Madhya Gujarat

કુખ્યાત ભાનુ ભરવાડ જાતે ગેરકાયદે બાંધકામ તાેડશે

નડિયાદ: નડિયાદ તાલુકાના બિલોદરા ગામની સીમમાં આવેલ સરકારી જમીન પર ગેરકાયદેસર દુકાનોનું બાંધકામ કરવા બદલ લેન્ડ ગ્રેબીંગના ગુનામાં નડિયાદ નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર ભાનુ ભરવાડને ગત તારીખ ૨૭ નવેમ્બર ૨૦૨૧ ના રોજ જેલમાં ધકેલવામાં આવ્યો હતો. જેના પોણા ચાર મહિના બાદ ગુજરાત હાઈકોર્ટે રૂ.૧૫,૦૦૦ ના બોન્ડ પર ભાનુ ભરવાડને શરતી જામીન આપ્યાં છે અને જામીન પર છુટ્યાં બાદ સરકારી જમીન પર ઉભી કરવામાં આવેલી ગેરકાયદેસર દુકાનો તોડી પાડવાનો આદેશ કર્યો છે. નડિયાદ નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર ભાનુ ભરવાડે થોડા વર્ષો અગાઉ જુના બિલોદરા ગ્રામપંચાયતની હદમાં પોતાના ઘર પાસે આવેલા સરકારી રસ્તા (નાળ) ઉપર ગેરકાયદેસર કબ્જો જમાવી તેની ઉપર પાંચ જેટલી દુકાનોનું બાંધકામ કર્યું હતું અને તમામ દુકાનો ભાડે આપી કમાણી શરૂ કરી દીધી હતી.

આ અંગે એક જાગૃત નાગરિકની ફરીયાદને આધારે નડિયાદ રૂરલ પોલીસે પાલિકાના પૂર્વ કાઉન્સિલર ભાનુ ભરવાડ વિરૂધ્ધ લેન્ડ ગ્રેબીંગનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. બીજી બાજુ પોલીસ પકડથી બચવા માટે ભાનુ ભરવાડ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. જોકે, ફરીયાદ દાખલ થયાના સાડા ત્રણ મહિના બાદ પોલીસે ભાનુ ભરવાડની અટકાયત કરી, કોર્ટ કસ્ટડીમાં ધકેલ્યો હતો. જેલના સળીયા ગણતાં ભાનુ ભરવાડે જામીન પર છુટવા માટે નડિયાદ કોર્ટમાં અરજી કરી હતી. જોકે, કોર્ટે ભાનુ ભરવાડની અરજી ફગાવી જામીન નામંજુર કર્યાં હતાં. જેથી ભાનુ ભરવાડ જામીન મેળવવા માટે ગુજરાત હાઈકોર્ટના શરણે પહોંચ્યો હતો. કોર્ટે ભાનુ ભરવાડની દલીલો તેમજ બાંહેધરીને ધ્યાનમાં રાખી રૂ.૧૫,૦૦૦ ના બોન્ડ પર શરતી જામીન આપ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભાનુ ભરવાડ સામે લેન્ડ ગ્રેબીંગ સહિતના ગુના દાખલ થયા છે. આ ઉપરાંત બોગસ ખેડૂત હોવાના પણ આક્ષેપો થયેલા છે. રાજકીય ઓથ હેઠળ ભાનુ ભરવાડે નડિયાદમાં આણ વર્તાવી દીધી હતી. તેની હિંમત એટલી હદે વધી ગઇ હતી કે તેણે કોંગ્રેસના ધારાસભ્ય પર પણ હુમલો કરાવ્યો હતો.

ભાનુ ભરવાડે હાઈકોર્ટમાં આપેલી બાંહેધરી
લેન્ડ ગ્રેબીંગના ગુનામાં ગત તારીખ ૨૭ નવેમ્બર ૨૦૨૧ થી જેલના સળીયા પાછળ ધકેલાયેલાં નડિયાદ નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર ભાનુ ભરવાડે જામીન મેળવવા સૌપ્રથમ નડિયાદ કોર્ટમાં અરજી કરી હતી. જે નામંજુર થતાં તેણે ગુજરાત હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરી હતી અને જામીન પર છુટ્યાં બાદ  સરકારી જમીન ઉપર બાંધેલી તમામ ગેરકાયદેસર દુકાનો તોડાવી નાંખવાની બાંહેધરી આપી હતી. તદુપરાંત કાકરખાડ પાર્ટી સર્વે નં ૨૦૭૫ વાળી તલાવડીવાળી જગ્યા ઉપર તેણે અતિક્રમણ કર્યું ન હોવાનું અને આ જગ્યા પર તેનો કોઈ હક્ક પણ ન હોવાનું જણાવ્યું હતું.

  • કઈ શરતોને આધારે જામીન મળ્યાં
  • સ્વતંત્રતાનો લાભ ન લેવો અથવા સ્વતંત્રતાનો દુરઉપયોગ ન કરવો
  • પ્રોસિક્યુશનના હિતને નુકશાન પહોંચે તેવું કાર્ય ન કરવું
  • એક અઠવાડિયાના સમયગાળામાં નીચલી કોર્ટમાં પાસપોર્ટ જમા કરાવવો
  • ટ્રાયલ દરમિયાન કોર્ટની પરમિશન વિના દેશ ન છોડવો
  • દર મહિનાની ૧ થી ૧૦ તારીખ દરમિયાન પોલીસમથકમાં હાજર થવું
  • ટ્રાયલ દરમિયાન કોર્ટની પરમિશન વિના રહેઠાણ બદલવું નહી
  • હાઈકોર્ટને આપેલી બાંહેધરીનું પાલન કરવું

Most Popular

To Top