Comments

ડૉક્ટરે સુવાચ્ય હસ્તાક્ષરે લખવું- આદેશથી

જૂનો અને આમ તો જાણીતો ટુચકો છે. એક યુવતી એક ડૉક્ટરના પ્રેમમાં પડી. પ્રેમી ડૉક્ટરે તેને પ્રેમપત્ર લખી મોકલ્યો. યુવતીને એ પત્રના અક્ષરો ઊકલ્યા નહીં, આથી તેને ઊકેલાવવા માટે તે એક કેમિસ્ટ પાસે ગઈ. કેમિસ્ટે એ વાંચીને યુવતીના હાથમાં દવા પકડાવી દીધી. બીજો ટુચકો પણ આ જ પ્રકારનો છે. પ્રેમી ડૉક્ટરના પ્રેમપત્રો પ્રેમિકા પર આવતા અને પ્રેમિકા એ વંચાવવા માટે કેમિસ્ટ પાસે જતી. આખરે કેમિસ્ટ અને પ્રેમિકા બન્ને પરણી ગયાં. આ બન્ને ટુચકા અલબત્ત,  અતિશયોક્તિભર્યા છે અને તેનો આશય રમૂજનો છે, પણ એ બન્નેમાં કશું સામાન્ય હોય તો પત્રમાં લખાયેલું ડૉક્ટરનું અવાચ્ય લખાણ. અવાચ્ય અક્ષરમાં લખાયેલા લખાણ માટે ‘ડૉક્ટર રાઈટિંગ’શબ્દપ્રયોગ પ્રચલિત છે.

દર્દીને દવાઓ લખી આપતા ડૉક્ટરના અવાચ્ય અક્ષરો અપવાદને બાદ કરતાં લગભગ એક નિયમ લેખે જોવા મળે છે. આ બાબત પર અનેક રમૂજો તેમજ કાર્ટૂન બનતાં રહ્યાં છે. અલબત્ત, ઓડિસાની વડી અદાલતે જાન્યુઆરી, 2024ના બીજા સપ્તાહ દરમિયાન રાજ્યના સ્વાસ્થ્ય વિભાગને આદેશ કર્યો છે કે ડૉક્ટરો તમામ પ્રિસ્ક્રીપ્શન, પોસ્ટમોર્ટમ રિપોર્ટ તેમજ અન્ય દસ્તાવેજો અંગ્રેજીના કેપિટલ અક્ષરમાં અથવા કમ સે કમ સુવાચ્ય અક્ષરોમાં લખે. કેમ કે, સામાન્ય માણસોની જેમ જ ન્યાયતંત્રનાં લોકોને પણ ડૉક્ટરોના વાંકાચૂંકા અક્ષરોવાળું લખાણ ઊકેલવું મુશ્કેલ બની રહે છે.

ડૉક્ટરોના હસ્તાક્ષર લગભગ ગરબડિયા, વાંકાચૂંકા કે અવાચ્ય હોય એ બાબતે કેટલીક પૂર્વધારણાઓ પ્રચલિત છે. એક સંભવિત કારણ એ મનાય છે કે જાહેર સ્વાસ્થ્યની સુવિધા પર ભારે દબાણ હોય છે, જેને પહોંચી વળવા માટે ડૉક્ટરો હંમેશાં ઉતાવળમાં હોય છે. અન્ય એક કારણ અનુસાર તબીબી પરિભાષા જટિલ હોય છે અને હાથ વડે તેને સાચી રીતે લખવા જતાં ભૂલ થવાની સંભાવના રહે છે. આથી ડૉક્ટરો પાછલા શબ્દોમાં લિસોટા તાણી દે છે. અન્ય એક કારણ હળવાશભર્યું છે, જેના અનુસાર ડૉક્ટરો પોતાનું તબીબી જ્ઞાન વર્તમાન સમયના પ્રચંડ માહિતીસ્રોત જેવા સર્ચ એન્‍જિન ગૂગલની પહોંચથી બહાર રાખવા માંગે છે. આ બધાં સાચાં, અડધા સાચાં કે સાવ ખોટાં- પણ વિવિધ કારણો અંતે એક જ હકીકત તરફ દોરી જાય છે.

આ અગાઉ 2020માં પણ ઓડિસાની વડી અદાલતે આવો જ આદેશ આપ્યો હતો. એ સમયે ન્યાયમૂર્તિએ કહ્યું હતું કે તબીબી પ્રિસ્ક્રીપ્શનમાં કોઈ પણ જાતની અનિશ્ચિતતા કે અર્થઘટન માટે અવકાશ હોવો જોઈએ નહીં. એક કેદી દ્વારા એક મહિના માટે વચગાળાના જામીન લેવા માટે ડૉક્ટરનું પ્રિસ્ક્રીપ્શન રજૂ કરવામાં આવ્યું હતું. એ કેદીને પોતાની બિમાર પત્નીની સંભાળ લેવા માટે જામીન જોઈતા હતા. એ સમયે ડૉક્ટરનું લખેલું લખાણ ન્યાયમૂર્તિને ઊકલ્યું ન હોવાથી તેમણે આ આદેશ ફરમાવ્યો હતો.

આ વખતે રસાનંદ ભોઈ નામના ફરિયાદી દ્વારા દાખલ કરાયેલી અરજીની સુનાવણી હતી. રસાનંદના પુત્રનું સર્પદંશથી મૃત્યુ થતાં તેમણે રાજ્ય સરકાર પાસે રહેમરાહે વળતરની માગણી મૂકી હતી. અગાઉ અદાલતે મૃતકના દેહનું પોસ્ટમોર્ટમ કરનાર ડૉક્ટરને હાજર રહેવા તેમજ પોતાનો અભિપ્રાય આપવા જણાવ્યું હતું. એ મુજબ ડૉક્ટર ઑનલાઈન હાજર થયા હતા અને નિર્ધારિત પત્રકમાં લખીને પોતાનો અભિપ્રાય રજૂ કર્યો હતો. એ વાંચવાનો પ્રયત્ન અદાલતે કરતાં તે અવાચ્ય જણાયું હતું, જેને કારણે અદાલતે આ આદેશ જારી કર્યો હતો.

ન્યાયમૂર્તિ એસ.કે.પાણિગ્રહીએ આદેશમાં જણાવ્યું હતું કે ઘણા ખરા કિસ્સામાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ લખતાં મોટા ભાગનાં ડૉક્ટરોનો અનૌપચારિક અભિગમ તબીબી-કાનૂની દસ્તાવેજોને સમજવામાં વિપરીત અસર કરે છે. ન્યાયતંત્રને એ અક્ષરો ઊકેલીને નિર્ધારિત તારણ પર આવવામાં ખૂબ મુશ્કેલી પડે છે. આથી રાજ્યના ચીફ સેક્રેટરીને એક પરિપત્ર બહાર પાડવા સૂચના આપવામાં આવે છે કે તમામ સ્વાસ્થ્ય કેન્‍દ્રો, ખાનગી દવાખાનાં તેમજ તબીબી કૉલેજો અને હોસ્પિટલોના ડૉક્ટરો સુવાચ્ય અક્ષરે યા ટાઈપ કરીને દવાઓ કે તબીબી-કાનૂની દસ્તાવેજો લખે.

અંગ્રેજી અખબાર ‘ધ ઈકોનોમિક ટાઈમ્સ’માં જણાવ્યા મુજબ, એક અહેવાલ અનુસાર અમેરિકામાં વરસે દહાડે સાતેક હજાર લોકો ડૉક્ટરના ગરબડિયા અક્ષરોને કારણે મરણને શરણ થાય છે. કામના વધુ પડતા કલાકોને લઈને તેમજ તાણ અને જટિલ તબીબી પરિભાષાને કારણે ડૉક્ટરો ઉતાવળમાં હોય છે અને એ કારણે તેઓ આમ કરતાં હોવાનું અહેવાલમાં જણાવાયું છે. આના ઉકેલરૂપે દર્દીઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે કે સુરક્ષા ખાતર તેઓ ડૉક્ટર પાસે ઈલેક્ટ્રોનિક સ્વરૂપે પ્રિસ્ક્રીપ્શન માગવાનો આગ્રહ રાખે.

ઓડિસાની અદાલતના આ આદેશનું પાલન થશે કે કેમ અથવા તો કેટલી હદે થશે એ કહેવું મુશ્કેલ છે. ડૉક્ટરોના આવા લક્ષણનો ઉકેલ વિચારવો અઘરો છે, કેમ કે, એ સમસ્યા કોઈ એક દેશ પૂરતી સીમિત નથી. એ લગભગ સાર્વત્રિક છે. એનું કારણ એ જ કે ડૉક્ટરોની કાર્યપદ્ધતિમાં ઝાઝો ફરક નથી હોતો. અલબત્ત, ઘણા ડૉક્ટર કમ્પ્યુટર દ્વારા ટાઈપ કરીને પ્રિન્ટ આપે છે, પણ એ પદ્ધતિ સર્વસ્વીકૃત બની નથી.

ડૉક્ટરો પોતે પણ આ હકીકતથી વાકેફ હશે. તેમને કેવળ કાયદા દ્વારા આમ કરવાની ફરજ પાડવાથી પરિસ્થિતિમાં સુધારો થવાની શક્યતા ઓછી છે. એમ જ હોત તો, ઓડિસાની અદાલતે ચારેક વર્ષ પછી એનો એ આદેશ ફરી બહાર પાડવો ન પડત. તબીબોનાં વિવિધ મંડળ પોતપોતાના સ્તરે આ બાબતે વિચારણા કરીને કશુંક કરે એ અપેક્ષિત છે. એ માટે તેમણે પોતાના સિવાયના અન્યોની દૃષ્ટિએ વિચારવું પડે. પરિસ્થિતિમાં રાતોરાત ફેરફાર કરવો મુશ્કેલ જણાય, પણ એ દિશામાં વિચારવાનો આરંભ થાય તો એટલું મુશ્કેલ જણાતું નથી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top