશમાં લોકસભાની અને વિધાનસભાઓની ચૂંટણીઓ એક સાથે કરાવવાનો પડકાર ચૂંટણી પંચ ઉઠાવી શકશે કે કેમ? તે મોટો સવાલ છે. દેશના આટલા મોટા પ્રશ્ન બાબતમાં વિપક્ષોનું વલણ કેવું હશે? તે વિચારવાયોગ્ય છે. જો વિપક્ષો તે માટે તૈયાર ન હોય તો તેમના વિરોધને કચડીને આગળ વધવામાં કોઈ રાજકીય ડહાપણ દેખાતું નથી.

વર્ષોથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે કરાવવાના વિચારને આગળ ધપાવ્યો છે. તેમણે જૂન ૨૦૧૯ માં કહ્યું હતું કે તેમની પુનઃચૂંટણી પછી આ મુદ્દાની તપાસ કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવશે અને રાજકીય પક્ષોના નેતાઓ સાથે બેઠક બોલાવવામાં આવશે. ઘણા વિરોધ પક્ષો ભૂતકાળમાં આ વિચારની વિરુદ્ધમાં રહ્યા છે. ચાલુ વર્ષના નવેમ્બર-ડિસેમ્બરમાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ થવાની છે અને તે પછી આવતા વર્ષે મે-જૂનમાં લોકસભાની ચૂંટણીઓ યોજાવાની છે. જો કે સરકારનાં તાજેતરનાં પગલાંએ લોકસભાની ચૂંટણી પછી અને તેની સાથે સુનિશ્ચિત કરાયેલી સામાન્ય ચૂંટણીઓ અને કેટલાંક રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓને વહેલી યોજવાની શક્યતાઓ વધારી દીધી છે.

કેન્દ્ર અને રાજ્યોની ચૂંટણીઓ સાથે કરાવવાના ફાયદાઓ છે, તેમ ગેરફાયદાઓ પણ છે.  એકસાથે ચૂંટણી કરાવવાથી વિવિધ ચિંતાઓ દૂર થશે, જેમ કે ચૂંટણી યોજવાનો ખર્ચ ઘટાડવો અને તમામ ચૂંટણીઓને એક સીઝન સુધી મર્યાદિત કરવી. હાલમાં લગભગ કોઈ પણ સમયે એક અથવા બીજા રાજ્યમાં ચૂંટણી હોય છે. જેઓ એક સાથે ચૂંટણીની તરફેણ કરે છે તેઓ દલીલ કરે છે કે ચૂંટણીઓને ટાંકણે અમલમાં આવતી આદર્શ આચારસંહિતા સરકારની યોજનાઓ કે નીતિવિષયક  યોજનાઓની જાહેરાતના માર્ગમાં આવે છે. આ વિચારની વિરુદ્ધમાં દલીલ કરવામાં આવે છે કે આ રીતે ચૂંટણી યોજવાની પ્રક્રિયા બહુ જટિલ બની જશે અને કદાચ ચૂંટણી પંચ તેને હેન્ડલ નહીં કરી શકે. વળી એકસાથે ચૂંટણી કરવાથી પ્રાદેશિક ખેલાડીઓના ભોગે રાષ્ટ્રીય સ્તરે પ્રભાવશાળી પક્ષોને ફાયદો થશે અને જો કોઈ પણ સરકાર તેની મુદ્દત પૂર્ણ કરતાં પહેલાં પડી ભાંગે તો નિયત સમય કરતાં વહેલી ચૂંટણી યોજવાની ફરજ પડશે. રાજ્ય સરકારોની જેમ કેન્દ્ર સરકાર પણ પડી શકે છે.

ભારતને આઝાદી મળી તે પછીનાં વર્ષોમાં લોકસભાની અને રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓ સાથે જ થઈ હતી, પણ ત્યાર પછી પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી. ૧૯૫૨માં અને ૧૯૫૭માં લોકસભાની અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે થઈ હતી, જેમાં કોંગ્રેસ શરૂઆતમાં સમગ્ર દેશમાં આરામથી સફળતા પામી હતી. આ ચક્ર સૌ પ્રથમ કેરળમાં ૧૯૫૯ના જુલાઈમાં તોડવામાં આવ્યું હતું, જ્યારે કેન્દ્રે બંધારણની ૩૫૬મી કલમ લાગુ કરીને કમ્યુનિસ્ટ પાર્ટીના નામ્બૂદિરીપાદના નેતૃત્વ હેઠળની સરકારને બરતરફ કરી હતી, જેણે એપ્રિલ ૧૯૫૭માં ચૂંટણી પછી સત્તા સંભાળી હતી. કેરળમાં ૧૯૬૦માં ફરી ચૂંટણી યોજવામાં આવી હતી.

ત્યાર બાદ કૉંગ્રેસની લોકપ્રિયતામાં ઘટાડો થતાં તેને ૧૯૬૭ની ચૂંટણીઓમાં બિહાર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પંજાબ, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, મદ્રાસ અને કેરળ જેવાં અનેક રાજ્યોમાં મોટો આંચકો લાગ્યો હતો. પરિણામે ભારતીય ક્રાંતિ દળ, સંયુક્ત સમાજવાદી પાર્ટી, પ્રજા સમાજવાદી પાર્ટી, સ્વતંત્ર પાર્ટી, જનસંઘ અને કોંગ્રેસના પક્ષપલટો કરનારા વિધાનસભ્યોની સંયુક્ત વિધાયક દળની સરકારો સત્તા પર આવી હતી. વારંવારના પક્ષપલટાઓને કારણે આખરે વિધાનસભાઓનું વિસર્જન કરવાની ફરજ પડી હતી, જેને કારણે ઘણાં રાજ્યોની ચૂંટણીઓ કેન્દ્રની ચૂંટણીઓ કરતાં જુદા સમયે કરવાની ફરજ પડી હતી. આજની તારીખમાં તો દરેક રાજ્યની ચૂંટણીનું સમયપત્રક જુદું હોય છે. લોકસભાની ચૂંટણીઓ સાથે ભાગ્યે જ કોઈ રાજ્યની વિધાનસભાની ચૂંટણી થાય છે. હાલમાં માત્ર આંધ્ર પ્રદેશ, ઓડિશા, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમમાં વિધાનસભાની ચૂંટણીઓ લોકસભાની ચૂંટણીઓ સાથે યોજાય છે. બાકીનાં રાજ્યોમાં સ્વતંત્ર રીતે ચૂંટણી થાય છે.

ચૂંટણી પંચે ૧૯૮૩માં આ પ્રકારની સિસ્ટમ બનાવવાનું સૂચન કર્યું હતું. ન્યાયાધીશ બી.પી. જીવન રેડ્ડીની આગેવાની હેઠળના કાયદા પંચે મે ૧૯૯૯માં તેના ૧૭૦મા અહેવાલમાં જણાવ્યું હતું કે ‘‘આપણે એવી સ્થિતિમાં પાછા જવું જોઈએ કે જ્યાં લોકસભા અને તમામ વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજવામાં આવે.’’ ૨૦૦૩માં તત્કાલીન વડા પ્રધાન અટલબિહારી વાજપેયીએ તત્કાલીન કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો. સોનિયા ગાંધી શરૂઆતમાં તે બાબતમાં વિચારવા તૈયાર થયાં હતાં, પણ પાછળથી તેમણે પોતાનો વિચાર બદલી કાઢ્યો હતો.

૩૦ ઓગસ્ટ, ૨૦૧૮ ના રોજ એક ડ્રાફ્ટ રિપોર્ટમાં, જસ્ટિસ બી.એસ. ચૌહાણની આગેવાની હેઠળના કાયદા પંચે જણાવ્યું હતું કે બંધારણના વર્તમાન માળખામાં એકસાથે ચૂંટણીઓ યોજી શકાય નહીં. જો ચૂંટણીઓ એક સાથે યોજવી હોય તો લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, ૧૯૫૧ અને લોકસભા અને રાજ્ય વિધાનસભાઓની કાર્યવાહીના નિયમોમાં યોગ્ય સુધારા કરવા પડશે. કાયદા પંચના કહેવા મુજબ ઓછામાં ઓછાં ૫૦% રાજ્યો બંધારણીય સુધારાને બહાલી આપે તે જરૂરી છે. કાયદા પંચે ભલામણ કરી હતી કે કેલેન્ડર વર્ષમાં થનારી તમામ ચૂંટણીઓ એકસાથે યોજવામાં આવે. વિપક્ષો એવા ખ્યાલથી ચિંતિત છે કે આ પદ્ધતિ રાજ્યની ચૂંટણીના પ્રાદેશિક તત્ત્વને છીનવી લેશે અને રાષ્ટ્રીય નેતાઓ દ્વારા પ્રાદેશિક નેતાઓને ઢાંકી દેવામાં આવશે. ‘સ્વરાજ ઈન્ડિયા’ના પ્રમુખ યોગેન્દ્ર યાદવે કટાક્ષ કરતાં કહ્યું છે કે આ વિચાર “એક રાષ્ટ્ર, એક ચૂંટણી, એક પક્ષ, એક નેતા’ સમાન છે.

Most Popular

To Top