Dakshin Gujarat

રેલવે ફાટક ફરી ખોલવાનો જશ લેવા મંત્રી ગાંધીનગરથી સીધા કીમ પહોંચી ગયા

કીમ: કીમ(Kim)ની વિવાદી બંધ રેલવે ફાટક(Railway gate) હંગામી ધોરણે ફરી બાઇકચાલકો માટે ખોલી દેવામાં આવી હતી. આંદોલનકારી યુવાનો-ગ્રામજનોનો રોષ સામે આવતાં ચીમકી અને આવેદન બાદ જે નેતાઓ સાથ સહકારથી અળગા રહેતાં તે બુધવારે ફાટક ખોલવાનો જસ લેવા દોડી આવ્યા હતા. ફાટક ખોલવા રાજ્યના મંત્રીએ સ્થળ પર પહોંચ્યા હતા.

  • કીમની વિવાદી બંધ રેલવે ફાટક હંગામી ધોરણે ફરી બાઇકચાલકો માટે ખોલાયો
  • ગાંધીનગરથી રાજ્યના ઊર્જા પેટ્રો કેમિકલ મંત્રી રેલવે ફાટકને લીલી ઝંડી આપવા કીમ પહોંચ્યા
  • ફાટક તો ખોલાયો પરંતુ બ્રિજનું કામ જ અધૂરું
  • છેલ્લા 55 મહિનાથી કીમ ઓવરબ્રિજની કામગીરી મંથરગતિએ

ઓલપાડની કીમ રેલવે ફાટક હરહંમેશ વિવાદમાં રહેતી હોય છે. ક્યારેક ઓવરબ્રિજની કામગીરીને લઈ તો ક્યાંક ટ્રાફિકના ભારણને લઈને. જો કે, આ વિવાદ ક્યારે સમસે તો નક્કી નથી. રેલવે ઓવરબ્રિજની કામગીરી છેલ્લાં પાંચ વર્ષથી ચાલી રહી છે. હજી પણ કામ અધૂરું છે. છેલ્લા પાંચ મહિનાથી કીમ ગામની રેલવે ફાટક તમામ પ્રકાર વાહનોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવી હતી.

ગાંધીનગરથી મંત્રી ફાટક ખોલવા આવી પહોંચ્યા !
ઓવરબ્રિજ મુદ્દે કીમ ગામમાં પરિવર્તન માટે ચૂંટણી ટાણે ઓવરબ્રિજનો મુદ્દો ઊંચક્યો હતો. પરંતુ છેલ્લા ઘણા સમયથી રેલવે ઓવરબ્રિજ અને ફાટક મુદ્દે કોઈ નક્કર નિરાકરણ ન આવતાં કીમ ગામના જાગૃત યુવાનોએ આંદોલનની ચીમકી આપી હતી. જેનાં શ્રીગણેશ કરતાં યુવાનોએ કલેક્ટર કચેરી ખાતે એકઠા થઇ આવેદનપત્ર પાઠવ્યું હતું. જે આવેદનપત્રમાં ગામના એક-બે ચુંટાયેલા ગ્રામ પંચાયત સભ્ય સિવાય કોઈ સરપંચ, તાલુકા કે જિલ્લા પંચાયત સભ્ય કે આગેવાનો કે ચુંટાયેલા સભ્ય દેખાયા ન હતા. પરંતુ બુધવારે ફાટક ખુલ્લી મૂકવાના પ્રસંગ સ્થાનિક કહેવાતા નેતાઓની સાથે સાથે છેક ગાંધીનગરથી રાજ્યના ઊર્જા પેટ્રો કેમિકલ મંત્રી રેલવે ફાટકને લીલી ઝંડી આપવા કીમ ગામે પહોંચ્યા હતા. જે કીમ ગામે ચર્ચાનો વિષય બન્યો હતો.

જસ ખાટવા નેતાઓની પડાપડી જોવા મળી
કીમ ગામના યુવાનો સળગતા પ્રશ્નને લઈ આંદોલન તરફ જઈ રહ્યા હતા. અને એક તબક્કે તેની શરૂઆત પણ કરી દેવાઈ હતી. જો કે, ત્યારે એક-બે ગ્રામ પંચાયતના સભ્યને છોડી કોઈ જાહેરમાં દેખાયા ન હતા. ત્યારે આજ પ્રશ્ન વધુ ઉગ્ર ન બને એ માટે ફાટક ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યારે તકસાધુ નેતાઓએ સોશિયલ મીડિયામાં ભારે ઉહાપો મચાવી દીધો હતો. અને જસ ખાટતાં ફોટા પાડવા માટે પડાપડી કરી મૂકી હતી.

Most Popular

To Top