World

વડાપ્રધાન નિવાસમાં મિત્રો સાથે પાર્ટી કરી ફોટા પાડનાર પુત્રને જાપાનના વડાપ્રધાને આપી આકરી સજા

નવી દિલ્હી: જાપાનમાં વડા પ્રધાન (JapanPM) ફ્યુમિયો કિશિદાના મોટા પુત્ર શોટારોએ તેમના કાર્યકારી નીતિ સચિવના પદ પરથી રાજીનામું (Resignation) આપવું પડ્યું છે. શોટારોએ વડા પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન પર મિત્રો સાથે પાર્ટી કરી હતી, જેની તસવીરો વાયરલ થતા હોબાળો મચી ગયો હતો. દેશભરમાં શોટારોની ઘણી ટીકા થઈ રહી છે. પુત્રની હરકતથી પ્રતિષ્ઠાને હાનિ પહોંચી હોય વડાપ્રધાન એવા પિતા કિશિદા પોતાના દીકરા શોટારોને પદ પરથી બરતરફ કરી દીધા છે.

પાર્ટીની જે તસવીરો સામે આવી છે, તેમાં કિશિદાના પુત્રો તેમના મિત્રો અને સંબંધીઓ સાથે પીએમના નિવાસ સ્થાનના પગથિયાં પર રેડ કાર્પેટ પર પોઝ આપતા જોવા મળ્યા છે. કેટલીક તસવીરોમાં તે અને તેના મિત્રો રેડ કાર્પેટ પર સૂતા જોવા મળે છે.

એક તસવીરમાં શોટારો પીએમ માટે આરક્ષિત જગ્યા પર ઊભેલા જોવા મળે છે. એવું લાગે છે કે તે તેના પિતાની નકલ કરી રહ્યો છે. તસવીરોમાં કેટલાક લોકો એવું બતાવવાની કોશિશ કરી રહ્યા છે કે જાણે તેઓ પીએમના આવાસના પોડિયમ પર ઉભા રહીને પ્રેસ કોન્ફરન્સમાં સવાલોના જવાબ આપી રહ્યા છે.

આ તસવીરો વાયરલ થયા બાદ હોબાળો મચતાં સોમવારે રાત્રે વડાપ્રધાન કિશિદાએ કહ્યું, ‘વડાપ્રધાનના રાજકીય મામલાના સચિવ તરીકે, તેમની લોકો પ્રત્યે જવાબદારી હતી અને તેમનું કૃત્ય અયોગ્ય હતું. એટલા માટે મેં તેમની પાસેથી આ જવાબદારી પરત લેવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે ગુરુવારે તેમના પુત્રની જગ્યાએ અન્ય સચિવ તાકાયોશી યામામોટોની નિમણૂક કરવામાં આવશે.

દીકરાને પાર્ટી કરવા બદલ ઠપકો આપ્યો છે: કિશિદા
તેમણે કહ્યું કે તેમણે તેમના પુત્રને પાર્ટી માટે ઠપકો આપ્યો છે પરંતુ તેઓ વિપક્ષી સાંસદો અને જનતાના ગુસ્સાને શાંત કરી શક્યા નથી અને તેમના પુત્રને રાજીનામું આપવું પડ્યું છે. મુખ્ય કેબિનેટ સચિવ, હિરોકાઝુ માત્સુનોએ પીએમના સત્તાવાર નિવાસસ્થાન પર કિશિદાના પુત્ર દ્વારા પાર્ટીને અયોગ્ય ગણાવી હતી અને કહ્યું હતું કે ભવિષ્યમાં આવા કૃત્યોને રોકવા માટે કડક પગલાં લેવામાં આવશે. લગભગ 100 વર્ષ જૂનું વડા પ્રધાનનું નિવાસસ્થાન પહેલાં વડા પ્રધાન કાર્યાલય હતું. વર્ષ 2005માં જ્યારે નવું વડાપ્રધાન કાર્યાલય બનાવવામાં આવ્યું ત્યારે તેને પીએમનું સત્તાવાર નિવાસસ્થાન બનાવવામાં આવ્યું હતું.

Most Popular

To Top