Business

ઇઝરાયલ – હમાસ વચ્ચે યુદ્ધ વિરામની શક્યતા શાંતિનો સંદેશ છે

ઇઝરાયેલ અને હમાસના યુદ્ધ વચ્ચે પેલેસ્ટાઇનના વડાપ્રધાન મોહમ્મદ શતયેહએ રાજીનામું આપી દીધું હતું. તેમના સ્થાને હવે મોહમ્મદ મુસ્તુફા નવા વડાપ્રધાન બન્યા છે. હાલમાં ગાજાપટ્ટીમાં હમાસનું નિયંત્રણ છે જયારે વેસ્ટ બેંકમાં પેલેસ્ટાઇન ઓથોરિટી (પીએ)નું શાસન છે. આથી બંને પક્ષ રાજી થાય તો સંયુક્ત નેશનલ સરકાર બની શકે છે. પેલેસ્ટાઇનને નવા પીએમ મળ્યા પછી  હમાસ અને ઇઝરાયેલ વચ્ચે યુધ્ધવિરામની પણ શકયતા વધી ગઇ છે. પ્રાપ્ત માહિતી અનુસાર બંને પક્ષો પોતાની માંગમાંથી પિછેહઠ કરવા તૈયાર થયા છે. 

હમાસ યુધ્ધને કાયમી સમાપ્ત કરવાના સ્થાને કમસેકમ ૬ સપ્તાહ સુધી રોકી શકાય તેવી સંમતિ બની શકે છે. ઇઝરાયેલ ૧૦૦૦ પેલેસ્ટાઇની કેદીઓને છોડવા તૈયાર થયું છે જેમાં ૧૦૦ કેદીઓ તો હત્યા સહિતના ગંભીર ગુનાઓ ધરાવે છે. યુધ્ધ વિરામની ભૂમિકા તૈયાર કરવા માટે છેલ્લા બે દિવસથી દોહા,કાહિરા અને પેરિસમાં વાટાઘાટો યોજાઇ હતી. ઇઝરાયેલની જાસુસી એજન્સીના સુત્રોના જણાવ્યા અનુસાર કતારે હમાસના નેતૃત્વએ જાણ કરી છે કે જો પોતાની ગેર વ્યાજબી માંગણી નહી છોડે તો પોેતાના દેશમાંથી કાઢી મુકતા ખચકાશે નહી.

એવી પણ સમજૂતી થઇ છે કે ૧૦૦ પેલેસ્ટાઇની કેદીઓને છોડે તેના બદલામાં સૈનિકો સહિત ઇઝરાયેલના અપહરણનો ભોગ બનેલાને પણ છોડી મુકશે. ઇઝરાયેલી ખુફિયા એજ્ન્સીઓએ સરકારને માહિતી આપી છે કે ૧૩૪ ઇઝરાયેલી બંધકોમાંથી ૩૨ના મુત્યુ થયા છે. ઇઝરાયેલ પીએમ કાર્યાલયના સૂત્રોએ પણ ૧૦૦૦ કેદીઓના બદલામાં ૧૦૨ અપહ્તોને છોડશે ઉપરાંત મુત્યુ પામેલા ૩૨ના મૃતદેહો પણ સોંપશે.

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરુ થયાને છ મહિના ઉપરાંતનો સમય થઇ ગયો છે. હમાસ એક આતંકવાદી સંગઠન છે અને તેને અનેક ઇસ્લામિક દેશો આડકતરો સહકાર આપી રહ્યાં છે. હમાસે ઇઝરાયેલ પર હુમલો કરીને અનેક ઇઝરાયેલીના મારી નાંખ્યા હતા અને કેટલાકને બંધક બનાવ્યા હતાં. તેના જવાબમાં ઇઝરાયેલ હુમલો કર્યો હતો અને તેને તબાહ કરવામાં કોઇ કસર છોડી નથી. તો બીજી તરફ હમાસે ગેરિલા યુદ્ધ શરૂ કરીને ઇઝરાયેલ પર હુમલા શરૂ કર્યા હતા અને તે હજી પણ યથાવત છે એટલે તેનો બદલો ઇઝરાયેલ લેવા માટે વળતા હુમલા કરે છે અને તેમાં આતંકવાદીઓની સાથે સાથે અનેક નિર્દોષ જીંદગીનો પણ ભોગ લેવાઇ જાય છે.

જેથી આ યુદ્ધ અટકે તે ખૂબ જરૂરી છે. હવે જ્યારે 15 દિવસ યુદ્ધ વિરામની શક્યતા જોવાઇ રહી છે ત્યારે કમ સે કમ એક શાંતિનો સંદેશ મળી શકે તેમ છે અને જો તેમ થાય તો કમસે કમ એક શરૂઆત તો થશે. કારણ કે, આ યુદ્ધ શરૂ થયું પછી માત્ર પાંચ દિવસ જ યુદ્ધ વિરામ રહ્યો છે. ઇઝરાયેલના અભિયાનનો હેતુ ગાઝામાં કરાયેલાં તમામ અભિયાનો કરતાં મોટો છે. અત્યાર સુધીનાં અભિયાન હમાસને સીમિત કરવા પર કેન્દ્રિત હતાં, પરંતુ આનો હેતુ હમાસને સમાપ્ત કરવાનો છે. જોકે, ઇઝરાયલ ગાઝા પર ફરી વાર કબજો નથી કરવા માગતો, કારણ કે એ એવા 21 લાખ લોકો પર શાસન નથી કરવા માગતું જે તેને દુશ્મન માને છે.

ગાઝા માત્ર 40 કિલોમીટર લાંબો વિસ્તાર છે અને ત્યાં સૈન્ય અભિયાન એટલું વિસ્તૃત નહીં હોય. પરંતુ આનું પરિણામ શું આવશે, તેનું અનુમાન કરવું મુશ્કેલ છે. ખરેખર તો, ઇઝરાયલ પાસે ગાઝામાં અભિયાન શરૂ કરવો એ કોઈ સારો વિકલ્પ નથી. હમાસ વિરુદ્ધનું સૈન્ય અભિયાન ભલે ગમે તેટલું સફળ થાય, સૈન્ય તરીકે હમાસને ભલે ગમે તેટલું નુકસાન થાય, પરંતુ આ કાર્યવાહીની રાજકીય અસર અને લોકોનું વિદ્રોહીઓ પ્રત્યે સમર્થન જળવાઈ રહેશે. કાં તો ઇઝરાયલ ગાઝા પર કબજો કરશે અને તેને પોતાના નિયંત્રણમાં રાખશે કે પછી હુમલા બાદ પીછેહઠ કરીને એ વિસ્તારને ત્યાંના લોકો પર છોડી દેશે, જેમના માટે વિદ્રોહ અસ્તિત્વનો સવાલ છે.

Most Popular

To Top