Comments

યુરોપ અને અમેરિકાના અર્થતંત્રો વિચિત્ર ચાલ બતાવી રહ્યા છે

વર્ષ ૨૦૨૦ની શરૂઆતમાં કોવિડ-૧૯નો વૈશ્વિક રોગચાળો શરૂ થયો ત્યારબાદથી આખું વિશ્વ એક યા બીજા પ્રકારે આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. રોગચાળાની શરૂઆતના દિવસોમાં ભારત સહિત વિશ્વના અનેક દેશોએ સખત લૉકડાઉન જેવા નિયંત્રણો જોયા. રોગચાળો હળવો થતા નિયંત્રણો પણ હળવા થવા માંડ્યા અને આજે તો દુનિયાભરમાં રોગચાળાને લગતા નિયંત્રણો લગભગ નહીંવત છે. પરંતુ આ વર્ષના ફેબ્રુઆરીના અંતભાગેથી શરૂ થયેલ રશિયા અને યુક્રેનના યુદ્ધે આખા વિશ્વને હેરાન કરી નાખ્યું છે, પરંતુ પશ્ચિમના યુરોપિયન દેશો અને અમેરિકા જેવા દેશો પર તેની અસર વધારે છે.

હાલમાં પશ્ચિમી દેશોમાં મોંઘવારી ખૂબ વધી છે અને તેને માટે રોગચાળા પછી ખોરવાયેલી સપ્લાય ચેઇન ઉપરાંત રશિયા-યુક્રેન યુદ્ધની મોટી અસર જણાય છે. હાલમાં એવા અહેવાલ આવ્યા છે કે યુરોપિયન દેશો કે જેઓ યુરોનો ચલણ તરીકે ઉપયોગ કરે છે તેમને ત્યાં જુલાઇમાં ફુગાવો વધુ એક વિક્રમ પર પહોંચ્યો હતો. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના કારણે ઇંધણના ઉંચા ભાવોને કારણે ત્યાં મોંઘવારીને વેગ મળ્યો છે, જો કે અર્થતંત્ર હજી પણ કેટલોક વિકાસ જાળવી રાખવમાં સફળ રહ્યું છે. બીજી બાજુ અમેરિકાના અર્થતંત્રમાં સતત બીજા ત્રિમાસિક ગાળામાં સંકોચન જોવા મળ્યું છે.

યુરોઝોનના ૧૯ દેશોનો વાર્ષિક ફુગાવો જુલાઇમાં ૮.૯ ટકા પર પહોંચ્યો હતો એમ યુરોપિયન યુનિયન સ્ટેટિસ્ટિક્સ એજન્સી દ્વારા શુક્રવારે પ્રકાશિત કરવામાં આવેલા છેલ્લામાં છેલ્લા આંકડાઓ જણાવતા હતા. ત્યાં ફુગાવો ૧૯૯૭થી માંડીને અત્યાર સુધીના તેના સર્વોચ્ચ સ્તર પર ચાલી રહ્યો છે જ્યારે યુરો માટે રેકર્ડ રાખવાની શરૂઆત થઇ હતી. ઉર્જાની કિંમતો ૩૯.૭ ટકાથી વધી હતી, જે અગાઉના મહિના કરતા થોડી નીચી હતી, જ્યારે ખોરાક, આલ્કોહોલ અને તંમાકુની કિંમતમાં ૯.૮ ટકાનો વધારો થયો હતો, જે ગયા મહિને નોંધાયેલ વધારા કરતા વધુ ઝડપથી વધારો થયો હતો. યુરોઝોનનું અર્થતંત્ર આ દરમ્યાન, એપ્રિલથી જૂન દરમ્યાન ૦.૭ ટકાના દરે વિકસ્યું હતું, જેની સરખામણીમાં તે ૨૦૨૧માં આ જ સમયગાળામાં ૪ ટકાના દરે વિકસ્યું હતું.

આ બાબત અમેરિકાના અર્થતંત્ર કરતા વિપરીત છે જેનું અર્થતંત્ર સતત બીજા ક્વાર્ટરમાં સંકોચાયું છે, જેણે ત્યાં મંદીનો ભય ઉભો કર્યો છે જ્યાં ફુગાવો ૪૦ વર્ષની ઉંચી સપાટી પર છે. જો કે ત્યાં જોબ માર્કેટ રોગચાળા પહેલાના સમય કરતા પણ હજી વધુ મજબૂત છે અને મોટાભાગના અર્થશાસ્ત્રીઓ, જેમાં ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જેરોમ પોવેલનો પણ સમાવેશ થાય છે તેમણે કહ્યું છે કે તેઓ નથી માનતા કે અર્થતંત્ર મંદીમાં છે. બીજી બાજુ યુક્રેનમાં ચાલતા યુદ્ધથી નિકટતા જોતા યુરોપના આ દેશો મંદીના જોખમ પર છે જ્યારે રશિયા તેનો ગેસનો પુરવઠો અવરોધી રહ્યું છે જે યુરોપની ફેકટરીઓને ધમધમતી રાખે છે, વિજળી ઉત્પન્ન કરે છે. યુક્રેન યુદ્ધની સૌથી વધુ અસર યુરોપિયન દેશોને થઇ છે કારણ કે તેઓ આ યુદ્ધ ક્ષેત્રથી ખૂબ નજીક છે. યુક્રેન એક યુરોપિયન દેશ છે અને રશિયાનો પણ મોટો ભાગ યુરોપ ખંડમાં છે. જો કે રશિયા યુરોપના મોટા ભાગના દેશો સાથે આજે શત્રુતાપૂર્ણ વર્તન કરી રહ્યું છે. યુરોપિયન દેશો આજ સુધી કેટલીક મહત્વની બાબતોમાં રશિયા પર ખૂબ આધારિત હતા અને તે વાત આજે તેમને નડી રહી છે.

યુરોપના દેશોમાં, ખાસ કરીને યુરોનો ઉપયોગ કરતા યુરોઝોનના દેશોમાં મોંઘવારી ખૂબ વધી છે તો બીજી બાજુ આ દેશોમાં ધીમા દરે પણ વિકાસ જળવાઇ રહ્યો છે. બ્રિટન પોતાના ચલણ તરીકે યુરોનો ઉપયોગ કરતું નથી, તેણે તો તે યુરોપિયન યુનિયનમાં હતું ત્યારે પણ પાઉન્ડને જ ચલણ તરીકે ચાલુ રાખ્યું હતું અને હવે તો તે યુરોપિયન યુનિયનમાંથી નિકળી ગયું છે. તે યુરોનો ઉપયોગ નહીં કરતું હોવા છતાં ત્યાં પણ મોંઘવારી તો છે જ. અમેરિકામાં પણ સખત મોંઘવારી છે અને ત્યાંની મોંઘવારી પર યુક્રેન યુદ્ધની અસર ઉપરાંત સપ્લાય ચેઇન ખોરવાવાની અસર વધુ દેખાઇ રહી છે.

જો કે ત્યાં એપ્રિલથી જૂનના ત્રિમાસિક ગાળામાં અર્થતંત્ર ૦.૯ ટકાના દરે સંકોચાયું છે અને સતત બીજા ત્રિમાસિક ગાળામાં ત્યાં અર્થતંત્ર સંકોચાયું છે અને મંદીનો ભય વધુ વધ્યો છે. જો કે ત્યાં આશ્ચર્યજનક રીતે જોબ માર્કેટ તેજીમાં છે અને ઘણા બધા લોકોને નોકરીઓ મળી છે. અને આવી સ્થિતિમાં ત્યાં મંદીની વાતને અનેક અર્થશાસ્ત્રીઓ નકારી રહ્યા છે. વિવિધ રીતે જોતા યુરોપ અને અમેરિકાના અર્થતંત્રોની, ખાસ કરીને અમેરિકાના અર્થતંત્રની ચાલ અત્યારે વિચિત્ર જણાઇ રહી છે. મંદી છે કે નહીં? મંદી આવશે કે નહીં? તે બાબતે કશું સ્પષ્ટ કહી શકાતુ઼ં નથી. અત્યારે તો આ સ્થિતિ વધુ વણસે નહીં અને યુરોપ અને અમેરિકામાં મંદીના સખત વાયરાઓ શરૂ નહીં થાય અને આખા વિશ્વને તેની ભીંસમાં નહીં લેવા માંડે તેની જ પ્રાર્થના કરવાની રહે છે.

Most Popular

To Top