Entertainment

પ્રતિકનું ભવિષ્ય ભૂત ભાખશે

પ્રતિક ગાંધી અત્યારે તેની કારકિર્દીના અત્યંત મહત્વના તબકકામાં પ્રવેશી ગયો છે અને ત્યારે તેની ફિલ્મ ‘અતિથી ભૂતો ભવ’, ઝી ફાઇવ પર આ ૨૩મીએ રજૂ થઇ રહી છે. અત્યારે બે ટી.વી. શ્રેણી ‘દૈઢ બીઘાં જમીન’ અને મહાત્મા ગાંધી પરની જીવન કથાત્મક શ્રેણીમાં કામ કરી રહેલા પ્રતિક પાસે તાપસી પન્નુ, વિદ્યા બાલન, ભામિની ઓઝા, યામી ગૌતમ, ઇલિયાના ડિક્રુઝ, દીક્ષા જોશી વગેરે સાથેની ફિલ્મો છે. ૨૦૨૨-૨૩ નું વર્ષ પ્રતિક માટે મેજર સાબિત થવાનું છે. અને તેનો આરંભ ‘અતિથી ભૂતો ભવ’ હોય શકે છે.

પ્રતિકે હર્ષદ મહેતા તરીકે જે ઇમ્પેકટ મુકયો તેનું આ પરિણામ છે અને હવે તે ગાંધી તરીકે ઇમ્પેકટ મુકશે. એ ફિલ્મો વચ્ચે તે ‘અતિથી ભૂતો ભવ’ માં દેખાશે. આ ફિલ્મમાં તેની સાથે સંજય ભણસાલીની ભાણેજ છે. અને ભણશાલીની ‘મેરી કોમ’, ‘બાજીરાવ મસ્તાની’માં સહાયક દિગ્દર્શક રહેવા ઉપરાંત ‘મલાલ’ ફિલ્મમાં આવી ચુકી છે. પ્રતિક હજુ ફિલ્મક્ષેત્રે નવો છે તો પણ એવી હીરોઇન સાથે કામ કરે છે જે ટોપ સ્ટાર સાથે કામ કરી ચુકી હોય. ‘અતિથી દેવો ભવ’નો દિગ્દર્શક હાર્દિક ગજજર છે જેની સાથે ‘બવન ભવાઇ’ માં પ્રતિકે કામ કર્યું હતું અને તે ઉપરાંત ગુજરાતી ફિલ્મ ‘વ્હાલમ જાઓને’માં પણ પ્રતિક જ હતો. હાર્દિક માટે પણ આ ફિલ્મ મહત્વની છે કારણકે અગાઉની તેની ફિલ્મમાં પ્રતિક હતો ત્યારે આટલો જાણીતો ન હતો.

પ્રતિકની અપેક્ષા થિયેટરોમાં રજૂ થતી ફિલ્મની જ હોય પણ અત્યારે ઓટીટી પ્લેટફોર્મ વધુ સલામત છે. ‘અતિથી ભૂતો ભવ’ આમ તો ગુજરાતીઓથી ભરેલી ફિલ્મ છે કારણકે જયંતીલાલ ગડા તેના પ્રેઝન્ટર છે અને પ્રતિક સાથે જેકી શ્રોફ પણ કામ કરે છે. આ એક જુદા પ્રકારની લવસ્ટોરી ધરાવતી ફિલ્મ છે. ‘ફૂલે’માં જયોતિબા ફૂલેનું પાત્ર ભજવતો પ્રતિક અહીં શીરોડકરનું પાત્ર ભજવે છે કે જે સ્ટેન્ડ અપ કોમેડીયન છે અને નેત્રા બેનરજી (શર્મીન) ના પ્રેમમાં છે.

વાત ત્યારે વળાંક લે છે જયારે મખનસીંઘ (જેકી શ્રોફ) નામનું ભૂત તેના જીવનમાં પ્રવેશે છે અને તે શ્રીકાંતને અમુક વચન પૂરા કરી આપવાનું કહે છે. જેકી શ્રોફ કહે છે કે મેં ઘણા પાત્રો ભજવ્યા છે પણ આ પાત્ર ઘણું જૂદું છે. ફિલ્મમાં એવા ઘણા દૃશ્યો છે જેની સાથે પ્રેક્ષકો સીધો સંબંધ જોડી શકશે. પ્રતિક પણ કહે છે કે આ એક મનોરંજક અને લાગણીથી ભરપૂર ફિલ્મ છે અને ભૂત હોવા છતાં આ થ્રીલર કે મર્ડર મિસ્ટ્રી નથી બલ્કે હળવી કોમેડી ફિલ્મ છે. શર્મીન પણ કહે છે કે મારું પાત્ર પ્રેક્ષકોને જકડી રાખશે. પ્રેમ બહુ સંકુલ છે અને તેમાંથી મારો ને પ્રતિકનો સંબંધ રસપ્રદ બને છે.

આ તો ફિલ્મમાં કામ કરનારાની વાત છે હવે પ્રેક્ષકો શું કહે છે તેનું મહત્વ છે. જો તેમને ફરી ફરી જોવી ગમશે તો તે સફળ ફિલ્મ ગણાશે. ઓટીટી પર સ્ટાર થવું સરળ નથી પણ ફિલ્મ સારી હોય તો કોઇને રોકી પણ શકાતું નથી. પ્રતિક માટે આ મહત્વની ફિલ્મ છે. અત્યારે થિયેટરોમાં રજૂ થયેલી ફિલ્મો નિષ્ફળ જતાં બધાની આશા ઓટીટી પ્લેટફોર્મ પર રજૂ થતી ફિલ્મો માટે જ હોય છે. ૨૩મી તો આ સામે જ છે. જુઓને કહો આ ભૂત નામની અતિથી બે પ્રેમીઓને તો ફળે જ છે, તમને ફળ્યા કે નહીં.

Most Popular

To Top